1. Home
  2. revoinews
  3. આલ્ફા: સ્પાય યુનિવર્સના નામે લોજિક વિનાની ફાલતુ સફર
આલ્ફા: સ્પાય યુનિવર્સના નામે લોજિક વિનાની ફાલતુ સફર

આલ્ફા: સ્પાય યુનિવર્સના નામે લોજિક વિનાની ફાલતુ સફર

0
Social Share

હેમંત પરમાર દ્વારા

યશરાજ ફિલ્મ્સના સ્પાય યુનિવર્સે ભૂતકાળમાં કેટલીક ફાલતુ ફિલ્મો આપી છે, પરંતુ તેમની નવી રજૂઆત “આલ્ફા” (Alpha) જોયા પછી એવું લાગે છે કે આ યુનિવર્સની જે પણ કંઈ થોડીઘણી ઈજ્જત બચી હતી, તે પણ હવે પાણીમાં ડૂબી ગઈ છે. આ ફિલ્મને બકવાસ કે વાહિયાત કહેવી એ પણ કદાચ આના માટે પ્રશંસા સમાન ગણાશે. શાળાના દિવસોમાં જેમ આપણને આલ્ફા, બીટા, ગામા ભણવામાં કંઈ સમજ નહોતી પડતી, બરાબર એ જ રીતે આ ફિલ્મ ક્યાંથી શરૂ થઈ, કઈ દિશામાં ગઈ અને ક્યારે પૂરી થઈ, તે સમજવામાં દર્શકોનું મગજ ચકરાવે ચડી જાય છે. જો તમે આ ફિલ્મને કોઈ મજબૂત “ધુરંધર” જેવી ફિલ્મ સાથે સરખાવવાનું વિચારતા હોવ, તો એવી ભૂલ ક્યારેય ન કરશો. હા, આની સરખામણી “નામ શબાના,” “અકીરા” કે “ધાકડ” જેવી નબળી એક્શન ફિલ્મો સાથે ચોક્કસ કરી શકાય, પણ કડવી વાસ્તવિકતા એ છે કે “આલ્ફા” તેમની સામે પણ અત્યંત ફાલતુ અને કંટાળાજનક સાબિત થાય છે.

વાર્તાના નામે એ જ જૂનો રાગ અને અર્થ વગરનો ટ્વિસ્ટ

સૌથી પહેલો સવાલ એ થાય કે શું યશરાજ ફિલ્મ્સના રાઈટર્સ પાસે વાર્તાઓના નામે નવું વિચારવાની શક્તિ સાવ ખતમ થઈ ગઈ છે? “આલ્ફા” ની વાર્તા ઉદય ચોપરાએ લખી છે, જ્યારે સ્ક્રીનપ્લે શ્રીધર રાઘવન અને સૌમિલ શુક્લાનો છે. આ લેખકોએ અગાઉની ઘણી ફિલ્મોની જેમ ફરી એકવાર એ જ જૂની અને ઘસાઈ ગયેલી ફોર્મ્યુલા પીરસી છે. વાર્તામાં ભારતીય સેનાના જ એક દેશભક્ત અધિકારીને દેશની વિરુદ્ધ ઊભો કરી દેવામાં આવ્યો છે. પરંતુ આ વખતે તફાવત માત્ર એટલો છે કે, આ આખી વાત પાછળ એવો અર્થ વગરનો અને હસવા જેવી ટ્વિસ્ટ જોડી દેવામાં આવી છે કે આખી ફિલ્મ એક મજાક બની ગઈ છે. શું રાઈટર્સને ખરેખર એવું લાગે છે કે દર્શકો ટિકિટના પૈસા ખર્ચીને કંઈ પણ લોજિક વગરનું સ્વીકારી લેશે? વિશ્વાસ રાખો, આ લોકોએ તો “War 2” અને “Tiger 3” ની નબળી સ્ક્રિપ્ટોને પણ પાછળ છોડીને વધુ વાહિયાત સ્ક્રિપ્ટ તૈયાર કરી નાખી છે.

બોબી દેઓલનો સુપર સોલ્જર પ્લાન અને હોલીવુડની સસ્તી નકલ

આ વખતે બોબી દેઓલ એક આર્મી ઓફિસર બન્યો છે, જેણે “Alpha” નામનો એક ગુપ્ત સુપર-સોલ્જર પ્રોગ્રામ બનાવ્યો હોય છે. જ્યારે ભારતીય સેના કોઈ કારણોસર આ પ્રોજેક્ટને સત્તાવાર રીતે બંધ કરી દે છે, ત્યારે બોબીભાઈ ચોરી-છૂપીથી આ પ્રોગ્રામ ચલાવતા રહે છે. આપણી મુખ્ય હિરોઈનો, એટલે કે આલિયા ભટ્ટ અને શર્વરી પણ આ જ સુપર-સોલ્જર પ્રોગ્રામનો ભાગ છે. મજાની વાત તો એ છે કે, આ બંને પાસે એવી અદભુત શક્તિઓ બતાવવામાં આવી છે જે સ્પષ્ટપણે હોલીવુડની ફિલ્મોમાંથી બેઠ્ઠી ઉઠાવેલી લાગે છે. ક્યાંક સ્પાઈડરમેન જેવી ઉડાઉડ તો ક્યાંક અન્ય સુપરહીરો જેવી અવાસ્તવિક તાકાત. દર્શક તરીકે સવાલ એ થાય કે, આ ભારતની કોઈ જાસૂસી સ્પાય થ્રિલર છે કે પછી કોઈ સસ્તા સુપરહીરોની નકલ?

હિમાલયની ઠંડીમાં વન-પીસ શોર્ટ ડ્રેસ અને ગુંડાઓને હવામાં ફગાવતી આલિયા

ફિલ્મના કેટલાંક દ્રશ્યો તો તર્કશાસ્ત્રના લીરેલીરા ઉડાડી દીધા છે. ફિલ્મની મુખ્ય હિરોઈન આલિયા ભટ્ટ હિમાલય પર્વતની કડકડતી ઠંડી વાળા એરિયામાં વન-પીસ શોર્ટ કપડાં પહેરીને બિન્દાસ ફરે છે. ભાઈ, આ કંઈ ટ્રેનિંગનો ભાગ છે? શું સુપર-સોલ્જર બન્યા પછી માણસની ચામડી જાડી થઈ જાય છે અને તેને ઠંડી લાગવાની જ બંધ થઈ જાય છે? આ જોઈને સામાન્ય દર્શકને પણ એવું લાગે કે હવે ખરેખર ફિલ્મ જોવાનું બંધ કરી દેવું જોઈએ.

બીજી તરફ, આલિયા ભટ્ટ જેવી અત્યંત દુબળી-પાતળી છોકરી ૧૦ થી ૨૦ ઊંચા-પહોળા ગુંડાઓને હવામાં રમકડાની જેમ ફગાવતી જોવા મળે છે. આ સિક્વન્સ જોઈને ન તો રોમાંચ અનુભવાય છે, ન તો વાસ્તવિકતા દેખાય છે. આલિયાનું સ્ક્રીન પ્રેઝન્સ આ એક્શન પેક્ડ પાત્રને જરાય અનુકૂળ આવતું નથી અને તેના એક્શન સીન્સમાં એ ધારી તાકાત કે દમ બિલકુલ દેખાતો નથી.

શર્વરીનો મેકઅપ વિરુદ્ધ એક્શન અને દર્શકોની અકળામણ

ફિલ્મની બીજી હિરોઈન શર્વરીની વાત કરીએ તો, એવું સ્પષ્ટ દેખાય છે કે તેના મેકઅપ અને ગ્લેમર પર જેટલી મહેનત કરવામાં આવી છે, તેનાથી અડધી પણ મહેનત એના એક્શન સીન્સ પર થઈ નથી. વાર્તા જેમ-જેમ આગળ વધે છે, તેમ-તેમ દર્શકોના મનમાં ગુસ્સો, અકળામણ, હસવું અને માથું પકડી લેવાનો ડર, બધું જ એકસાથે થવા લાગે છે. આખરે વાર્તા કઈ દિશામાં જઈ રહી છે અને નિર્માતાઓ શું બતાવવા માંગે છે, તેનો કોઈ તાલમેલ જ નથી બેસતો. શું દિગ્દર્શકે શૂટિંગ દરમિયાન એકવાર પણ વિચાર્યું હતું કે દર્શકો આ નબળા પ્રદર્શનથી કેટલા પરેશાન થશે?

કુલ મળીને, “આલ્ફા” એક અત્યંત નબળી, લોજિક વગરની અને નિરાશાજનક ફિલ્મ સાબિત થાય છે. આમાં ન તો કોઈ મજબૂત રોમાંચ છે, ન કોઈ યાદગાર વાર્તા છે અને ન તો એવું કોઈ એક્શન છે જે દર્શકોને થિયેટરમાં જકડી રાખે. જો તમને તમારા પૈસા અને સમય બંને વહાલા હોય, તો આ ફિલ્મથી દૂર રહેવું જ હિતાવહ છે. છતાં પણ જો તમારું જોવાનું મન થતું હોય, તો તમારા પોતાના જોખમે થિયેટર સુધી જજો.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code