Homeગુજરાતીદેશ-વિદેશનેપાળના વડાપ્રધાન બાલેન્દ્ર શાહ 22-23 નવેમ્બરે ભારતની મુલાકાતે, પીએમ મોદી સાથે કરશે...

નેપાળના વડાપ્રધાન બાલેન્દ્ર શાહ 22-23 નવેમ્બરે ભારતની મુલાકાતે, પીએમ મોદી સાથે કરશે મુલાકાત

નવી દિલ્હી, 20 નવેમ્બર 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર નેપાળના વડાપ્રધાન બાલેન્દ્ર શાહ આગામી 22 અને 23 નવેમ્બરના રોજ ભારતની રાજકીય મુલાકાતે આવશે. માર્ચ 2026માં નેપાળના વડાપ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ તેમની આ પ્રથમ ભારત મુલાકાત હશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ પ્રવાસ દરમિયાન નેપાળના વડાપ્રધાન ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે પણ મુલાકાત કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 23 નવેમ્બરના રોજ નેપાળના વડાપ્રધાન બાલેન્દ્ર શાહ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. આ બેઠક દરમિયાન બંને નેતાઓ ભારત-નેપાળ સંબંધોના તમામ પાસાઓની સમીક્ષા કરશે તેમજ પરસ્પર હિતના પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર વિચારોનું આદાન-પ્રદાન કરશે.

વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે ભારત અને નેપાળ વચ્ચે ઐતિહાસિક, સાંસ્કૃતિક અને જન-જનના જોડાણ પર આધારિત ગાઢ અને મૈત્રીપૂર્ણ સંબંધો રહ્યા છે. વેપાર અને વાણિજ્ય, વિકાસ ભાગીદારી, ઊર્જા અને જળ સંસાધન તેમજ ભૌતિક અને ડિજિટલ કનેક્ટિવિટી જેવા ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચેનો સહયોગ સતત આગળ વધી રહ્યો છે. આ ઉપરાંત સ્ટાર્ટઅપ, ટેકનોલોજી, નવીનતા (ઈનોવેશન) અને રમતગમત જેવા નવા ક્ષેત્રોમાં પણ પરસ્પર જોડાણ મજબૂત બની રહ્યું છે. આ મુલાકાત બંને દેશો વચ્ચે નિયમિત ઉચ્ચ-સ્તરીય સંવાદની પરંપરાને આગળ ધપાવે છે. તે દર્શાવે છે કે ભારત પોતાની ‘નેબરહુડ ફર્સ્ટ’ (પડોશી પ્રથમ) નીતિ હેઠળ નેપાળ સાથેના સંબંધોને કેટલું મહત્વ આપે છે. આ પ્રવાસ દ્વિપક્ષીય ભાગીદારીને વધુ સુદૃઢ કરવા અને પરસ્પર લાભદાયી સહયોગને નવી ઊંચાઈએ લઈ જવાની તક પૂરી પાડશે.

અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ 10 નવેમ્બરે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે નેપાળના વડાપ્રધાનને આમંત્રણ અપાયું હોવાની પુષ્ટિ કરતા કહ્યું હતું કે બંને દેશોના સહિયારા હિતો સાથે જોડાયેલા દરેક વિષય પર ચર્ચા થશે. આ પૂર્વે વિદેશ સચિવ વિક્રમ મિસ્રીએ પણ કાઠમંડુમાં નેપાળના વડાપ્રધાન બાલેન્દ્ર શાહ સાથે મુલાકાત કરીને દ્વિપક્ષીય સહયોગ અંગે ચર્ચા કરી હતી.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img