પૂર્વગ્રહ અને અડધા સત્યનું કોકટેલ, અફવાઓની ચકાચક ફેક્ટરી અને ઘેટાચાલ માનસિકતા
હેમંત પરમાર દ્વારા
તથ્યો ગાયબ થઈ જાય છે, ત્યારે અફવાઓનો જન્મ થાય છે. આપણા સમાજમાં અફવાઓ બનાવવાની રેસિપી બહુ સસ્તી અને સરળ છે. થોડો પૂર્વગ્રહ લો, તેમાં અડધા-અધૂરા સત્યનો થોડો મસાલો ભભરાવો અને પછી જો તેમાં થોડો ભાવનાત્મક તડકો એટલે કે ઇમોશનલ અત્યાચાર ઉમેરી દેવામાં આવે, તો બસ, એકદમ ચકાચક રડવા-ધોવાનું અને સરસ મજાનું સનસનાટીભર્યું નાટક તૈયાર થઈ જાય છે. આપણી વિચારવાની શક્તિ પર પૂર્વગ્રહોના એવા તો તાળા લાગી ગયા છે કે આપણે વાસ્તવિકતા તપાસવાની તસ્દી પણ લેતા નથી. શું આપણે ખરેખર સત્ય જાણવામાં રસ ધરાવીએ છીએ, કે પછી માત્ર આપણી આસપાસ ફેલાયેલી નકારાત્મકતાના રંગે રંગાવું છે?
ઇથેનોલ એટલે શેરડીનો રસ, તો શું એન્જિનમાં કીડીઓ ચડી જશે? E20 પેટ્રોલનો મોટો ડર અને ઘેટાચાલ
આજકાલ રસ્તાઓ પર નવી જ બબાલ ચાલી રહી છે, E20 પેટ્રોલ (ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ). જો વાહનની એવરેજ ઓછી આવે, પ્લગ ખરાબ થાય, એન્જિનમાં કચરો જમા થાય કે ગાડીમાં અવાજ આવે, બધું જ ઇથેનોલના કારણે. કેટલાક મહાન બુદ્ધિજીવીઓએ તો વળી એવી અફવા ફેલાવી છે કે ઇથેનોલ એટલે શેરડીનો રસ અને તે ગાડીમાં નાખશો તો એન્જિનમાં કીડીઓ ચડી જશે. અથવા તો ઇથેનોલ પડ્યું પડ્યું પાણી બની જાય છે.
આ કેવો ઇમોશનલ તડકો છે. બ્લેન્ડિંગની પ્રક્રિયા દેશમાં કંઈ નવી નથી. વર્ષ ૨૦૦૪ થી એટલે કે છેલ્લા ૨૦ વર્ષથી લોકો બ્લેન્ડેડ પેટ્રોલનો ઉપયોગ કરે છે, અને મોટાભાગના લોકોને તો તેની ખબર પણ નથી. E20 બ્લેન્ડિંગ શરૂ થયાને સાડા ત્રણ વર્ષ થઈ ગયા છે, પણ હોબાળો છેલ્લા ૨-૪ મહિનાથી જ કેમ વધી ગયો છે? જો E20 બ્લેન્ડિંગથી આટલું નુકસાન હોત, તો છેલ્લા સાડા ત્રણ વર્ષમાં લાખો ગાડીઓ ભંગારવાડામાં ન જતી રહી હોત? OLA ના થોડાક હજાર ઇલેક્ટ્રિક સ્કૂટર ખરાબ થયા તો આખા દેશના સર્વિસ સેન્ટર પર પથ્થરમારો અને હોબાળો થઈ ગયો, તો E20 ના કિસ્સામાં દેશભરમાં કેમ કોઈ સામૂહિક આક્રોશ નથી દેખાતો?
ગાડીઓની ઓછી એવરેજનો એ જાદુઈ ૩૦ ટકાનો આંકડો ક્યાંથી આવ્યો?
જ્યારે આપણે સર્વિસ સેન્ટર પર જઈએ છીએ, ત્યારે મોટાભાગના લોકો આ જ ફરિયાદ કરે છે કે “ભાઈ, એવરેજ ઓછી છે, એન્જિનનું પર્ફોર્મન્સ ટ્યુન કરી દેજો, ડ્રાઇવિંગ સ્મૂધ નથી.” તમે કોઈને પણ પૂછો, બધા એક જ રાગ આલાપશે કે “હા યાર, મારી ગાડીની એવરેજ પણ ૩૦% ઓછી થઈ ગઈ છે.” હવે સવાલ એ થાય કે આ ૩૦%’ નો આંકડો ક્યાંથી આવ્યો? કઈ લેબોરેટરીમાં આ ટેસ્ટ થયો હતો? કોઈને ખબર નથી. બસ, કોઈએ ૩૦% બોલ્યું એટલે આપણે પણ પાછળ ઘેટાચાલમાં લાગી ગયા.
હા, એ વાત બિલકુલ સાચી છે કે કેટલાક કિસ્સાઓમાં બ્લેન્ડિંગમાં ખામી કે દૂષિત ઇંધણના અહેવાલો મળ્યા છે. સરકારે આ સમસ્યાને તાત્કાલિક ઉકેલવી પડશે અને ઇંધણની શુદ્ધતા સુનિશ્ચિત કરવી પડશે. બ્લેન્ડિંગ ગમે તેટલું હોય, ગુણવત્તા સાથે કોઈ સમજૂતી ન થવી જોઈએ. પરંતુ સત્ય એ જ છે કે ભવિષ્ય અલ્ટરનેટિવ ફ્યુઅલ એટલે વૈકલ્પિક બળતણનું જ છે. આજે નહીં તો કાલે, આપણે બધાએ પેટ્રોલિયમ પરની નિર્ભરતા ઘટાડીને આગળ વધવું જ પડશે. અફવાઓની માયાજાળ અને પૂર્વાગ્રહોથી દૂર રહીને તથ્યોનો સ્વીકાર કરવો એ જ સમજદારી છે.
ચૂંટણી પંચની એસઆઈઆર પ્રક્રિયા અને અફવાઓનું નવું વાવાઝોડું, કોઈ બીમાર થાય તોય બધું ચૂંટણી પંચને માથે?
હમણાં દેશભરમાં ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી સુધારણા માટે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન પણ અફવાખોરો ક્યાં શાંત બેસવાના હતા? એસઆઈઆર પ્રક્રિયા સાથે જોડાયેલા કર્મચારીઓમાંથી (જેવા કે શિક્ષકો/બીએલઓ) કોઈ બીમાર પડ્યું હોય, કોઈએ અંગત કારણોસર આત્મહત્યા કરી હોય, એ તમામ ઘટનાઓનો દોષ સીધો જ એસઆઈઆર પ્રક્રિયા પર થોપી દેવામાં આવ્યો. શું કોઈ સરકારી કર્મચારીને કોઈ અંગત પ્રશ્નો કે પારિવારિક તણાવ હોઈ જ ન શકે? શું બધી જ આફતો આ સરકારી કામગીરીને કારણે જ આવી હતી? આવા અણઘડ તર્કો આપણી બુદ્ધિનું પ્રદર્શન નથી કરતા?
કોવિડ વેક્સિન અને કાર્ડિયાક અરેસ્ટ, માથું દુખે તોય દોષ રસીનો. આપણી અસ્તવ્યસ્ત જીવનશૈલી તો સાવ નિર્દોષ છે
કોરોના કાળ બાદ અચાનક કાર્ડિયાક અરેસ્ટના કિસ્સાઓ ચર્ચામાં આવ્યા અને તરત જ અફવાખોરોએ બૂમરાણ મચાવી દીધી કે આ બધું જ કોવિડ વેક્સિનના કારણે થઈ રહ્યું છે. શું આ દેશમાં કાર્ડિયાક અરેસ્ટ કોઈ નવો કન્સેપ્ટ છે? શું દાયકાઓ પહેલાં લોકોના હૃદય ક્યારેય બંધ નહોતા થતા? હવે તો એવી સ્થિતિ છે કે કોઈ કહેશે કોવિડ વેક્સિનથી હૃદય નબળું પડ્યું, તો કોઈ કહેશે નસ નબળી પડી, કોઈના મતે ફેફસાં ખરાબ થઈ ગયા. અરે હદ તો ત્યાં થાય છે કે પગમાં દુખાવો હોય કે માથામાં, બધું જ વેક્સિનના નામે ચડાવી દેવાય છે.
કોઈ પોતાની રાત-દિવસની બગડેલી લાઈફસ્ટાઈલ, જંક ફૂડ ખાવાની ટેવ, અપૂરતી ઊંઘ અને શારીરિક આળસ વિશે વાત કરવા તૈયાર નથી. દેશના લગભગ તમામ લોકોએ વેક્સિન લીધી છે. જો વેક્સિનના કારણે મૃત્યુદર માત્ર ૦.૧% પણ હોત, તો શું દેશમાં અત્યાર સુધી હાહાકાર ન મચી ગયો હોત? તબાહી ન સર્જાઈ હોત? પણ તથ્યો કોને જોવા છે? આપણને તો બસ ભયના ઓથાર નીચે જીવવું ગમે છે.
જ્યારે ટ્રેનની સામાન્ય સીટ માટેનો ઝઘડો પણ બની ગયો ગૌમાંસની લડાઈ, શું પહેલાં ઝઘડા થતા જ નહોતા?
વર્ષ ૨૦૧૪ પછી દેશમાં અચાનક એક એવો માહોલ ઊભો કરવામાં આવ્યો જાણે ચારેબાજુ માત્ર હિંસા જ થઈ રહી છે. અખલાકની કમનસીબ હત્યા થઈ અને તેને ગૌમાંસના મુદ્દા સાથે જોડી દેવામાં આવી. ત્યાર પછી તો અફવાઓની એવી હોળી સળગી કે દરેક નાની-મોટી ઘટનાને પણ આ જ ચશ્મા પહેરીને જોવામાં આવી. ટ્રેનમાં મુસાફરો વચ્ચે સામાન્ય સીટ મેળવવા માટે થયેલા સાધારણ ઝઘડાને પણ ગૌમાંસ પર થયેલી લડાઈ ગણાવી દેવામાં આવી.
વિચારો કે શું ૨૦૧૪ પહેલાં ટ્રેનોમાં સીટો માટે ઝઘડા નહોતા થતા? શું ત્યારે લોકો એટલા સંસ્કારી હતા કે કોઈ સીટ માટે દલીલ પણ ન કરતું? કે પછી સામાન્ય કાયદો અને વ્યવસ્થાના પ્રશ્નને સાંપ્રદાયિક રંગ આપીને રજૂ કરવાની નવી ફેશન આવી છે? તથ્યોને તોડી-મરોડીને રજૂ કરવાનો આ પૂર્વાગ્રહ દેશને કઈ દિશામાં લઈ જશે?
શાકભાજી લેવા ગયેલો માણસ બેભાન થાય અને દોષ નોટબંધીનો? શું નોટબંધી પહેલાં મૃત્યુ રજા પર હતું?
વર્ષ ૨૦૧૬ના નોટબંધીના એ દિવસો યાદ કરો, જ્યારે દેશની અફવાઓનુ બજાર સો ટકા ચાલુ હતું. તે સમયે દેશમાં થયેલું એવું દરેક મૃત્યુ, જેને નોટબંધી સાથે દૂર-દૂર સુધી કોઈ જ લેવાદેવા નહોતી, તેને પણ એટીએમની લાઈનમાં ઊભા રહેવા સાથે જ બળજબરીથી જોડી દેવામાં આવ્યું. કોઈ માણસ સવારે શાકભાજી લેવા ગયો, તેને કોઈ જૂની ગંભીર બીમારી હતી અથવા અચાનક હાર્ટ અટેક આવ્યો અને તે બેભાન થઈ ગયો તો અફવાખોરોએ તેની છાતી પર સીધું નોટબંધીનું લેબલ મારી દીધું.
શું નોટબંધી પહેલાં દેશમાં કોઈને હાર્ટ અટેક નહોતો આવતો? શું ત્યારે લોકો અમર હતા અને તમામ કુદરતી મૃત્યુ પર નોટબંધી પછી જ પ્રતિબંધ હટ્યો હતો? માત્ર સનસનાટી ફેલાવવા માટે કુદરતી મૃત્યુનો આવો ક્રૂર મજાક કેટલો વ્યાજબી ગણાય?
૭૦૦ ખેડૂતોનાં મૃત્યુનો જાદુઈ આંકડો અને ખેડૂત આંદોલનનો મોટો પ્રચાર, ઘરના મૃત્યુનો દોષ આંદોલન પર કેમ?
ખેડૂત આંદોલન દરમિયાન અફવાઓનું જે ચક્ર ચાલ્યું, તેનો પ્રચાર આજે પણ એટલો જ સક્રિય છે. એક વાર્તા વહેતી મૂકવામાં આવી કે આંદોલનમાં ૭૦૦થી વધુ ખેડૂતોના મૃત્યુ થયા છે. પણ વાસ્તવિકતામાં શું બન્યું? કેટલાય એવા ખેડૂતો જેઓ પોતાના ઘરોમાં કે ગામડાઓમાં બીમારીના કારણે અથવા કુદરતી રીતે મૃત્યુ પામ્યા હતા, તેમના મૃત્યુને પણ કિસાન આંદોલનના ખાતામાં ઉધાર કરી દેવામાં આવ્યા. બધું જ આંદોલન પર થોપી દેવામાં આવ્યું. પ્રશ્ન એ ઊભો થાય છે કે જ્યારે આંકડાઓ સાથે આટલી મોટી રમત રમાતી હોય, ત્યારે શું આંદોલનની નૈતિકતા શંકાના દાયરામાં નથી આવી જતી? શા માટે લોકો સત્યને સ્વીકારવા તૈયાર નથી?


