ઢાકા, 19 ઓક્ટોબર 2026: ઘરનું રસોડું ચલાવવું હવે સામાન્ય પરિવાર માટે લોઢાના ચણા ચાવવા સમાન બનતું જાય છે. વધતી મોંઘવારી અને કમાણી વચ્ચે વધતા ખર્ચનો બોજ જ્યારે રસોડા સુધી પહોંચે, ત્યારે પરિવારની મુશ્કેલીઓનો અંદાજ લગાવવો મુશ્કેલ નથી. મહિનો શરૂ થાય અને થોડા જ દિવસોમાં પગાર ખલાસ થઈ જાય, બાળકોના શિક્ષણનો ખર્ચ ઉઠાવવો ભારે પડે અને ઘર ચલાવવા માટે અન્ય લોકો પાસે હાથ લંબાવવો પડે તેવી સ્થિતિ માત્ર એક ઘરની નથી, પરંતુ આજે બાંગ્લાદેશના લાખો પરિવારોની વાસ્તવિકતા બની ગઈ છે.
બાંગ્લાદેશના સામાન્ય પરિવારોની આર્થિક સ્થિતિ પર સામે આવેલા એક તાજેતરના અહેવાલે ચિંતાજનક તસવીર રજૂ કરી છે. ત્યાં હવે લોન લેવી કે ઉધાર લેવું માત્ર બીમારી, લગ્ન કે કોઈ મોટા કટોકટીના સમય પૂરતું મર્યાદિત નથી રહ્યું, પરંતુ રોજિંદી જરૂરિયાતો પૂરી કરવા માટે પણ લોકોને દેવાના શરણે જવું પડી રહ્યું છે. બાંગ્લાદેશ બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સ (BBS) ના એક સ્પેશિયલ સર્વે મુજબ, દેશમાં એક પરિવારની સરેરાશ માસિક આવક 33,513 ટકા છે, જ્યારે સરેરાશ માસિક ખર્ચ વધીને 35311 ટકા સુધી પહોંચી ગયો છે. એટલે કે, પરિવાર જેટલી કમાણી કરે છે તેના કરતા દર મહિને અંદાજે 1798 ટકા વધુ ખર્ચ કરી રહ્યો છે.
આ આંકડો નાનો લાગે શકે છે, પરંતુ દર મહિને આ રીતે ખાધ રહેવાથી પરિવારની આર્થિક સ્થિતિ સતત નબળી પડતી જાય છે. રિપોર્ટ અનુસાર, દેવાનો આ બોજ શહેરો કરતાં ગ્રામીણ વિસ્તારોમાં વધુ જોવા મળ્યો છે. છેલ્લા એક વર્ષમાં ગ્રામીણ વિસ્તારોના 51.91 ટકા પરિવારોને પાયાના ખર્ચાઓ પૂરા કરવા માટે ઉધાર લેવું પડ્યું છે. જ્યારે શહેરી વિસ્તારોમાં આ આંકડો ૪૦.૧૯ ટકા અને શહેરી નિગમ વિસ્તારોમાં 32.11 ટકા રહ્યો છે. આ દર્શાવે છે કે ગામડાઓમાં ઓછી આવક અને રોજગારીની મર્યાદિત તકો પરિવારોની મુશ્કેલીઓમાં ભારે વધારો કરી રહી છે.
-
ગરીબીનો દર વધીને 22.5 ટકા સુધી પહોંચવાની આશંકા
વિશ્વ બેંકના પૂર્વ અર્થશાસ્ત્રી જાહિદ હુસૈનના જણાવ્યા અનુસાર, સતત મોંઘવારી, નબળો આર્થિક વિકાસ અને વાસ્તવિક વેતનમાં ઘટાડાએ પરિવારોની કમર ભાંગી નાખી છે. વિશ્વ બેંકના અનુમાન મુજબ, બાંગ્લાદેશમાં ગરીબીનો દર જે 2022 માં 18.7 ટકા હતો, તે વધીને 2026 માં 22.5 ટકા થઈ શકે છે.
-
મોંઘવારી કેમ બની રહી છે મોટો પડકાર?
કિંમતોમાં વધારો: ખાવા-પીવાની ચીજવસ્તુઓ અને અન્ય જરૂરી વસ્તુઓના ભાવ આસમાને પહોંચવાથી લોકોની ખરીદશક્તિ ઘટી છે.
ઘટેલી બચત: કમાણી તે જ ઝડપે ન વધવાને કારણે બજેટ સાચવવું મુશ્કેલ બન્યું છે.
લોકોની મજબૂરી: બચત કરવી તો દૂરની વાત છે, પરિવારોએ ઘર ચલાવવા માટે મિત્રો, સગા-સંબંધીઓ કે અન્યો પાસેથી નાણાં ઉછીના લેવા પડી રહ્યા છે.
આર્થિક અસંતુલનની આ સ્થિતિ માત્ર એક દેશની નહીં, પરંતુ વૈશ્વિક મોંઘવારીના સમયમાં દરેક સામાન્ય પરિવાર માટે વિચાર માંગી લે તેવી ગંભીર પરિસ્થિતિ છે.
—


