- મેયર શ્રી હિતેશભાઈ બારોટ અને પ્રભારી શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીની ઉપસ્થિતિમાં ઉજવાયો જનજાતીય ગૌરવ દિવસ
અમદાવાદ, 15 નવેમ્બર 2026 – Janjatiya Gaurav Divas અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતીની ઉજવણી નિમિત્તે રવિવાર, તા. 15 નવેમ્બર, 2026ના રોજ જનજાતીય ગૌરવ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇસનપુર સ્થિત બિરસા મુંડા ગાર્ડન ખાતે સવારે યોજાયેલા આ કાર્યક્રમમાં અમદાવાદના મેયર શ્રી હિતેશભાઈ કાંતિભાઈ બારોટ અધ્યક્ષસ્થાને ઉપસ્થિત સહિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં આણંદ જિલ્લાના પ્રભારીશ્રી અને પૂર્વ ધારાસભ્ય શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી ગરીમામય ઉપસ્થિતિ રહ્યા હતા. આ ઉપરાંત ધારાસભ્ય શ્રી અમુલભાઇ ભટ્ટ સ્નેહમય ઉપસ્થિતિ રહ્યા હતા.

આ પ્રસંગે માનનીય મેયર શ્રી હિતેશભાઈ કાંતિભાઈ બારોટએ અધ્યક્ષસ્થાનેથી ઉપસ્થિત જનમેદનીને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતીની ઉજવણી નિમિત્તે આયોજિત જનજાતીય ગૌરવ દિવસ એ આદિવાસી સમાજના ગૌરવશાળી ઇતિહાસ, સંસ્કૃતિ અને યોગદાનને યાદ કરવાનો અવસર છે. આદિવાસી સમાજ એ ભારતની સંસ્કૃતિ અને વિરાસતનો અભિન્ન હિસ્સો છે. પ્રકૃતિ સાથે તાલમેલ રાખીને જીવન જીવતા આ સમાજે દેશની આઝાદીથી લઈને રાષ્ટ્રના નિર્માણ સુધી મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. ભગવાન બિરસા મુંડા જેવા મહાન ક્રાંતિકારીઓનું જીવન અને બલિદાન સમગ્ર દેશ માટે પ્રેરણારૂપ છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ આદિવાસી સમાજના ગૌરવ, અસ્મિતા, સર્વાંગી વિકાસ અને તેમના અધિકારોના સંરક્ષણ માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આદિવાસી સમાજની પરંપરાગત કળા, સંસ્કૃતિ, ભાષા અને વિરાસતને જાળવીને નવી પેઢી સુધી પહોંચાડવી એ આપણી સૌની જવાબદારી છે. જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી એ આદિવાસી સમાજના યોગદાનને યાદ કરવાની સાથે તેમના સન્માન અને ઉત્થાન માટે સામૂહિક સંકલ્પ કરવાનો અવસર છે.

આ ઉપરાંત કાર્યક્રમમાં આણંદ જિલ્લાના પ્રભારીશ્રી અને પૂર્વ ધારાસભ્ય શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ પણ ઉપસ્થિત જનમેદનીનું સંબોધન કરતા જણાવ્યું કે, આદિવાસી સમાજ એ ભારતની સંસ્કૃતિ, પ્રકૃતિ અને પરંપરાઓનો અમૂલ્ય વારસો છે. જંગલ, જમીન અને જળ સાથે આત્મીય સંબંધ ધરાવતો આ સમાજ પ્રકૃતિપ્રેમ, પરિશ્રમ, પ્રામાણિકતા, સ્વાવલંબન અને સામૂહિક જીવનશૈલીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. આદિવાસી સમાજે દેશની સ્વતંત્રતા માટે પણ અનેક બલિદાનો આપ્યાં છે. ભગવાન બિરસા મુંડાએ ‘અબુવા દિસુમ, અબુવા રાજ’નો નારો આપીને સ્વશાસન અને સ્વાભિમાનનો સંદેશ આપ્યો હતો, જ્યારે માનગઢના ઐતિહાસિક બલિદાનને પણ દેશ ક્યારેય ભૂલી શકે તેમ નથી. આજે જનજાતીય ગૌરવ દિવસ માત્ર આદિવાસી સમાજની અસ્મિતાનું સન્માન કરવાનો દિવસ નથી, પરંતુ તેમની ભાષા, બોલી, લોકકલા, લોકગીતો, લોકનૃત્યો, પરંપરાઓ અને સાંસ્કૃતિક વારસાના સંરક્ષણનો સંકલ્પ કરવાનો દિવસ પણ છે.
આદિવાસી સમાજના જળ, જંગલ અને જમીન સાથે જોડાયેલા અધિકારોનું જતન થાય અને તેમની આગામી પેઢી સુધી આ અમૂલ્ય વારસો પહોંચે તે માટે સૌએ સાથે મળીને પ્રયત્નો કરવા જોઈએ. ઉકાઈ ડેમના અસરગ્રસ્ત આદિવાસી પરિવારોના જમીન અધિકારોના પ્રશ્નના નિરાકરણ સહિત આદિવાસી સમાજના ઉત્થાન માટે સરકાર દ્વારા કરવામાં આવેલા પ્રયાસો પણ આ દિશામાં મહત્વપૂર્ણ છે. આદિવાસી સમાજની સંસ્કૃતિ અને વિરાસતનું જતન કરવું એ આપણી સૌની સહિયારી જવાબદારી છે. જય જોહાર!
આ ઉપરાંત કાર્યક્રમમાં શાસક પક્ષના નેતા શ્રી જસુભાઇ ઠાકોર તથા શાસક પક્ષના દંડક શ્રી અતુલભાઇ મિશ્રા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
♦ રિવોઈમાં પ્રકાશિત થતા વિશેષ લેખ તેમજ સમાચારો વિશે તમારો અભિપ્રાય જરૂર આપો – ઈમેલઃ [email protected] ♦








