Homeગુજરાતીદેશ-વિદેશભારતીય સેનાની તાકાતમાં વધારો: સ્વદેશી કંપનીએ 450 કામિકાઝે ડ્રોનની સપ્લાય કરી

ભારતીય સેનાની તાકાતમાં વધારો: સ્વદેશી કંપનીએ 450 કામિકાઝે ડ્રોનની સપ્લાય કરી

નવી દિલ્હી, 15 ઓક્ટોબર 2026: ભારતીય સેનાની લડાયક ક્ષમતા અને આત્મનિર્ભરતાને બળ આપતી એક મોટી સફળતા સામે આવી છે. ભારતીય સંરક્ષણ ક્ષેત્રની અગ્રણી સ્વદેશી કંપની ‘સોલર ડિફેન્સ’દ્વારા ભારતીય સેનાને એક જ બેચમાં 450 ‘લોઇટરિંગ મ્યુનિશન’નો જથ્થો સફળતાપૂર્વક સુપ્રત કરવામાં આવ્યો છે. કંપનીના જણાવ્યા અનુસાર, એક જ તબક્કામાં કરવામાં આવેલી આ અત્યાર સુધીની સૌથી મોટી સપ્લાય છે, જે ભારતીય સેનાની સરહદી સુરક્ષાને નવી ઊંચાઈ આપશે.

લોઇટરિંગ મ્યુનિશન એક એવું આધુનિક શસ્ત્ર છે, જે સામાન્ય ભાષામાં ‘કામિકાઝે ડ્રોન’ (આત્મઘાતી ડ્રોન) તરીકે ઓળખાય છે. આ ડ્રોન લક્ષ્યની આસપાસ હવામાં ચોક્કસ સમય સુધી ઉડાન ભરીને સમીક્ષા કરી શકે છે અને યોગ્ય તક મળતાં જ દુશ્મનના ટાર્ગેટ પર સીધો ત્રાટકીને પોતાને નષ્ટ કરી દે છે. વર્તમાન સમયમાં રશિયા-યુક્રેન યુદ્ધ, મધ્ય પૂર્વના સંઘર્ષો અને તાજેતરના લશ્કરી ઓપરેશન્સ દરમિયાન આવા સસ્તા છતાં અત્યંત સચોટ હુમલો કરતા આત્મઘાતી ડ્રોનની ભૂમિકા નિર્ણાયક સાબિત થઈ છે.

  • ‘નાગાસ્ત્ર-1R’ સિસ્ટમની મુખ્ય ખાસિયતો

આ સિસ્ટમમાં 80 ટકાથી વધુ સાધનો અને પુર્જા ભારતમાં જ તૈયાર કરવામાં આવ્યા છે. વિદેશથી આયાત કરાતા મોંઘા સાધનોની સરખામણીએ આ ખૂબ જ કિફાયતી (અસરકારક અને સસ્તો) વિકલ્પ છે. આ ડ્રોનમાં આશરે 1.5 કિલોગ્રામનો ‘હાઈ-એક્સપ્લોસિવ ફ્રેગ્મેન્ટેશન વૉરહેડ’ (દારૂગોળો) ફીટ કરેલો છે. તે દુશ્મનોના લોન્ચપેડ, સૈન્ય સંસાધનો અને બંકરોને ક્ષણભરમાં નેસ્તનાબૂદ કરવા માટે સક્ષમ છે. આ ડ્રોન સતત 60 મિનિટ (1 કલાક) સુધી હવામાં ઉડી શકે છે. તેની ગાઈડન્સ સિસ્ટમ એટલી સચોટ છે કે તે માત્ર ૨ મીટરના દાયરામાં રહેલા ટાર્ગેટ પર પણ અચૂક નિશાનો સાધી શકે છે.

સેનાની ઈમરજન્સી પ્રોક્યોરમેન્ટ (આપાતકાલીન ખરીદી) પ્રક્રિયા હેઠળ ‘નાગાસ્ત્ર-1R’ સિસ્ટમના સફળ પરીક્ષણો બાદ જૂન 2025માં આ સપ્લાય ઓર્ડર આપવામાં આવ્યો હતો. ખરીદી પ્રક્રિયા દરમિયાન દેશ-વિદેશની ચાર અગ્રણી કંપનીઓએ ભાગ લીધો હતો, પરંતુ તમામ કઠિન ઓપરેશનલ માનકો અને લાઈવ ટ્રાયલ્સમાં સફળ થઈને માત્ર સોલર ડિફેન્સે જ સેનાની જરૂરિયાતો પૂર્ણ કરી બતાવી હતી. ‘મેક ઈન ઈન્ડિયા’ હેઠળ તૈયાર થયેલું આ આધુનિક ડ્રોન ભારતીય સેના માટે મોટી તાકાત સાબિત થશે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular