નવી દિલહી, 15 ઓક્ટોબર 2026: નવી દિલ્હી ખાતે યોજાયેલી ‘ડિફેન્સ કોન્ક્લેવ’માં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આતંકવાદ સામે ભારતની નીતિ અંગે સ્પષ્ટ અને સખત વલણ વ્યક્ત કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂર, બાલાકોટ એરસ્ટ્રાઈક અને સર્જિકલ સ્ટ્રાઈક એ માત્ર સામાન્ય સૈન્ય કામગીરી નહોતી, પરંતુ આતંકવાદ સામે ભારતના બદલાયેલા આક્રમક અને સક્રિય અભિગમનું પ્રતિક હતી. સીમાપારના આતંકવાદ અંગે ભારતનું વલણ સ્પષ્ટ કરતા તેમણે પાકિસ્તાનને સખત ચેતવણી આપી હતી કે, જો ત્યાંથી કોઈ આતંકવાદી પ્રવૃત્તિ કરવામાં આવશે તો તેનો આનાથી પણ વધુ આકરો અને કડક જવાબ આપવામાં આવશે.
સંરક્ષણ મંત્રીએ આજના આધુનિક યુગમાં ઉભરતા સુરક્ષા પડકારો અંગે વાત કરતા ડિજિટલ ક્ષેત્રના જોખમોને ‘5D સિક્યોરિટી થ્રેટ’ (ડિસઇન્ફોર્મેશન, ડીસ્ટેબિલાઇઝેશન, ડિસપ્શન, ડિસેપ્શન અને ડિસ્ટ્રક્શન) તરીકે ઓળખાવ્યા હતા. તેમણે ઉમેર્યું કે હવે આતંકવાદ માત્ર સંગઠિત જૂથો સુધી મર્યાદિત નથી રહ્યો પણ ‘લોન-વોલ્ફ’ હુમલા અને ‘વ્હાઈટ-કોલર ટેરરિઝમ’ જેવા નવા સ્વરૂપો ધારણ કરી રહ્યો છે. આ પરિસ્થિતિ સામે દેશના રક્ષણ માટે માત્ર સુરક્ષા દળો જ નહીં પરંતુ જાગૃત નાગરિકોની ભાગીદારી પણ ખૂબ જરૂરી છે.
છેલ્લા સાડા બાર વર્ષમાં ભારતની સંરક્ષણ ક્ષમતામાં થયેલી પ્રગતિ અંગે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, દેશનું સંરક્ષણ ઉત્પાદન રૂ. ૪૦,૦૦૦ કરોડથી વધીને રૂ. ૧.૭૮ લાખ કરોડથી વધુના રેકોર્ડ સ્તરે પહોંચ્યું છે. આ સાથે સંરક્ષણ નિકાસ પણ રૂ. ૩૯,૦૦૦ કરોડની ઓલ-ટાઈમ હાઈ સપાટીએ પહોંચી છે. સેનામાં ઉપયોગમાં લેવાતા ૧૭૫ પ્રકારના દારૂગોળામાંથી ૧૫૯ પ્રકારના દારૂગોળા હવે દેશમાં જ સ્વદેશી રીતે બનાવવામાં આવે છે, જે ૯૦ ટકાથી વધુ આત્મનિર્ભરતા દર્શાવે છે. વર્ષ ૨૦૨૯ સુધીમાં દેશ રૂ. ૩ લાખ કરોડના સંરક્ષણ ઉત્પાદન અને રૂ. ૫૦,૦૦૦ કરોડની નિકાસના લક્ષ્યાંક તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે.


