સુરેન્દ્રનગર, 26 સપ્ટેમ્બર 2026: સુરેન્દ્રનગરના વડગામ અને પાનવા વચ્ચે ઉભેલા ટરબો ટ્રક પાછળ ઇકો ગાડી ઘૂસી જતા ત્રણ લોકોના મોત નીપજ્યા છે. આ ગોઝારી ઘટનામાં ઇકો ગાડીમાં સવાર બે લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. જયારે ટરબો ટ્રકનો ક્લિનર ખેતરમાં ભાગવા જતા ઝાટકા મશીનમાં શોર્ટ લાગતા એનું પણ ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
દસાડા શંખેશ્વર હાઈવે પર વડગામ અને પાનવા ગામ વચ્ચે સર્જાયેલા આ ગોઝારા અકસ્માતની ઘટનાના પગલે હાઈવે પર ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાયા હતા. જયારે આ અકસ્માતની ઘટનાના પગલે લોકોના ટોળેટોળા પણ બનાવના સ્થળે એકઠા થઇ ગયા હતા. અને અકસ્માતની ઘટનામાં ઇજા પામેલા લોકોને 108 એમ્બ્યુલન્સ વાનમાં તાકીદે સારવાર અર્થે દસાડા સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા.
જયારે આ અકસ્માતની ઘટનાની જાણ થતાં દસાડા પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઇ વી.આઈ.ખડીયા, પીએસઆઇ વી.જે.માલવિયા સહિતનો દસાડા પોલીસ સ્ટાફ પણ તાકીદે ઘટના સ્થળે દોડી જઈ મૃતકોની લાશોને પોસ્ટ મોર્ટમ અર્થે દસાડા સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપવાની તજવીજ હાથ ધરી છે.


