
અમદાવાદમાં ઊજાલા સર્કલથી વિશાલા સર્કલ સુધીનો સિક્સલેન એલિવેટેડ ફલાઈઓવર બ્રિજ બનાવાશે
અમદાવાદઃ શહેરમાં વસતી વધારા સાથે વાહનોની સંખ્યામાં પણ ખૂબ મોટો વધારો થયો છે. જેમાં અસજી હાઈવે પર ફ્લાયઓવર બ્રિજ ઠેર ઠેર બનાવીને ટ્રાફિકની સમસ્યા મહદઅંશે હલ કરવામાં આવી છે. હવે સરખેજના ઉજાલા ચોકડીથી વિશાળા સર્કલ સુધી સિક્સલેન એલિવેટેડ ફ્લાયઓવર બ્રિજ બનાવવામાં આવશે. આ બ્રિજ બનતા શહેરના સૌથી વધુ ગીચ ટ્રાફિક ધરાવતા વિશાલા હોટલથી સરખેજ વચ્ચે દૈનિક અવર-જવર કરનારા લોકોને મોટી રાહત મળશે.
અમદાવાદ શહેરના ઉજાલા સર્કલથી વિશાલા હોટલ વચ્ચે છ લેનનો એક એલિવેટેડ કોરિડોર બાંધવાનો નિર્ણય લેવાઇ ગયો છે. આ છ કિ.મી. લાંબા એલિવેટેડ કોરિડોર ઉપર આવતા મહત્વના જંકશન ઉપર રેમ્પ પણ બનાવવામાં આવશે. આ એલિવેટેડ કોરિડોર બે જગ્યાએ નીચે ઉતરતો બનાવાશે. જેમાં એક રસ્તો નારોલ સર્કલ તરફ જશે અને બીજો રસ્તો વાસણા તરફ જશે. ઉપરાંત વિશાલા સર્કલથી નારોલ સર્કલ વચ્ચે છ લેન વાળો હાઇવે બનાવવામાં આવશે. જેના ઉપર ત્રણ જગ્યાએ ફ્લાયઓવર બ્રિજ બનાવાશે. વિશાલા સર્કલથી નારોલ સર્કલ વચ્ચે દરરોજ ખૂબ જ ગીચ ટ્રાફિક હોવાથી ટ્રાફિકની સમસ્યા હળવી કરવા આ રોડ અને ફ્લાયઓવર બ્રિજ બાંધવાનો નિર્ણય લેવાયો છે.
સૂત્રોના કહેવા મુજબ શહેરના ઇસ્કોન ફ્લાયઓવર બ્રિજથી સાણંદ ચાર રસ્તા સુધીનો 4.5 કિ.મી લાંબો એક એલિવેટેડ કોરડોર બંધાશે. જેના ઉપર કર્ણાવતી ક્લબ ચાર રસ્તા, પ્રહલાદનગર ચાર રસ્તા અને વાયએમસીએ ચાર રસ્તા પાસે રેમ્પ પણ બનાવાશે. આ એલિવેટેડ કોરિડોર ઉજાલા સર્કલ પાસે બનનારા ફ્લાયઓવર બ્રિજની સાથે જોડાઇ જશે. વિશાલા સર્કલથી નારોલ હાઇવે ઉપર આવેલો જૂના શાસ્ત્રી બ્રિજને પણ નવેસરથી છ લેન વાળો બ્રિજ બનાવી દેવાશે. ઉજાલાથી વિશાલા સર્કલ વચ્ચે છ લેનવાળો એલિવેટેડ કોરિડોર બનાવવાના નિર્ણથી ટ્રાફિકની સમસ્યા હળવી બનશે. કેમ કે, તે એલિવેટેડ કોરિડોરની નીચે આવેલા રોડ ઉપર અવર-જવર કરનારા વાહનો સરળતાથી પસાર થઇ શકશે અને જેમને એસ.જી હાઇવે જવું હશે તે એલિવેટેડ કોરિડોરનો ઉપયોગ કરીને જતાં રહેશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, શહેરના વિશાલા સર્કલથી સરખેજ વચ્ચેના પટ્ટા ઉપર દરરોજ ખૂબ જ ગીચ ટ્રાફિક જામના દૃશ્યો સર્જાતા હોય છે. તેથી વિશાલાથી સરખેજ વચ્ચે ફ્લાયઓવર બ્રિજ બાંધવાની અગાઉ ઘણી વાર માગ ઉભી થઇ હતી. દરરોજ વિશાલા સર્કલથી નારોલ સર્કલ વચ્ચે પીક અવર્સમાં ખૂબ ગીચ ટ્રાફિક જામ સર્જાય છે, પરંતુ વિશાલાથી નારોલ વચ્ચે બનનારા ફ્લાયઓવર હાઇવેના કારણે આ રોડ ઉપર દરરોજ મુસાફરી કરનારા લોકોને ઘણી મોટી રાહત થઇ જશે. ઇસ્કોન ફ્લાયઓવરથી સાણંદ ચાર રસ્તા વચ્ચે બનનારા એલિવેટેડ કોરિડોરમાં જે ત્રણ જગ્યાએ રેમ્પ મૂકાશે તેની પહોળાઇ 7થી 14 મીટરની હશે. (file photo)