નવી દિલ્હી : મોંઘવારીનો વધુ એક ઝટકો સામાન્ય ગ્રાહકોને લાગ્યો છે. દેશની અગ્રણી ડેરી બ્રાન્ડ અમૂલે દૂધના ભાવમાં પ્રતિ લિટરે રૂ. 2થી 4 સુધીનો વધારો કરવાની જાહેરાત કરી છે. નવા ભાવ 12 નવેમ્બરથી સમગ્ર દેશમાં અમલી બનશે. ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) દ્વારા આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
અમૂલના જણાવ્યા અનુસાર દૂધના વિવિધ પ્રકારોમાં 4થી 5 ટકા જેટલો ભાવવધારો કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી રોજિંદા દૂધનો ઉપયોગ કરતા પરિવારોના માસિક બજેટ પર વધારાનો બોજ પડશે. ખાસ કરીને મધ્યમ અને સામાન્ય વર્ગના પરિવારોને હવે દૂધ પાછળ વધુ ખર્ચ કરવો પડશે.
અમૂલે ભાવવધારા પાછળ પશુઆહાર, પેકેજિંગ મટિરિયલ અને ઇંધણના વધતા ભાવને જવાબદાર ગણાવ્યા છે. પશુપાલકોનો ઉત્પાદન ખર્ચ વધ્યો હોવાથી દૂધની ખરીદી માટે વધુ કિંમત ચૂકવવાની સ્થિતિ ઊભી થઈ છે. આ ઉપરાંત છેલ્લા કેટલાક મહિનામાં દૂધની ઉપલબ્ધતામાં ઘટાડો અને મિલ્ક ફેટના ભાવમાં 20થી 25 ટકાનો વધારો પણ ડેરી ઉદ્યોગ માટે પડકારરૂપ બન્યો છે.
કંપનીનું કહેવું છે કે વધતા ખર્ચ વચ્ચે દૂધ ઉત્પાદકો અને પશુપાલકોને યોગ્ય વળતર મળી રહે તે માટે આ ભાવવધારો જરૂરી બન્યો છે.
પશુપાલકોને મળશે વધુ ભાવ
દૂધનું ઉત્પાદન વધે અને ખેડૂતોને પ્રોત્સાહન મળે તે હેતુથી અમૂલે દૂધમાં રહેલી ફેટના આધારે ચૂકવાતા ખરીદભાવમાં વધારો કર્યો છે. અહેવાલો અનુસાર અમૂલે મિલ્ક ફેટનો ખરીદદર વધારીને પ્રતિ કિલોગ્રામ રૂ. 1,000 કર્યો છે. તેના પરિણામે પશુપાલકોને દૂધના પ્રતિ લિટરે રૂ. 60થી વધુ ભાવ મળવાની શક્યતા છે.
ગ્રાહકોના ખિસ્સા પર વધશે બોજ
દૂધ એ દરેક પરિવારની દૈનિક જરૂરિયાતની વસ્તુ છે. બાળકોના પોષણથી લઈને ચા, નાસ્તા અને અન્ય ખાદ્ય ચીજવસ્તુઓમાં દૂધનો ઉપયોગ થતો હોવાથી ભાવવધારાની અસર સીધી ઘરખર્ચ પર પડશે. દૂધના ભાવ વધવાથી દૂધમાંથી બનતી અન્ય ચીજવસ્તુઓના ભાવ પર પણ અસર થવાની શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે શિયાળાની ઋતુમાં સામાન્ય રીતે દૂધનું ઉત્પાદન અને ઉપલબ્ધતા વધતી હોય છે, જેને ડેરી ઉદ્યોગમાં ‘ફ્લશ સીઝન’ કહેવામાં આવે છે. તેમ છતાં આ વખતે દૂધની ઉપલબ્ધતા અને ઉત્પાદન ખર્ચના દબાણને કારણે ડેરી કંપનીઓએ ભાવવધારાનો નિર્ણય લીધો છે.








