અબુધાબી : પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના એક વિવાદાસ્પદ નિર્ણયને કારણે અબુધાબી T10 લીગમાં રમવા તૈયાર થયેલા પાકિસ્તાની ક્રિકેટરોની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો હતો. બોર્ડે વિદેશી ફ્રેન્ચાઇઝી લીગમાં ભાગ લેવા માટે જરૂરી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ આપવાના બદલામાં દરેક ખેલાડી દીઠ 10,000 ડોલર (આશરે ₹9.44 લાખ) ની અધધ ફી માગી હતી. અબુધાબી T10 લીગની શરૂઆત 7 નવેમ્બરથી થવાની હોવાથી આ નિર્ણયથી ફ્રેન્ચાઇઝીઓ અને ખેલાડીઓ બંને દ્વિધામાં મુકાઈ ગયા હતા.
ઉલ્લેખનીય છે કે, ખેલાડીઓની પસંદગી માટે 30 સપ્ટેમ્બરે ડ્રાફ્ટ યોજાયો હતો. ડ્રાફ્ટ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આયોજકોએ પાકિસ્તાની ખેલાડીઓના NOC માટે બોર્ડ સમક્ષ અરજી પણ કરી દીધી હતી. જોકે, PCBએ ટૂર્નામેન્ટ શરૂ થવાના એન ટાણે જ ફીની માગણી મૂકી દેતાં ફ્રેન્ચાઇઝીઓ માટે વધારાની રકમ ચૂકવવી કે પાકિસ્તાની ખેલાડીઓના સ્થાને વિકલ્પ શોધવો તે નક્કી કરવું મુશ્કેલ બની ગયું હતું.
16 પાકિસ્તાની ખેલાડીઓની ભાગીદારી પર લટકતી તલવાર અબુધાબી T10 લીગના ડ્રાફ્ટમાં 6 માંથી 5 ટીમોએ કુલ 16 પાકિસ્તાની ખેલાડીઓને પસંદ કર્યા હતા. જેમાં નસીમ શાહ, શાદાબ ખાન, મોહમ્મદ આમિર, ફખર ઝમાન, ઇફ્તિખાર અહમદ અને ફહીમ અશરફ જેવા સ્ટાર ખેલાડીઓ સામેલ છે. ટીમ વાઈઝ જોઈએ તો યુએઈ બુલ્સે સૌથી વધુ 6, યુનાઇટેડ ટાઇગર્સે 5, એમિરેટ્સ ઇગલ્સે 3, રોયલ ડેઝર્ટ ચેમ્પિયન્સે 1 અને અરેબિયન એસિસે 1 ખેલાડીને પોતાની સાથે જોડ્યા હતા. PCBની આકરી શરતને કારણે આ ખેલાડીઓની ટૂર્નામેન્ટમાં ભાગીદારી અનિશ્ચિત બની ગઈ હતી અને કેટલીક ટીમોએ અન્ય ખેલાડીઓના વિકલ્પો શોધવાની શરૂઆત પણ કરી દીધી હતી.
-
ખેલાડીઓમાં ભારે નારાજગી
PCBએ દલીલ કરી PCBની આ ફી નીતિ સામે પાકિસ્તાની ક્રિકેટરોમાં ભારે નારાજગી જોવા મળી હતી. એક ફર્સ્ટ કલાસ ક્રિકેટરે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, દરેક ખેલાડીને રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મળતું નથી, તેથી આવા ખેલાડીઓ માટે વિદેશી લીગ વધારાની આવક મેળવવાની મહત્વની તક હોય છે. જો બોર્ડ દરેક લીગ માટે આવી મોટી ફી માંગશે તો ખેલાડીઓની કમાણીની તકો છીનવાઈ જશે.
બીજી તરફ, PCB સાથે જોડાયેલા સૂત્રોએ દલીલ કરી હતી કે પાકિસ્તાની ખેલાડીઓની વિદેશી લીગમાં ભારે માંગ હોવાથી NOC ફી માગવી સંપૂર્ણપણે યોગ્ય છે. આ પહેલાં પણ બોર્ડે નેપાળ પ્રીમિયર લીગ માટે પ્રતિ ખેલાડી $25,000 ની ફી માગી હતી, જેના કારણે વિવાદ સર્જાતાં અનેક ખેલાડીઓ રમવાથી વંચિત રહી ગયા હતા.
આખરે 200,000 ડોલરમાં સેટલમેન્ટ થતાં રસ્તો સાફ થયો તાજા અહેવાલો મુજબ, PCB અને અબુધાબી T10 ના આયોજકો વચ્ચે સફળ મધ્યસ્થતા થઈ છે. આ સમજૂતી હેઠળ લીગના આયોજકો PCBને વળતર અને વિવિધ સુવિધાઓના રૂપમાં કુલ $200,000 સુધી ચૂકવશે. આ કરાર બાદ પાકિસ્તાની ખેલાડીઓને વિવાદ વગર NOC મળવાનો માર્ગ સાફ થઈ ગયો છે. 7 નવેમ્બરથી શરૂ થતી આ લીગમાં હવે પાકિસ્તાની ક્રિકેટરો એક્શનમાં જોવા મળશે.








