Homeગુજરાતીદેશ-વિદેશઅમેરિકા સહિત દુનિયાભરમાં દિવાળીની ધૂમઃ વિદેશમાં વસતા ભારતીયોમાં અનેરો ઉત્સાહ

અમેરિકા સહિત દુનિયાભરમાં દિવાળીની ધૂમઃ વિદેશમાં વસતા ભારતીયોમાં અનેરો ઉત્સાહ

વોશિંગ્ટન, 7 નવેમ્બર 2026: ભારતની જેમ હવે અમેરિકા અને કેનેડામાં પણ દીપોત્સવીનો પર્વ ભવ્ય અને વ્યાપક સ્તરે ઉજવવામાં આવી રહ્યો છે. ન્યૂ જર્સીના ઓક ટ્રી રોડ પર રામલીલા, શિકાગોમાં આતશબાજી અને ટોરોન્ટોમાં રંગારંગ સ્ટ્રીટ ફેસ્ટિવલ જેવા આયોજનોએ દિવાળીની રોનક બમણી કરી દીધી છે. સંગીત, મીઠાઈઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને રોશનીના ઝગમગાટ વચ્ચે ભારતીય સમુદાયના લોકો આ તહેવારને પૂર્ણ ઉત્સાહ સાથે ઉજવી રહ્યા છે. હવે દિવાળીનો ઉત્સવ માત્ર ઘરો અને મંદિરો સુધી સીમિત નથી રહ્યો, પરંતુ અમેરિકા અને કેનેડાના અનેક શહેરોના બજારો, માર્ગો અને સાર્વજનિક સ્થળો સુધી પહોંચી ગયો છે. આગામી તહેવારને ધ્યાનમાં રાખીને આ વીકેન્ડ દરમિયાન અમેરિકા અને કેનેડાના વિવિધ શહેરોમાં આવેલા મંદિરો, કોમ્યુનિટી સેન્ટરો અને જાહેર સ્થળો પર વિશેષ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ન્યૂયોર્કના જેક્સન હાઈટ્સથી લઈને ન્યૂ જર્સીના ભારતીય બજારો સુધી અગાઉથી જ અનેક આયોજનો થઈ ચૂક્યા છે, જેમાં મોટી સંખ્યામાં પરિવારજનો અને સ્થાનિક લોકોએ ભાગ લીધો હતો.

ન્યૂયોર્કના જેક્સન હાઈટ્સમાં દિવાળી મેળો યોજાયો

ન્યૂયોર્કના ક્વીન્સ સ્થિત જેક્સન હાઈટ્સમાં ઈન્ડિયન મર્ચન્ટ્સ એસોસિએશને 37મા એવેન્યુ અને 37મા રોડ વચ્ચે આવેલી 74મી સ્ટ્રીટ પર દિવાળી મેળાનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં લાઈવ મ્યુઝિક, સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ અને પરિવાર સાથે પર્વની ઉજવણી કરવાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. ભારતીય સમુદાયના લોકોએ આ આયોજનમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.

ન્યૂ જર્સીમાં રામલીલાનો ભવ્ય કાર્યક્રમ

ન્યૂ જર્સીના ઈસેલિન સ્થિત ઓક ટ્રી રોડ પર રામલીલા, સંગીત અને સાંસ્કૃતિક કાર્યક્રમો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. પંડિત સત્ય નારાયણ ચરકાના નેતૃત્વમાં શાસ્ત્રીય સંગીત અને નૃત્યમાં તાલીમબદ્ધ આશરે 40 કલાકારોએ રામલીલાનું મંચન કર્યું હતું. શાનદાર વેશભૂષા, નૃત્ય અને અંગ્રેજીમાં પઠન કરાયેલી રામકથા દ્વારા ભગવાન રામના જીવન ચરિત્રને દર્શકો સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું.

એડિસનમાં લાખથી વધુ દીવા-રોશનીથી ઝળહળશે પાર્ક

ન્યૂ જર્સીના એડિસન સ્થિત પાપિયાની પાર્કમાં વાર્ષિક દિવાળી ઉત્સવનું આયોજન કરાયું છે. અહીં દીપ પ્રગટાવવા, સાંસ્કૃતિક નૃત્ય, ફૂડ સ્ટોલ્સ, મફત ચા અને મહેંદી જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે. આખા પાર્કને 1 લાખથી વધુ રોશની અને દીવાઓથી સજાવવામાં આવ્યો છે. કાર્યક્રમનું સમાપન ડીજે, ડ્રોન શો અને આતશબાજી સાથે થશે. આ વર્ષે આયોજનની થીમ ‘સેલિબ્રેટિંગ દિવાળી ઈન અમેરિકા 250’ રાખવામાં આવી છે, જેના દ્વારા દીપોત્સવીને અમેરિકાની 250મી વર્ષગાંઠ સાથે જોડવામાં આવી છે.

જર્સી સિટીમાં ‘દિવાળી ટુગેધર 2026’નું આયોજન

જર્સી સિટીના એક્સચેન્જ પ્લેસ ખાતે ‘દિવાળી ટુગેધર 2026’ કાર્યક્રમનું આયોજન કરાયું છે. ઓફિસ ઓફ કલ્ચરલ અફેર્સના જણાવ્યા અનુસાર, આ આયોજનમાં ભારતીય સંસ્કૃતિ, સંગીત અને સામાજિક એકતાની ઝાંખી જોવા મળી રહી છે.

શિકાગોમાં ખાસ દિવાળી મેન્યૂ, મંદિરમાં આતશબાજી

શિકાગોમાં ભારતીય રેસ્ટોરન્ટ્સ દ્વારા દિવાળીનું ખાસ મેન્યૂ પિરમાઈ રહ્યું છે, જેમાં રાજ કચોરી ચાટથી લઈને જામુન વિથ ચોકલેટ મૂસ જેવી વાનગીઓ સામેલ છે. બીજી તરફ, શિકાગો નજીક બાર્ટલેટ સ્થિત BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરમાં આતશબાજી અને સાઉન્ડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં ચોપડા પૂજનનો કાર્યક્રમ પણ યોજાશે, જેમાં નવા કારોબારી વર્ષના શુભારંભ તરીકે ચોપડાનું પૂજન કરવામાં આવે છે.

લોસ એન્જિલસમાં બે દિવસીય ઉત્સવ, સાન ફ્રાન્સિસ્કોમાં ઈન્ડિયન રેસ્ટોરન્ટ વીક

લોસ એન્જિલસના ચિનો હિલ્સ સ્થિત BAPS મંદિરમાં સમુદાયિક દિવાળી ઉત્સવનું આયોજન કરાયું છે, જે બાદ અન્નકૂટ અને નૂતન વર્ષની ઉજવણી કરાશે. આ આયોજનમાં કાર્નિવલ રાઈડ્સ, મીઠાઈની દુકાનો અને લાઈટ-એન્ડ-સાઉન્ડ પ્રેઝન્ટેશન મુખ્ય આકર્ષણ છે. સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસના સહયોગથી ‘ઈન્ડિયન રેસ્ટોરન્ટ વીક’નું આયોજન કરાયું છે. જેમાં જાણીતી રેસ્ટોરન્ટ્સ ભારતીય વાનગીઓનો વિશેષ અનુભવ આપી રહી છે. વોશિંગ્ટનની તમાશા રેસ્ટોરન્ટમાં પણ ગોલ્ડ લીફ બટર ચિકન અને રસગુલ્લા ચાટ જેવી વિશેષ વાનગીઓ પીરસવામાં આવી રહી છે.

ટોરોન્ટોમાં સ્ટ્રીટ ફેસ્ટિવલ, મોન્ટ્રિયલમાં ‘વિશ ટ્રી’

કેનેડાના ટોરોન્ટોમાં ગેરાર્ડ ઈન્ડિયા બજાર વિસ્તારમાં વાર્ષિક આઉટડોર દિવાળી મેળાનું આયોજન કરાયું છે, જેમાં લાઈવ ડીજે, ડાન્સ અને સેલનું આકર્ષણ છે. મોન્ટ્રિયલના ઈન્ડિયા રોઝા રેસ્ટોરન્ટમાં ઉત્સવ અંતર્ગત એક ‘વિશ ટ્રી’ બનાવવામાં આવ્યું છે, જ્યાં આવતા લોકો પોતાની શુભેચ્છાઓ અને સંદેશાઓ લખીને વૃક્ષ પર લગાવી શકે છે. આ ઉપરાંત બ્રિટિશ કોલંબિયાના સુરેમાં પણ દિવાળીની ખરીદીને લઈને ભવ્ય માહોલ જોવા મળી રહ્યો છે.

કોસ્ટકોની વેબસાઈટ પર દિવાળી માટે ગોલ્ડ બાર

દિવાળીની વધતી લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી પણ લગાવી શકાય છે કે કોસ્ટકોની અમેરિકી વેબસાઈટ પર 2026 ની દિવાળી સિરીઝ હેઠળ 1 ઔંસનો 24 કેરેટ પૅમ્પ ગોલ્ડ બાર પણ લિસ્ટ કરવામાં આવ્યો છે. આ બાબત તહેવાર નિમિત્તે ભારતીય પરંપરાઓ અને સોનાની ખરીદીની વધતી માંગ દર્શાવે છે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img