નવી દિલ્હી, 12 નવેમ્બર 2026 : નાના ઉદ્યોગો અને સ્વરોજગારને પ્રોત્સાહન આપવા કેન્દ્ર સરકારે ક્રેડિટ ગેરંટી ફંડ ફોર માઇક્રો યુનિટ્સ (સીજીએફએમયુ) યોજનાને વધુ પાંચ વર્ષ સુધી ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આ યોજનાને 31 માર્ચ, 2031 સુધી લંબાવવાની મંજૂરી આપવામાં આવી છે.
આ યોજના હેઠળ આગામી પાંચ વર્ષમાં રૂ. 5,000 કરોડના કોર્પસની મદદથી પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત અંદાજે રૂ. 12.6 લાખ કરોડની લોન ઉપલબ્ધ કરાવવામાં મદદ મળશે. ખાસ કરીને યુવાનો, નાના વેપારીઓ, સ્વરોજગાર સાથે સંકળાયેલા લોકો અને નવા ઉદ્યોગસાહસિકોને તેનો લાભ મળશે.
આ વ્યવસ્થા હેઠળ મુદ્રા યોજના અંતર્ગત પાત્ર સૂક્ષ્મ ઉદ્યોગોને રૂ. 20 લાખ સુધીની કોલેટરલ ફ્રી એટલે કે કોઈ મિલકત કે ગેરંટી આપ્યા વગરની લોન માટે ક્રેડિટ ગેરંટી કવચ મળશે. આથી બેંકો અને નાણાકીય સંસ્થાઓને નાના વ્યવસાયોને લોન આપવા માટે પ્રોત્સાહન મળશે.
સરકારે લોન માટેની ગેરંટી ફીમાં પણ ઘટાડો કર્યો છે. અગાઉ વાર્ષિક એક ટકા વસૂલાતી ગેરંટી ફી ઘટાડીને 0.75 ટકા કરવામાં આવી છે. આ નિર્ણયથી ધિરાણ સંસ્થાઓનો ખર્ચ ઘટશે અને નાના ઉદ્યોગો સુધી લોનની પહોંચ વધારવામાં મદદ મળશે.
સરકારના જણાવ્યા અનુસાર, સપ્ટેમ્બર 2026 સુધીમાં પ્રધાનમંત્રી મુદ્રા યોજના શરૂ થયા બાદથી 60.36 કરોડથી વધુ લોન મંજૂર કરવામાં આવી છે, જેની કુલ રકમ રૂ. 43.34 લાખ કરોડથી વધુ થાય છે.
વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે આ નિર્ણયથી યુવાનોને પોતાના વિચારોને વ્યવસાયમાં પરિવર્તિત કરવાની તક મળશે. નવા રોજગારનું સર્જન કરવાની સાથે યુવાનો નોકરી શોધનારને બદલે રોજગાર આપનાર બની શકે તેવો સરકારનો ઉદ્દેશ છે.








