Homeગુજરાતીચૂંટણીઓઉત્તરપ્રદેશ ચૂંટણીઃ 3 વર્ષથી એક જ જગ્યા ઉપર ફરજ બજાવતા અધિકારીઓના બદલીના...

ઉત્તરપ્રદેશ ચૂંટણીઃ 3 વર્ષથી એક જ જગ્યા ઉપર ફરજ બજાવતા અધિકારીઓના બદલીના આદેશ

લખનૌ, 28 ઓક્ટોબર 2026: ઉત્તર પ્રદેશમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો પરાકાષ્ઠાએ પહોંચ્યો છે, ત્યારે રાજકીય પક્ષોની સાથેસાથે વહીવટી તંત્ર પણ પૂરજોશમાં તૈયારીઓમાં લાગી ગયું છે. ચૂંટણી પ્રક્રિયાને સંપૂર્ણપણે નિષ્પક્ષ, પારદર્શક અને પ્રભાવમુક્ત બનાવવા માટે ભારત ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી સાથે જોડાયેલા અધિકારીઓની બદલી અને નિમણૂક અંગેના વિગતવાર અને કડક દિશા-નિર્દેશો જારી કરવામાં આવ્યા છે.

રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી નવદીપ રણવાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે ખાસ નિયમો ઘડ્યા છે. આ નિયમો અનુસાર, ચૂંટણી કાર્ય સાથે સીધા જોડાયેલા જે અધિકારીઓએ છેલ્લા ચાર વર્ષ દરમિયાન એક જ જિલ્લામાં ત્રણ વર્ષનો કાર્યકાળ પૂરો કરી લીધો છે, તેમને તાત્કાલિક અસરથી તે જિલ્લામાંથી અન્યત્ર ખસેડવામાં આવશે. ચૂંટણી પંચના આ કડક આદેશ હેઠળ પોલીસ, વહીવટી તંત્ર, આબકારી અને પરિવહન વિભાગના વિવિધ સ્તરના અધિકારીઓની બદલી કરવામાં આવશે.

ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ, માત્ર સમયમર્યાદા જ નહીં પરંતુ અધિકારીઓના હોમટાઉનનું પણ વિશેષ ધ્યાન રાખવામાં આવશે. ચૂંટણી પ્રક્રિયા સાથે સીધા જોડાયેલા કોઈપણ અધિકારીની તેના પોતાના ગૃહ જિલ્લામાં નિમણૂક કરવામાં આવશે નહીં. જો કોઈ અધિકારી હાલમાં પોતાના ગૃહ જિલ્લામાં ફરજ બજાવતા હશે, તો તેમને પણ નિયમો અનુસાર અન્યત્ર ખસેડવામાં આવશે.

  • ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં લાગુ થશે નિયમ

ભારત ચૂંટણી પંચ દ્વારા આ માર્ગદર્શિકા માત્ર ઉત્તર પ્રદેશ માટે જ નહીં, પરંતુ આગામી સમયમાં ચૂંટણી યોજાનાર અન્ય રાજ્યો જેમ કે ગોવા, મણિપુર, પંજાબ અને ઉત્તરાખંડ માટે પણ જારી કરવામાં આવી છે. મુખ્ય ચૂંટણી અધિકારી નવદીપ રણવાએ સ્પષ્ટ કર્યું છે કે પંચના આ આદેશોનું ઉત્તર પ્રદેશમાં કડકાઈથી પાલન કરાવવામાં આવશે. આગામી 30 નવેમ્બર સુધીમાં તમામ સંબંધિત અધિકારીઓની બદલી અને નવી નિમણૂકનો એકસામટી અહેવાલ મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશક દ્વારા ચૂંટણી પંચને મોકલી આપવામાં આવશે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular