નવી દિલ્હી: ભારતના સ્થાનિક અને આંતરિક મામલાઓમાં કથિત રીતે હસ્તક્ષેપ કરવા તેમજ શંકાસ્પદ વિદેશી ફંડિંગ મેળવવાના મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ બે વિદેશી સંસ્થાઓ સામે મોટી તપાસ શરૂ કરી છે. આ તપાસના દાયરામાં આશરે 15 લાખ યુએસ ડોલર (આશરે રૂ. 13.5 કરોડ) ના શંકાસ્પદ ટ્રાન્સફર આવ્યા છે. ED ને આશંકા છે કે આ રકમ અનેક દેશોના માધ્યમથી ફેરવીને ભારતમાં મોજૂદ કેટલીક સંસ્થાઓ અને વ્યક્તિઓ સુધી પહોંચાડવામાં આવી હતી.
જર્મનીથી શરૂ થઈને બ્રિટન સુધી પહોંચ્યો મની ટ્રેલ
પ્રારંભિક તપાસ અનુસાર, આ નાણાકીય વ્યવહાર જર્મનીના ‘ડૉ. મેથિયાસ કાર્લ વોગ્ટ ટ્રસ્ટ’ થી શરૂ થયો હતો. જર્મન કાયદાઓ અને નિયમોથી બચવા માટે આ રકમને સૌપ્રથમ લિથુઆનિયાની કંપની ‘XBase Digital UAB’ માં ટ્રાન્સફર કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કેરેબિયન દ્વીપ સમૂહના ‘સેન્ટ કિટ્સ એન્ડ નેવિસ’ માં રજિસ્ટર્ડ ‘TCC Digital Markets Ltd’ નામની કંપની 10 લાખ ડોલરના ફંડનો મુખ્ય સ્ત્રોત હોવાનું સામે આવ્યું છે.
બે હપ્તામાં બ્રિટિશ કંપનીને રકમ ટ્રાન્સફર કરાઈ
આ ડિજિટલ સંપત્તિઓને હવાલા નેટવર્ક મારફતે દુબઈ અને લિથુઆનિયા થઈને બ્રિટનની કંપની ‘Airwallex (UK) Ltd’ ના ખાતામાં ફેબ્રુઆરીથી માર્ચ 2026 વચ્ચે જમા કરાવવામાં આવી હતી. તપાસમાં સામે આવ્યું છે કે સેન્ટ કિટ્સ એન્ડ નેવિસની કંપનીએ આ રકમને અનુદાન (ગ્રાન્ટ) ના રૂપમાં બે હપ્તામાં બ્રિટિશ કંપનીને મોકલી હતી.
ભારતમાં કેટલાક લોકો અને સંસ્થાઓ સુધી રકમ પહોંચાડાઈ
સેન્ટ કિટ્સ એન્ડ નેવિસમાં રજિસ્ટર્ડ કંપની દ્વારા ગ્રાન્ટના રૂપમાં બે હપ્તા (GB 67,006 અને GB 71,746) માં બ્રિટિશ કંપનીને ફંડ મળ્યું હતું અને ત્યાંથી તે રકમ ભારતમાં ચોક્કસ વ્યક્તિઓ અને સંસ્થાઓ સુધી પહોંચાડવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, કેરેબિયન દ્વીપોને ટેક્સ બચાવવાની પનાહગાહ (ટેક્સ હેવન) તરીકે ઓળખવામાં આવે છે, જ્યાં મની લોન્ડરિંગ કરવું આસાન માનવામાં આવે છે.
શંકાસ્પદ વ્યવહારોની તપાસમાં જોતરાયેલી ED
ED ની તપાસમાં કેનેડામાં રજિસ્ટર્ડ અન્ય એક કંપની ‘ZBase Digital Inc’ દ્વારા પણ 5 લાખ ડોલર ટ્રાન્સફર કરવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે. આ રકમ ફેબ્રુઆરી 2026 માં તે જ બ્રિટિશ કંપનીના એકાઉન્ટમાં મોકલવામાં આવી હતી. કુલ 1.5 મિલિયન ડોલરના આ શંકાસ્પદ ફંડ ટ્રેલને લઈને ભારતીય એજન્સીઓ ‘એરવોલેક્સ’ અને અન્ય સંબંધિત દેશોની તપાસ એજન્સીઓ સાથે મળીને ચકાસણી કરી રહી છે.








