1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદઃ છાતીમાં દુઃખાવાની ફરિયાદ કરનાર વાહન ચાલક માટે ટ્રાફિક પોલીસ બની દેવદૂત
અમદાવાદઃ છાતીમાં દુઃખાવાની ફરિયાદ કરનાર વાહન ચાલક માટે ટ્રાફિક પોલીસ બની દેવદૂત

અમદાવાદઃ છાતીમાં દુઃખાવાની ફરિયાદ કરનાર વાહન ચાલક માટે ટ્રાફિક પોલીસ બની દેવદૂત

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી હાર્ટ એટેકના બનાવોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. દરમિયાન અમદાવાદ શહેરમાં કાલુપુર વિસ્તારમાં એક વાહન ચાલકે ટ્રાફિક ચોકી પાસે ફરજ ઉપર તૈનાત ટ્રાફિક જવાનો સમક્ષ છાતીમાં દુઃખાવાની ફરિયાદ કરી હતી. જેથી સમયસુચકતા દાખવીને વાહન ચાલકને તાત્કાલિક સીઆરપી આપી હતી. એટલું જ નહીં 108 સેવા મારફતે તાત્કાલિક હોસ્પિટલ મોકલી આપ્યો હતો. આમ ટ્રાફિક પોલીસની સમયસુચકતાથી એક વાહન ચાલકનો જીવ વધ્યો હતો. આ ટ્રાફિક પોલીસની કામગીરીની ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પ્રશંસા કરી હતી. રાજ્યમાં હાર્ટ એટેકના બનાવોમાં થઈ રહેલા વધારાને ધ્યાનમાં રાખીને પોલીસ કર્મચારીઓને સીપીઆરની તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમને કારણે જ ટ્રાફિક પોલીસે એક વાહન ચાલકનો જીવ બચાવ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના કાલુપુર સર્કલ ટ્રાફિક પોલીસની ચોકી પાસે ટ્રાફિક જવાનો ટ્રાફિક નિયમનની કામગીરી કરી રહ્યા હતા. દરમિયાન મહંમદ રફી અબ્દુલ હમીદ શેખ નામનો વાહન ચાલક ટ્રાફિક ચોકી ઉપર તૈનાત જવાનો પાસે ગયો હતો. તેમજ પોતાને છાતીમાં દુઃખાવો ઉપડ્યો હોવાની ફરિયાદ કરી હતી. જેથી ટ્રાફિક જવાનોએ એક મીનિટનો સમય બગાડ્યાં સિવાય તેમને ત્યાં જ સુવડાવીને સીપીઆર આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત 108 સેવાને પણ જાણ કરી હતી. ટ્રાફિક પોલીસની સીપીઆરને કારણે રાહત મળી હતી. આ દરમિયાન 108ની ટીમ પણ આવી પહોંચતા 108ના તબીબોએ પ્રાથમિક સારવાર આપી હતી અને વધારે સારવાર અર્થે શારદાબેન હોસ્પિટલ લઈ જવાયાં હતા.

પોલીસ દ્વારા વાહન ચાલકના પરિવારજનોને પણ જાણ કરવામાં આવી હતી. થોડા કલાકો બાદ વાહન ચાલક મહંમદ રફીનો ભાઈ ટ્રાફિક ચોકી ઉપર સ્કુટર લેવા આવ્યો હતો, તે સમયે ટ્રાફિક પોલીસે મહંમદ રફીના આરોગ્યને લઈને પૃચ્છા કરી હતી. જેના જવાબમાં તેમના ભાઈએ કહ્યું હતું કે, હવે તેમની તબિયતમાં સુધારો થયો છે. મહંમદ રફીના ભાઈએ આપેલા જવાબથી ટ્રાફિક જવાનોએ રાહતનો શ્વાસ લીધો હતો. ટ્રાફિક પોલીસની આ કામગીરીની ઉચ્ચ પોલીસ અધિકારીઓની સાથે  શહેરીજનો પણ વખાણ કરી રહ્યાં છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code