રાયપુર, 26 સપ્ટેમ્બર, 2026: The Conversion Game છત્તીસગઢના ધમતરી જિલ્લામાં ધર્માંતરણ અને ખ્રિસ્તી પ્રાર્થના સભાઓને લઈને સામાજિક અને રાજકીય વિવાદ ફરી એકવાર ઘેરો બન્યો છે. અહીં 117 વર્ષ જૂના ઐતિહાસિક મેનોનાઈટ ચર્ચ સહિત 40થી વધુ ચર્ચો અને પ્રાર્થના સ્થળોના પરિસરમાં “બિન-ખ્રિસ્તીઓનો પ્રવેશ પ્રતિબંધિત છે” તેવા બોર્ડ લગાવવામાં આવ્યા છે.
બીજી તરફ, જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી 1500થી વધુ લોકોએ કલેક્ટર કચેરીમાં અરજી સબમિટ કરીને ખ્રિસ્તી પ્રાર્થના સભાઓમાં સામેલ થવા અંગે વહીવટીતંત્રને જાણ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ સંખ્યા 4000 સુધી હોઈ શકે છે. જોકે વહીવટીતંત્ર દ્વારા સત્તાવાર સમર્થન બાકી છે. હિન્દુ સંગઠનો અને આદિવાસી સમાજે આ ઘટનાક્રમ સામે ભારે વિરોધ નોંધાવ્યો છે.
વહીવટીતંત્રને 1500 અરજીઓ મળી
છેલ્લા દોઢ મહિના દરમિયાન ધમતરી જિલ્લા કલેક્ટર કચેરીમાં મોટી સંખ્યામાં સૂચના પત્રો મળ્યા છે. દાવા મુજબ:
નગરી વિસ્તારમાંથી આશરે 600 અરજીઓ.
કુરૂદ વિસ્તારમાંથી આશરે 595 અરજીઓ.
ધમતરી વિસ્તારમાંથી આશરે 310 અરજીઓ.
અરજી કરનારાઓમાં સાહૂ સમાજ અને આદિવાસી સમુદાયના લોકોની સંખ્યા વધુ હોવાનું કહેવાય છે. અપર કલેક્ટર ઈન્દ્રા નવીન સિંહે અરજીઓ મળી હોવાની વાત સ્વીકારીને જણાવ્યું હતું કે આ અરજીઓ નિયમાનુસાર સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (SDM) કચેરીને મોકલવામાં આવશે. તેમણે સ્પષ્ટ કર્યું કે આ અરજીઓ માત્ર માહિતીના સ્વરૂપમાં આપવામાં આવી છે અને તેના પર તુરંત કોઈ કાનૂની કાર્યવાહી કરવાની જોગવાઈ નથી.
117 વર્ષ જૂનું સુંદરગંજ મેનોનાઈટ ચર્ચ ચર્ચામાં
આ સમગ્ર વિવાદના કેન્દ્રમાં ધમતરીનું ઐતિહાસિક સુંદરગંજ મેનોનાઈટ ચર્ચ છે. આશરે 117 વર્ષ જૂનું આ ચર્ચ ધમતરીમાં ખ્રિસ્તી મિશનરી પ્રવૃત્તિઓના પ્રારંભિક યુગનું પ્રતિક માનવામાં આવે છે. ચર્ચ પરિસર બહાર લગાવવામાં આવેલા બોર્ડ અંગે ચર્ચ પ્રબંધનનું કહેવું છે કે આ પગલું કોઈ સમુદાયને રોકવા માટે નહીં, પરંતુ પ્રાર્થના સભા દરમિયાન થતા અસામાજિક તત્વોના ઉપદ્રવ અને વિવાદોને અટકાવવા માટે લેવાયું છે. જોકે, હિન્દુઓ તેને ચર્ચોના બદલાતા વલણ તરીકે જોઈ રહ્યા છે.
40 ચર્ચો બહાર બોર્ડ: સામાજિક અને રાજકીય ચર્ચા વધી
ક્રિશ્ચિયન ફોરમના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક મહિનાઓમાં પ્રાર્થના સભાઓ અંગે વધેલા વિરોધ પ્રદર્શનો બાદ જિલ્લાના 40 જેટલા ચર્ચો અને પ્રાર્થના સ્થળો પર આવા બોર્ડ મૂકવાનો નિર્ણય લેવાયો હતો.
ક્રિશ્ચિયન ફોરમના મહામંત્રી ડૉ. ડાયમંડ ફિલિપ્સે જણાવ્યું કે ખ્રિસ્તી ધર્મ કોઈ પણ વ્યક્તિને પ્રાર્થના સ્થળે આવતા રોકતો નથી. પ્રાર્થના સભામાં આવતા લોકો પોતાની સ્વેચ્છાએ આવે છે અને કાયદા મુજબ વહીવટીતંત્રને અગાઉથી જાણ કરે છે. બીજી તરફ, હિન્દુ સંગઠનોનો આરોપ છે કે ચર્ચોમાં ચાલતી પ્રવૃત્તિઓ અંગે અગાઉથી જ શંકાઓ હતી અને હવે સામૂહિક અરજીઓ સામે આવતા આ શંકા વધુ મજબૂત બની છે.
છત્તીસગઢમાં ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ 2026
છત્તીસગઢ સરકારે ધર્માંતરણ અંગે ચાલતા વિવાદો વચ્ચે વર્ષ 2026 માં નવો “ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ” અમલમાં મૂક્યો છે. આ કાયદા હેઠળ બળજબરી, પ્રલોભન, છેતરપિંડી કે દબાણપૂર્વક કરવામાં આવતા ધર્મ પરિવર્તન સામે કડક જોગવાઈઓ કરવામાં આવી છે:
સામૂહિક ધર્માંતરણના કેસમાં આજીવન કેદ સુધીની સજાની જોગવાઈ છે. ધર્મ પરિવર્તન કરતા પહેલા જિલ્લા વહીવટીતંત્રને પૂર્વ સૂચના આપવી વાજબી અને કાયદાકીય રીતે ફરજિયાત છે.
સરકારી આંકડા અને સાંપ્રત સ્થિતિ
નવા કાયદાનો મુસદ્દો તૈયાર કરતી વખતે રાજ્ય સરકારે જાહેર કર્યું હતું કે વર્ષ 2021થી 2025 વચ્ચે ગેરકાયદે ધર્માંતરણ અંગે નોંધાયેલી ફરિયાદોની સંખ્યા 100થી ઓછી હતી. આમ છતાં, ખાસ કરીને બસ્તર અને સરગુજા જેવા વિસ્તારોમાં આ મુદ્દો સામાજિક અને રાજકીય તણાવનું કારણ બનતો રહ્યો છે.
હાલમાં એક તરફ 1500થી વધુ અરજીઓનો દાવો અને બીજી તરફ 40થી વધુ ચર્ચો બહાર લાગેલા બેનરોને કારણે સમગ્ર છત્તીસગઢનું ધ્યાન ધમતરી જિલ્લાના વહીવટીતંત્રની તપાસ અને આગામી કાનૂની પગલાં પર ટકેલું છે.


