1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અજાણી વ્યક્તિની ખરાબ દાનતનો ભોગ બનેલી પીડિતાને અભયમની ટીમે બચાવી
અજાણી વ્યક્તિની ખરાબ દાનતનો ભોગ બનેલી પીડિતાને અભયમની ટીમે બચાવી

અજાણી વ્યક્તિની ખરાબ દાનતનો ભોગ બનેલી પીડિતાને અભયમની ટીમે બચાવી

0
Social Share

અમદાવાદઃ 181 અભયમ મહિલા હેલ્પ લાઇનની રેસ્કયુ ટીમની સમયસૂચકતા અને અજાણી કિશોરીને મદદરૂપ બનવાની એક અજાણ્યા વ્યક્તિની ભલાઈના પગલે આદિજાતિ પરિવારની સગીર કિશોરી ની સુરક્ષા થઈ છે અને તે સુરક્ષિત રીતે પુનઃ પોતાના પરિવાર પાસે પહોંચી શકી છે. સુરેન્દ્રનગરમાં પિતા સાથે રહેતી સગીરાને એકલા મુકીને પિતા એક મરણપ્રસંગ્રમાં વતન છોટાઉદેપુર ગયા હતા. દરમિયાન અજાણી વ્યક્તિ તેને છોટાઉદેપુર લઈ જવાનું કહીને સગીરાને પોતાની સાથે વડોદરા લઈ ગયો હતો. જ્યાં સગીરા સાથે અડપલા કર્યાં હતા. જો કે, સગીરાએ પ્રતિકાર કરતા અજાણી વ્યક્તિ ફરાર થઈ ગઈ હતી.

અભયમ,વડોદરાના પ્રવક્તા એ જણાવ્યું કે અમારા કોલ સેન્ટરને કોઈ ભલા માણસે ફોન કરીને, છાણી વિસ્તારમાં એક અજાણી સગીરા મુંઝાયેલી હાલતમાં એકલી છે અને પૂછપરછનો કોઈ જવાબ આપતી નથી તેવી જાણકારી આપવાની સાથે મદદરૂપ બનવા વિનંતી કરી હતી. તેને ત્વરિત પ્રતિસાદ આપતાં બાપોદ પોલીસ સ્ટેશન સંલગ્ન અભયમ રેસ્કયુ ટીમ ઘટના સ્થળે પહોંચીને એ કિશોરીને પોતાની સુરક્ષા હેઠળ લઈને હૂંફ અને સાંત્વના આપીને જરૂરી પૂછપરછ કરી હતી. તે દરમિયાન જાણવા મળ્યું હતું કે છોટાઉદેપુર નજીકના ગામનો આદિજાતિ પરિવાર સુરેન્દ્રનગર જિલ્લામાં મજૂરી કરવા ગયો હતો. વતનમાં મરણ પ્રસંગ ઘટતા આ કિશોરીના પિતા તેને એકલી મૂકીને પોતાના ગામ ગયા હતા. જે દરમિયાન આ વાત જાણતી વ્યક્તિ આ કિશોરીને પિતા પાસે પહોંચાડવાની વાતમાં ભોળવીને વડોદરા લઈ આવ્યો હતો.આ વ્યક્તિએ રાત્રિના સમયે આ દીકરી સાથે અડપલાં કરતાં તેણે પ્રતિકાર કર્યો એટલે એ વ્યક્તિ તેને મૂકીને ફરાર થઈ ગયો હતો. સવારે સ્થાનિક વ્યક્તિએ આ મુંઝાયેલી અને એકલી અજાણી કિશોરીને જોતાં 181 પર કોલ કરી અભયમને જાણકારી આપી હતી.

રેસ્ક્યુ ટીમની પૂછપરછમાં આ કિશોરી છોટાઉદેપુર પાસે ગામ છે એટલું જ જણાવી શકી હતી. એટલે ત્યાંની અભયમ ટીમની મદદ લેવામાં આવી.છોટાઉદેપુરની ટીમે ચોક્કસાઈ સાથે તપાસ કરી એ ગામના સરપંચનો સંપર્ક કરતા કિશોરીના પરિવારની ભાળ મળી હતી અને તેના પિતાએ દીકરીને લેવા વડોદરા આવવાની તત્પરતા બતાવી હતી. રેસ્ક્યુ ટીમે તેના પિતા આવે ત્યાં સુધી કિશોરીને છાણી પોલીસની સુરક્ષા હેઠળ પોલીસ સ્ટેશન માં મૂકી અને આખરે આ દીકરીને તેના પિતા આવીને લઈ જતા આ ઘટનાનો સુખદ અંત આવ્યો.તેના પિતાએ અભયમ ની વડોદરા અને છોટાઉદેપુર ટીમો તથા છાણી પોલીસનો દિલ થી આભાર માન્યો હતો.

અભયમ પ્રવક્તાએ જણાવ્યું કે, એક ભલા વ્યક્તિની અમારી સંસ્થાને જાણ કરવાની સમયસૂચકતા ને લીધે આ કિશોરીની સલામતી જળવાઈ અને તે પોતાના પરિવાર સુધી પહોંચી એ વાત આ ઘટનામાં ઘણી સૂચક છે. અભયમ હેલ્પ લાઇન એ રાજ્ય સરકારની મહિલા સુરક્ષા માટેની પહેલ છે.કોઈપણ ઓળખીતી કે અજાણી મહિલા,યુવતી,કિશોરી કે બાળકી મુશ્કેલીમાં જણાય તેવા સમયે સમયસર 181 પર કોલ કરીને અમારી સંસ્થાને જાણ કરવાથી તેને આપદામાં થી ઉગારી શકાય છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code