
અમદાવાદઃ રાજકોટ શહેરના અગ્નિકાંડ બાદ ગુજરાત હાઈકોર્ટ સુઓમોટો દાખલ કરીને સરકારની ઝાટકણી કાઢી હતી. તપાસ માટે કમિટી બનાવવાનો આદેશ કર્યો હતો. તેથી રાજ્ય સરકારે એક કમિટિ બનાવી છે. આ કમિટિમાં ત્રણ સનદી અધિકારીઓ મનીષા ચંદ્રા, પી. સ્વરૂપ, અને રાજકુમાર બેનીવાલને આ અંગેની જવાબદારી સોંપવામાં આવી છે. નોંધનીય છે કે, સુભાષ ત્રિવેદીના વડપણ હેઠળ રચાયેલી સીટને ઉચ્ચ અધિકારીઓ દાદ આપી રહ્યા નથી. પૂછપરછ માટે સમન્સ હોવા છતાં જુનિયર અધિકારી સામે ઉચ્ચ અધિકારી હાજર થતા નથી. ત્યારે હવે સનદી અધિકારીઓની કમિટી દ્વારા તપાસ કરાશે.
રાજકોટ આગકાંડ મામલે હાલ એસઆઇટીની તપાસ ચાલી રહી છે. જેનો રિપોર્ટ 20મી જૂને સરકારને મળવાનો છે. જ્યારે ત્રીજી તપાસ રાજકોટ સિટી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. જેમાં મ્યુનિના અધિકારીઓ અને ગેમઝોનના જવાબદારોની ધરપકડો બાદ પૂછપરછ કરવામાં આવી રહી છે. ગેમઝોનને લાયસન્સ આપવાની પોલીસ કમિશનર કચેરીની ફાઇલ ગુમ છે, જેને સીટના અધિકારીઓ શોધી રહ્યાં છે, પરંતુ મળતી નથી. તેથી કમિશનરેટના જવાબદાર અધિકારી સામે પગલાં લેવા પણ સરકારે સૂચના આપી છે. અદાલતના આદેશમાં ફેક્ટ ફાઇન્ડિંગ ઇન્કવાયરીનો ઉલ્લેખ છે, તેથી શહેરી વિકાસ વિભાગની કમિટીમાં દુર્ઘટના સાથે સંકળાયેલી તમામ બાબતોને આવરી લેવાશે. આ રિપોર્ટ 15 દિવસમાં અદાલતમાં રજૂ કરવાનો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ સનદી અધિકારીઓની હાઇ લેવલ કમિટી સીટની તપાસને સમાંતર તપાસ કરી જવાબદારો સામે ખાતાકીય તપાસ અને પગલાં સૂચવશે. સમન્સ આપવા છતાં સીટ સમક્ષ નહીં જતાં અધિકારીઓને જવા માટે પણ તાકીદ કરાશે. રાજકોટના TRP આગકાંડમાં 27 જેટલા લોકોના જીવ હોમાયા બાદ સરકાર દ્વારા SITની રચના કરવામાં આવી હતી. સીટ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં નથી આવતી એવા આરોપ સાથે કોંગ્રેસ દ્વારા તાજેતરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ.