વાશિંગ્ટન, 14 નવેમ્બર 2026: અમેરિકાના એર ટ્રાફિક કંટ્રોલ નેટવર્કમાં શુક્રવારે અચાનક સર્જાયેલી ગંભીર તકનીકી ખામીના કારણે સમગ્ર દેશની હવાઈ સેવાઓ અસ્તવ્યસ્ત થઈ ગઈ હતી. જૂના ઉપકરણો પર અતિશય ડેટા લોડ આવી જવાના કારણે ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન દ્વારા કટોકટીના પગલા રૂપે દેશવ્યાપી ‘ગ્રાઉન્ડ સ્ટોપ’ જાહેર કરવો પડ્યો હતો, જેના પરિણામે હજારો મુસાફરો એરપોર્ટ પર જ ફસાઈ ગયા હતા.
ટ્રાન્સપોર્ટ સેક્રેટરી શૉન ડફીએ જણાવ્યું હતું કે શુક્રવારે બપોરે સ્થાનિક સમય અનુસાર આશરે 3.36 વાગ્યે એર ટ્રાફિક કંટ્રોલ સેન્ટરોમાં કમ્યુનિકેશન અને રડાર ડેટા અસ્થિર થઈ ગયા હતા. જ્યારે આ સમસ્યા ઊભી થઈ ત્યારે આકાશમાં 3500 થી વધુ વિમાનો હવામાં ઉડી રહ્યા હતા. જોકે, કંટ્રોલ સિસ્ટમ સંપૂર્ણપણે બંધ ન થવાને કારણે પાઈલટો અને એર ટ્રાફિક કંટ્રોલરોએ નિર્ધારિત કટોકટી સુરક્ષા ધોરણોનું પાલન કરીને તમામ વિમાનોને હેમખેમ નીચે ઉતારી લીધા હતા. આ કટોકટી દરમિયાન માત્ર મેડિકલ અને કાયદાકીય કટોકટીની ફ્લાઈટ્સને જ ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી હતી.
ઘટનાની ગંભીરતા જોતા હોમલેન્ડ સિક્યોરિટી ડિપાર્ટમેન્ટ અને વ્હાઈટ હાઉસ દ્વારા તાત્કાલિક ઉચ્ચ સ્તરીય સમીક્ષા કરવામાં આવી હતી. હોમલેન્ડ સિક્યોરિટી સેક્રેટરી માર્કવેન મુલિને સ્પષ્ટ કર્યું હતું કે પ્રાથમિક તપાસમાં આ ઘટના પાછળ કોઈ સાયબર હુમલો કે માઈક્રોસોફ્ટ આઉટેજ હોવાના કોઈ પુરાવા મળ્યા નથી. અધિકારીઓએ જોકે પ્રારંભમાં કોઈપણ સંભાવનાને સંપૂર્ણપણે નકારવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ આ સંપૂર્ણપણે આંતરિક તકનીકી ખામી હોવાનું સ્પષ્ટ થયું છે.
-
જૂના એનાલોગ સિસ્ટમ પર વધારાના ડિજિટલ ભારણની સમસ્યા
અધિકારીઓએ સ્વીકાર્યું છે કે આ સમસ્યાનું મૂળ કારણ અમેરિકાનું દાયકાઓ જૂનું એર ટ્રાફિક કંટ્રોલ નેટવર્ક છે. આધુનિક ડિજિટલ તકનીક અને ડેટાના ભારે દબાણને કારણે સિસ્ટમના જૂના સ્વિચ અને રાઉટર યોગ્ય રીતે ડેટા હેન્ડલ કરી શક્યા નહોતા. સત્તાવાળાઓએ પુષ્ટિ કરી છે કે એફએએ દ્વારા સિસ્ટમમાં કરવામાં આવેલા કોઈ પેચિંગ કે ફેરફારના કારણે આ ગરબડ નથી થઈ, પરંતુ માત્ર જૂના હાર્ડવેર પરના ઓવરલોડને કારણે આ સ્થિતિ સર્જાઈ હતી.
શુક્રવારે સાંજે દેશવ્યાપી ગ્રાઉન્ડ સ્ટોપ હટાવી લેવામાં આવ્યો હોવા છતાં, એરલાઇન્સ કંપનીઓ માટે હવાઈ સંચાલનને પાટે ચઢાવવું મોટો પડકાર બની રહ્યો છે. શનિવારે પણ દેશભરમાં 2000 થી વધુ ફ્લાઈટ્સ રદ્દ કરવામાં આવી છે. વિમાનો મોડા પડવા અને રદ્દ થવાના કારણે પાઈલટો તથા કેબિન ક્રૂની રોટેશન ઉપલબ્ધતા ગંભીર રીતે પ્રભાવિત થઈ છે.
-
50 અબજ ડૉલરના આધુનિકીકરણની માગ
આ ગંભીર ઘટના બાદ ટ્રાન્સપોર્ટ સેક્રેટરી શૉન ડફીએ કોંગ્રેસ સમક્ષ દેશના એર ટ્રાફિક કંટ્રોલ નેટવર્કના સંપૂર્ણ આધુનિકીકરણ માટે ૫૦ અબજ ડૉલરનું વધારાનું ફંડ ફાળવવાની વિશેષ માગ કરી છે. તેમણે ચેતવણી આપી છે કે જ્યાં સુધી જૂના ઉપકરણો બદલવામાં નહીં આવે, ત્યાં સુધી ભવિષ્યમાં પણ આવા જોખમોની આશંકા બની રહેશે. હાલ પૂરતું એરલાઈન્સે મુસાફરોને એરપોર્ટ પર રવાના થતાં પહેલાં પોતાની ફ્લાઈટનું સ્ટેટસ અચૂક ચકાસી લેવાની સલાહ આપી છે.








