HomeગુજરાતીટેકનોલોજીIT ક્ષેત્રે AI નો એટેક: દેશની IT કંપનીઓમાં એક જ વર્ષમાં 24,422...

IT ક્ષેત્રે AI નો એટેક: દેશની IT કંપનીઓમાં એક જ વર્ષમાં 24,422 કર્મચારીઓ ઘટ્યા

નવી દિલ્હી, 23 ઓક્ટોબર 2026: દેશના આઈટી અને એન્જિનિયરિંગ ક્ષેત્રમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઝડપી ઉપયોગ અને વૈશ્વિક આર્થિક મંદીની સીધી અસર કર્મચારીઓની સંખ્યા પર જોવા મળી રહી છે. દેશની ટોપ-6 આઈટી કંપનીઓમાં છેલ્લા એક વર્ષ દરમિયાન કુલ 24,422 કર્મચારીઓનો ઘટાડો નોંધાયો છે. સ્ટાફિંગ ફર્મ ‘એક્સફેનો’ના અહેવાલ મુજબ, આ કંપનીઓમાં જૂના કર્મચારીઓના રાજીનામા કે નોકરી છોડવાની ઝડપ નવી ભરતીઓ કરતાં વધુ ઝડપી રહી છે, જેના કારણે કુલ વર્કફોર્સમાં મોટો ઘટાડો થયો છે.

આ ઘટાડો ભારતની અગ્રણી આઈટી કંપનીઓ જેવી કે ટીસીએસ, ઇન્ફોસિસ, એચસીએલ ટેક, વિપ્રો, ટેક મહિન્દ્રા અને એલટીઆઈ માઇન્ડટ્રીમાં જોવા મળ્યો છે. અહેવાલ અનુસાર, છેલ્લા એક વર્ષમાં આ કંપનીઓમાંથી કુલ 92,000 કર્મચારીઓએ એક્ઝિટ લીધી હતી. જો કે, કંપનીઓએ આ ખાલી પડેલી જગ્યાઓને પૂરેપૂરી ભરવાને બદલે માત્ર 68,000 નવા કર્મચારીઓની જ નિયુક્તિ કરી હતી. જેના પરિણામે ઓક્ટોબર 2025ના 8,22,144 કર્મચારીઓની સરખામણીએ ઓક્ટોબર 2026માં આ કંપનીઓનો કુલ વર્કફોર્સ આશરે 3 ટકા ઘટીને 7,97,722 રહી ગયો છે.

  • નોકરીઓ ઘટવાના બે મુખ્ય કારણો

નિષ્ણાતો અને સ્ટાફિંગ એજન્સીઓના જણાવ્યા અનુસાર આ ઘટાડા પાછળ બે મુખ્ય પરિબળો જવાબદાર છે:

AI નો વધતો ઉપયોગ: એપ્લિકેશન મેઇન્ટેનન્સ, મેન્યુઅલ ટેસ્ટિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સપોર્ટ જેવી પરંપરાગત આઈટી કામગીરીઓ હવે એઆઈ ટૂલ્સ દ્વારા સ્વચાલિત (ઓટોમેટ) થઈ રહી છે, જેથી આ ક્ષેત્રોમાં નવી ભરતીઓ નહિવત થઈ ગઈ છે.
બેંચ સપોર્ટમાં કાપ: વૈશ્વિક મંદીના વાતાવરણમાં કંપનીઓ પોતાના એવા કર્મચારીઓની સંખ્યા ઘટાડી રહી છે જેઓ કોઈ એક્ટિવ ક્લાયન્ટ પ્રોજેક્ટનો હિસ્સો નથી (બેંચ પર છે). આનાથી કંપનીઓની આવક પર અસર પડ્યા વિના ખર્ચમાં મોટો ઘટાડો થઈ રહ્યો છે.

  • બાર્કલેઝ બેંક 5,000 કર્મચારીઓને છૂટા કરશે: વાર્ષિક રૂ. 12,323 કરોડની બચત થશે

બ્રિટનની જાણીતી બાર્કલેઝ બેંક પોતાના ખર્ચમાં કાપ મૂકવાના ભાગરૂપે વૈશ્વિક સ્તરે આશરે 5,000 નોકરીઓમાં કાપ મુકવા જઈ રહી છે. ત્રીજા ક્વાર્ટરના મિશ્ર પરિણામો અને ટ્રેડિંગ રેવેન્યુમાં આવેલા ઘટાડા બાદ બેંકે ખર્ચ ઘટાડવા માટે એઆઈ અને ઓટોમેશનનો ઉપયોગ ઝડપથી વધારવાનો નિર્ણય લીધો છે. બેંક દ્વારા મુખ્યત્વે બેક-ઓફિસ, સપોર્ટ અને મિડલ-મેનેજમેન્ટ રોલ્સ ધરાવતા કર્મચારીઓની છટણી કરવામાં આવશે. રૂટિન અને ડેટા સંબંધિત કામગીરી ઓછા ખર્ચે પૂરી કરવા માટે બેંક મોટા પાયે એઆઈ ટેકનોલોજી લાગુ કરી રહી છે. આ છટણીથી બાર્કલેઝને વાર્ષિક 1.3 બિલિયન ડોલર (આશરે રૂ. 12,323 કરોડ) ની બચત થશે.

  • ભારતીય ટેક પ્રોફેશનલ્સ પર સીધી અસર

એઆઈ આધારિત આ છટણીની સીધી અસર ભારત પર પડશે, કારણ કે ભારત આ બ્રિટિશ બેંકનું બીજા નંબરનું સૌથી મોટું ગ્લોબલ સેન્ટર છે. એઆઈ કોડિંગ અને પાયાના ટેકનિકલ કામો વધુ ઝડપથી કરી રહ્યું હોવાથી બેંકને હવે ઓછા ડેવલપર્સની જરૂર પડી રહી છે, જે ભારતીય આઈટી સેક્ટર માટે ચિંતાનો વિષય છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular