ગરમી સામે લડવા માત્ર વૃક્ષારોપણ નહીં પરંતુ સ્માર્ટ પ્લાનિંગ જરૂરી
અમદાવાદ, 11 મે 2026: વધતી જતી ગરમી અને હીટવેવના જોખમો વચ્ચે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી ગાંધીનગર (આઈઆઈટીજીએન)ના સંશોધકોએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ‘નેચર કોમ્યુનિકેશન્સ’ જર્નલમાં પ્રકાશિત થયેલા આ અભ્યાસ મુજબ, શહેરોને ઠંડા રાખવા માટે માત્ર હરિયાળી વધારવી પૂરતી નથી, પરંતુ કયા પ્રકારના વૃક્ષો ક્યાં અને કેવી રીતે વાવવા તેનું ‘આબોહવા-સ્થિતિસ્થાપક’ આયોજન અનિવાર્ય છે.
આઈઆઈટીજીએનની ટીમ દ્વારા 2003 થી 2020 દરમિયાન ભારતના 138 શહેરોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. જેમાં જાણવા મળ્યું કે શુષ્ક શહેરોમાં વૃક્ષો વધુ ઠંડક આપે છે, પરંતુ ભેજવાળા અને ગીચ શહેરોમાં જો આયોજન યોગ્ય ન હોય તો વૃક્ષો ઉલટાનો ભેજવાળી ગરમીનો અનુભવ વધારી શકે છે.
અભ્યાસના મુખ્ય તારણો અનુસાર, દરેક શહેર માટે એક જ પ્રકારની વૃક્ષારોપણની વ્યૂહરચના કામ કરતી નથી. સંશોધકોએ માત્ર તાપમાન જ નહીં, પણ ભેજ અને તાપમાનના મિશ્રણથી માનવ શરીર પર થતી અસર માપવા માટે એઆઈ તકનીકનો ઉપયોગ કર્યો છે. ગીચ વસાહતોમાં વૃક્ષો છાંયો તો આપે છે, પણ જો હવાની અવરજવર ઓછી હોય તો ત્યાં બાષ્પીભવનથી ભેજ વધી જાય છે, જે ગરમીનો અહેસાસ વધારે છે.
અભ્યાસના કોરસ્પોન્ડિંગ ઓથર ડો. ઉદિત ભાટિયા (એસોસિયેટ પ્રોફેસર, આઈઆઈટીજીએન)એ જણાવ્યું હતું કે, “શહેરોને એવી વ્યૂહરચનાની જરૂર છે જે છાંયો, ભેજ અને હવાની અવરજવર ત્રણેયનું સંતુલન જાળવે. ‘વન-સાઇઝ-ફિટ્સ-ઓલ’ એટલે કે બધે જ એકસમાન વૃક્ષારોપણના લક્ષ્યાંકો પૂરતા નથી.” મુખ્ય લેખક ડૉ. અંગના બોરાહએ ઉમેર્યું કે, “પ્રશ્ન એ નથી કે શહેરો હરિયાળા હોવા જોઈએ કે નહીં, તે તો હોવા જ જોઈએ. પરંતુ પ્રશ્ન એ છે કે કેવા પ્રકારનું હરિયાળું આવરણ, ક્યાં અને કેટલું હોવું જોઈએ.”
અભ્યાસ અનુસાર, ભારતીય શહેરોએ ‘સંકલિત શહેરી ઠંડક વ્યૂહરચના’ અપનાવવી જોઈએ, જેમાં છાંયાદાર વૃક્ષો અને બગીચાઓનું સ્માર્ટ વાવેતર, વેન્ટિલેશન કોરિડોર (હવાની અવરજવર માટેની ખુલ્લી જગ્યાઓ) ની જાળવણી અને સ્થાનિક આબોહવા મુજબ વૃક્ષોની પ્રજાતિની પસંદગીનો સમાવેશ થાય છે. આ સંશોધન પેપર આઈઆઈટી ગાંધીનગરના સંશોધકો અંગના બોરાહ, અદ્રિજા દત્તા, આશિષ એસ. કુમાર, રવિરાજ દવે અને ઉદિત ભાટિયા દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે, જે આગામી સમયમાં શહેરી આયોજનકારો માટે દિશાસૂચક બની રહેશે.
આ પણ વાંચોઃ આણંદના તારાપુર નજીક હાઈવે પર ટ્રક અને ટેમ્પા વચ્ચે અકસ્માતમાં 4ના મોત


