હૈદરાબાદ, 24 સપ્ટેમ્બર 2026: તેલંગાણા સાયબર સિક્યુરિટી બ્યુરો પાસે હૈદરાબાદથી સાયબર ક્રાઈમનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઓગસ્ટ 2025 માં, પીડિત યુવક ઓનલાઇન ડેટિંગ એપ પર ‘દિશા’ નામની એક પ્રોફાઇલના સંપર્કમાં આવ્યો હતો, જેણે પોતાને સોફ્ટવેર પ્રોફેસનલ તરીકે ઓળખાવી હતી. ધીમે ધીમે વાતચીત વધતાં અને વિશ્વાસ કેળવાતાં યુવકે તેની સાથે પર્સનલ ચેટ્સ અને વિગતો શેર કરી હતી.
ફરિયાદ અનુસાર, આરોપીએ શરૂઆતમાં પોતાના પિતાનું અવસાન થયું હોવાનું અને અંતિમ સંસ્કારના ખર્ચ માટે પૈસાની જરૂર હોવાનું કહીને મદદ માંગી હતી. યુવકે યુપીઆઈ ટ્રાન્સફર દ્વારા રૂ. 4.3 લાખ મોકલી આપ્યા હતા. પરંતુ જ્યારે રકમ પાછી ન મળી ત્યારે યુવકે વધુ પૈસા આપવાની ના પાડી દીધી હતી. આ પછી આરોપીએ પોતાની અસલી ઓળખ ‘અલીના’ નામની ટ્રાન્સજેન્ડર તરીકે આપી હતી અને પર્સનલ ચેટ વાયરલ કરવાની ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું.
પીડિતે શરૂઆતમાં તે નંબર બ્લોક કરી દીધો હતો. પરંતુ જુલાઈ 2026 માં આરોપીએ ફરી સંપર્ક કરી તેની માતા હોસ્પિટલમાં દાખલ હોવાનું બહાનું કાઢ્યું અને પર્સનલ ચેટ્સ પરિજનોને મોકલવાની તેમજ સોશિયલ મીડિયા પર લીક કરવાની ધમકી આપી બ્લેકમેલ કરવાનું ચાલુ રાખ્યું. જુલાઈથી 15 સપ્ટેમ્બર વચ્ચે, પીડિતે 241 વખત ઓનલાઈન ટ્રાન્સફર કરીને કરોડો રૂપિયા મોકલ્યા હતા. આ સિવાય સપ્ટેમ્બર મહિનામાં ચાર અલગ-અલગ પ્રસંગોએ રૂ. 77 લાખ કેશ (રોકડા) પણ આપ્યા હતા.
- મકાન વેચીને પણ રકમ ચૂકવી, અંતે સાયબર સેલના શરણે
આ બ્લેકમેલિંગથી બચવા માટે યુવકે પોતાની પર્સનલ સેવિંગ્સ, પરિવારની બચત અને એક ફ્લેટ વેચીને મળેલા તમામ નાણાં મળીને કુલ રૂ. 5 કરોડથી વધુની ચુકવણી કરી દીધી હતી. તેમ છતાં ધમકીઓ બંધ ન થતાં, યુવકે આખરે પરિવારને જાણ કરી અને 19 સપ્ટેમ્બરે નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર ફરિયાદ નોંધાવી હતી. તેલંગાણા સાયબર સિક્યુરિટી બ્યુરોએ ગુનો નોંધીને આરોપીને ટ્રેસ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.


