૮ ઑક્ટોબર, ૨૦૨૬ના રોજ ગોવામાં ૭૫ વર્ષની વયે નાના પાટેકરના અવસાનના સમાચારથી ભારતીય સિનેમાના એક આગવા કલાકારની લાંબી યાત્રાનો અંત આવ્યો. તેમના નિધનથી ફિલ્મજગતે એક પ્રભાવશાળી અભિનેતા ગુમાવ્યો. આંખોની તીવ્રતા, સંવાદો બોલવાની વિશિષ્ટ શૈલી અને પાત્રમાં ઊતરી જવાની ક્ષમતાથી તેમણે દર્શકોના હૃદયમાં સ્થાન મેળવ્યું હતું. ખેડૂતો માટેના સેવાકાર્યએ તેમની ઓળખને ફિલ્મી પડદાથી આગળ પહોંચાડી હતી.
૧ જાન્યુઆરી, ૧૯૫૧ના રોજ મહારાષ્ટ્રના મુરુડ-જંજીરામાં જન્મેલા નાના પાટેકરનું મૂળ નામ વિશ્વનાથ પાટેકર હતું. પરિવારની આર્થિક સ્થિતિ ખરાબ થતાં લગભગ તેર વર્ષની ઉંમરે તેમણે કામ શરૂ કર્યું. એક મુલાકાતમાં જણાવ્યા મુજબ, તેઓ શાળાના અભ્યાસ સાથે ફિલ્મોનાં પોસ્ટર રંગતા તે માટે તેમને મહિને માત્ર ૩૫ રૂપિયા કમાતા. રસ્તા પર ઝેબ્રા ક્રોસિંગ રંગવાના કામ પણ કર્યા છે. ભૂખ અને અપમાનના આ અનુભવોને તેમણે પોતાના અભિનયના ઘડતર સાથે જોડ્યા હતા.
શાળાના દિવસોથી જ તેમને રંગભૂમિમાં રસ હતો. આગળ જતાં તેમણે મુંબઈની સર જે. જે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ એપ્લાઇડ આર્ટમાં અભ્યાસ કર્યો. ચિત્રકળા અને મરાઠી નાટ્યપ્રવૃત્તિઓએ તેમની સર્જનાત્મક દૃષ્ટિને ઘડી. વર્ષ ૧૯૭૮ની ‘ગમન થી શરૂ થયેલી તેમની હિન્દી ફિલ્મયાત્રામાં ‘ અંકુશ’, ‘સલામ બોમ્બે!’, ‘અંગાર’, ‘તિરંગા’, ‘અપહરણ, ‘ટેક્સી નંબર ૯૨૧૧′ અને ‘રાજનીતિ’ જેવી અનેક જાણીતી ફિલ્મો સામેલ થઈ.
તેમના અભિનયનું વૈવિધ્ય પાત્રોની પસંદગીમાં સ્પષ્ટ દેખાતું હતું. ‘પરિંદા’ ના ભયજનક અન્ના, ‘ક્રાંતિવીર’ ના આક્રોશભર્યા નાયક અને ‘અગ્નિસાક્ષી ના અસ્વસ્થ કરી દેતા પાત્રને તેમણે પોતાની આગવી અભિવ્યક્તિ આપી. ‘અબ તક છપ્પન’ના સાધુ આગાશેમાં પોલીસ અધિકારીની કઠોરતા અને આંતરિક તણાવ રજૂ કર્યો. ‘ખામોશી – ધ મ્યુઝિકલ’ માં મૌન અને હાવભાવથી લાગણીઓ વ્યક્ત કરી, જ્યારે ‘વેલકમ’ના ઉદય શેટ્ટીમાં સંવાદોના સમય અને રજૂઆતથી હાસ્ય ઊભું કર્યું. મરાઠી સિનેમામાં ‘દેઊળ’, ‘ડૉ. પ્રકાશ બાબા આમટે ધ રિયલ હીરો’ અને ‘આપલા માણસ’ જેવી કૃતિઓ પણ તેમની કારકિર્દીનો મહત્વનો ભાગ બની. ‘નટસમ્રાટ’ માં નિવૃત્ત રંગકર્મી ગણપતરાવ બેલવલકરના પાત્ર દ્વારા તેમણે વૃદ્ધાવસ્થા, સંબંધોની તૂટફૂટ અને એકલતાની પીડાને ઊંડાણથી રજૂ કરી. આ ભૂમિકા તેમના પોતાના જણાવ્યા મુજબ ભાવનાત્મક રીતે અત્યંત કઠિન અને કલાકાર તરીકે સંતોષ આપનારી હતી. શબ્દો પૂરા થયા પછી પણ તેમના ચહેરા પરની વેદના દર્શક સુધી પહોંચતી રહેતી.
તેમને ત્રણ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળ્યા હતા. ‘પરિંદા’ અને ‘અગ્નિસાક્ષી’ માટે શ્રેષ્ઠ સહાયક અભિનેતા તથા ‘ક્રાંતિવીર’ માટે શ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર મળ્યો. વર્ષ ૨૦૧૩માં તેમને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા. ૧૯૯૧ની ‘પ્રહાર’ નું લેખન અને દિગ્દર્શન કરવા ઉપરાંત તેમણે તેમાં સૈન્ય અધિકારીનું પાત્ર ભજવ્યું હતું. આ ભૂમિકાની તૈયારી માટે તેમણે સૈનિક તાલીમ લીધી. તેમને સેનાએ માનદ કેપ્ટનનો દરજ્જો આપ્યો હોવાનો ઉલ્લેખ પણ સમાચાર અહેવાલોમાં મળે છે. કારગિલ યુદ્ધના સમય અંગે ‘ ધ લલ્લનટોપ’ સાથેની મુલાકાતમાં તેમણે જણાવ્યું હતું કે તત્કાલીન રક્ષામંત્રી જ્યોર્જ ફર્નાન્ડિસની મંજૂરી મેળવી તેઓ જવાનો સાથે જોડાયા હતા. તેમના વર્ણન પ્રમાણે તેમણે લગભગ ૬૦ દિવસ વિવિધ સ્થળોએ વિતાવ્યા અને ક્વિક રિએક્શન ટીમ સાથે કામ કર્યું.
નાના પાટેકરના જીવનનું મહત્વનું પ્રકરણ ‘નામ ફાઉન્ડેશન´ છે. સપ્ટેમ્બર, ૨૦૧૫માં તેમણે અભિનેતા મકરંદ અનાસપુરે સાથે મળીને આ સંસ્થાની સ્થાપના કરી. મહારાષ્ટ્રમાં દુષ્કાળ, પાણીની અછત અને ખેડૂતોની આત્મહત્યાઓથી ઊભી થયેલી પરિસ્થિતિમાં સંકટગ્રસ્ત પરિવારોને સહાય પહોંચાડવી અને ખેતી ટકી રહે તેવા ઉકેલો માટે કામ કરવું તેના કેન્દ્રમાં હતું.
ફાઉન્ડેશનના જળસંરક્ષણ કાર્યમાં નદી-નાળાં ઊંડાં અને પહોળાં કરવાં, જળાશયોમાંથી કાંપ કાઢવો, પાણી સંગ્રહની ક્ષમતા વધારવી અને ભૂગર્ભજળ રિચાર્જ કરવામાં જેવી પ્રવૃત્તિઓ સામેલ છે. તેની સત્તાવાર વેબસાઇટ અનુસાર, વર્ષ ૨૦૧૫થી ૨૦૨૫ દરમિયાન ૨,૨૪૬ જળસ્રોતોની પુનઃસ્થાપના અને ૧૭૮ નદીઓના પુનર્જીવનનું કામ થયું. જળસંરક્ષણ ઉપરાંત સંસ્થા આત્મહત્યાથી અસરગ્રસ્ત ખેડૂત પરિવારોને સહાય, વિધવા મહિલાઓ માટે આવકનાં સાધનો, શિક્ષણ અને આરોગ્યના ક્ષેત્રે કાર્ય કરે છે. ૧૫ સપ્ટેમ્બર, ૨૦૨૬ના અગિયારમા સ્થાપનાદિનની માહિતીમાં તેણે પૂર અને કોવિડ દરમિયાન રાહતકાર્ય તથા ખેડૂત આત્મહત્યાથી અસરગ્રસ્ત પરિવારોનાં બાળકો માટે રહેણાક શાળાના નિર્માણનો ઉલ્લેખ કર્યો હતો. આ કામમાં નાના પાટેકર અને મકરંદ અનાસપુરે સાથે સંસ્થાની ટીમ, સહયોગીઓ અને દાતાઓનો પણ ફાળો રહ્યો છે.
લોકપ્રિયતા વચ્ચે પણ નાના પાટેકરની વ્યક્તિગત જરૂરિયાતો મર્યાદિત હતી. એક મુલાકાતમાં તેમણે મોંઘી કાર ખરીદવા કરતાં ખેડૂતના ચહેરા પર સ્મિત લાવવાનું વધુ મહત્વનું ગણાવ્યું હતું. સાદાં કપડાં અને મુંબઈના એક બેડરૂમના ફ્લેટ અંગેના અહેવાલો તેમની જીવનશૈલીની ઝલક આપે છે. તેમની સાદગી સાધનોના અભાવ કરતાં પોતાની પસંદગીઓમાં વધુ વ્યક્ત થતી હતી. ‘કૌન બનેગા કરોડપતિ’ માં તેમણે જણાવ્યું હતું કે ફિલ્મનું કામ હોય ત્યારે તેઓ મુંબઈ આવતા અને પછી ગામ તરફ પાછા જતા. પોતાના માટે નાસ્તો અને જમવાનું બનાવવું, કસરત કરવી અને પુસ્તકો વાંચવાં તેમની દિનચર્યાનો ભાગ હતાં. ગાયો, બળદ અને આસપાસના પહાડો વચ્ચેનું જીવન તેમને ગમતું. રસોઈ પ્રત્યેના પોતાના લગાવ વિશે Rediffને આપેલી મુલાકાતમાં તેમણે કહ્યું હતું કે સાથે રસોઈ બનાવીને સમય વિતાવવાથી લોકોનો તણાવ હળવો થાય છે. આ વિગતોમાં તેમની સ્વાવલંબી અને ઘરેલું જીવન પ્રત્યેની રુચિ દેખાય છે.
તેમના સ્વભાવમાં સ્પષ્ટવક્તાપણું અને તીવ્રતા હતી. પોતાના ગુસ્સા વિશે વાત કરતાં તેમણે બાળપણમાં સહન કરેલા અપમાનનો ઉલ્લેખ કર્યો હતો. અનિલ કપૂર સાથેની વાતચીતમાં પણ તેમના ગુસ્સા અને કામકાજ પર તેની અસર અંગે ચર્ચા થઈ હતી. અભિપ્રાય સ્પષ્ટ રીતે વ્યક્ત કરવાની તેમની ટેવ ક્યારેક મતભેદનું કારણ બનતી. તેમની આ કઠોર છબીની સાથે મુશ્કેલીમાં મુકાયેલા લોકો માટેની સંવેદનશીલતા પણ તેમના વ્યક્તિત્વનો ભાગ હતી.
નાના પાટેકરને યાદ કરતાં તેમની કલાત્મક સિદ્ધિઓ અને માનવીય મર્યાદાઓ બંનેને સ્વીકારવાં જોઈએ. તેમણે પોતાના જીવનના અનુભવોને પાત્રોમાં ઉતાર્યા અને મેળવેલી સફળતાનો એક હિસ્સો જરૂરિયાતમંદ લોકોની મદદ માટે વાપર્યો. તેમની ફિલ્મો જોવાની સાથે પાણી બચાવવું, સંકટગ્રસ્ત પરિવારને સહારો આપવો કે કોઈ બાળકના અભ્યાસમાં મદદ કરવી એ તેમના કાર્યમાંથી પ્રેરણા લેવાના માર્ગો બની શકે છે. ભારતીય સિનેમાના આ આગવા કલાકારને ભાવભીની શ્રદ્ધાંજલિ. તેમનો અવાજ ફિલ્મોમાં અને સેવાની પ્રેરણા તેમણે ઊભાં કરેલાં કાર્યોમાં જીવંત રહે.


