સુરત, 14 સપ્ટેમ્બર, 2026 : 100 hostel students suffer from food poisoning શહેરના અબ્રામા વિસ્તારમાં આવેલી પી.પી. સવાણી એજ્યુકેશન ઈન્સ્ટીટ્યૂટની હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિનીઓ અને વિદ્યાર્થીઓએ પનીરનું શાક, રોટલી અને ફ્રાય રાઈસ ખાધા બાદ ખોરાકી ઝેરની અસરથી 100 જેટલા વિદ્યાર્થીઓની તબિયત લથડતા સંસ્થાની સ્કૂલબસમાં વિદ્યાર્થીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની જાણ થતાં વાલીઓ પણ દોડી આવ્યા હતા. હોસ્પિટલમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓને પ્રાથમિક સારવાર બાદ રજા આપી દેવામાં આવી. પાંચ વિદ્યાર્થીઓને ખોરાકી ઝેરની વધુ અસર હોવાથી તેમની સારવાર ચાલી રહી છે.
આ બનાવની વિગત વી છે કે, શહેરના અબ્રામા વિસ્તારમાં આવેલી પી.પી. સવાણી એજ્યુકેશન ઈન્સ્ટીટ્યૂટની હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓએ મેસમાં પનીરનું શાક, રોટલી અને ફ્રાય રાઈસ ખાધા બાદ ફુડ પોઈઝનિંગની અસર થતાં વિદ્યાર્થીઓ ઊલટી કરવા લાગ્યા હતા. આથી સ્કૂલની 6 બસમાં વિદ્યાર્થીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જોકે મોટાભાગના વિદ્યાર્થીઓને પ્રાથમિક સારવાર આપીને રજા આપી દેવામાં આવી હતી, પી પી સવાણી સંસ્થા દ્વારા 100 વિદ્યાર્થીઓની તબિયત લથડી હોવાનો સ્વીકાર કરાયો છે, પરંતુ, હોસ્ટેલના ભોજનના કારણે નહીં પણ ગણપતિના પ્રસાદ કે બહારના અન્ય ખોરાકના કારણે તબિયત લથડી હોવાનો સંસ્થા દ્વારા બચાવ કરવામાં આવ્યો છે.
હોસ્ટેલના સંચાલકના કહેવા મુજબ હોસ્ટેલમાં અંદાજે 2,000 જેટલા વિદ્યાર્થીઓ અને 450 જેટલો સ્ટાફ છે, જેમાંથી આશરે 80 થી 100 જેટલા વિદ્યાર્થીઓને તબિયત લથડવાની સમસ્યા થઈ હતી. રાત્રે લગભગ 11:00 થી 11:30 વાગ્યા પછી વિદ્યાર્થીઓમાં રિએક્શન દેખાવા લાગ્યા હતા. તકેદારીના ભાગરૂપે તાત્કાલિક તમામ અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને રાતોરાત યોગ્ય સારવાર પૂરી પાડવામાં આવી હતી. સારવાર પૂર્ણ થયા બાદ તમામ વિદ્યાર્થીઓને શાળાની બસમાં સ્ટાફ અને રેક્ટરોની હાજરીમાં સુરક્ષિત રીતે હોસ્ટેલ પરત લાવવામાં આવ્યા હતા. હાલમાં તમામ વિદ્યાર્થીઓ સ્વસ્થ છે અને હોસ્પિટલમાં કોઈ દાખલ નથી.


