અમદાવાદ, 4 જુલાઈ 2026: ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઈ ચૂકી છે. દક્ષિણ અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓને મેઘરાજાએ ધમરોળી નાખ્યા છે. હવામાન વિભાગના આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં (3 જુલાઈના સવારના 6 વાગ્યાથી લઈને 4 જુલાઈના સવારના 7 વાગ્યા સુધીમાં) જૂનાગઢના માંગરોળમાં 565 મિ.મી. એટલે કે અંદાજે 23 ઇંચ જેટલો વરસાદ ખાબકી જતાં આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ હતી. જ્યારે માળિયા હાટિનામાં પણ 358 મિ.મી. એટલે કે 14.09 ઇંચ વરસાદ નોંધાયો છે. આ સિવાય ડાંગના વઘઈમાં 13.31 ઇંચ અને સુરતના અંબિકામાં 13.19 ઇંચ વરસાદથી સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
હવામાન વિભાગ દ્વારા આજે પણ રાજ્યના 7 જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આશંકાને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે અન્ય કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. ગીર સોમનાથ, અમરેલી, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી અને કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી તેમજ દમણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, વડોદરા, ભરૂચ, ભાવનગર, રાજકોટ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
દરમિયાન માણાવદર તાલુકાના બૂરી ગામે મૂશળધાર વરસાદથી પૂરની ભયાવહ સ્થિતિ સર્જાઈ હતી, જેમાં ઓએનજીસી (ONGC) કંપનીના 10 કર્મચારીઓ ફસાયા હતા. ડિઝાસ્ટર કંટ્રોલરૂમની સૂચના મળતા જ હોમગાર્ડની ટીમ ત્વરિત ઘટનાસ્થળે પહોંચી હતી. પૂરના ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે જવાનોએ ભારે જહેમત ઉઠાવીને તમામ 10 કર્મચારીઓને હેમખેમ બહાર કાઢી સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા. મેંદરડાના સમઢીયાળા ગામે પૂરના ધસમસતા પ્રવાહમાં એક રિક્ષા, કાર અને ઇકો ગાડી ફસાઈ ગઈ હતી. જેમાં બાળકો અને વૃદ્ધો સહિત 19 જેટલા લોકોના જીવ અધ્ધર થઈ ગયા હતા. ઇમરજન્સી નંબર 112 પરથી માહિતી મળતા જ જૂનાગઢ ફાયર સ્ટેશનની ટીમ ગણતરીની મિનિટોમાં પહોંચી ગઈ હતી. પાણીનો પ્રવાહ અત્યંત તીવ્ર હોવા છતાં ફાયર ઓફિસરની આગેવાનીમાં ટીમે સાહસપૂર્વક ઓપરેશન પાર પાડી તમામ 19 લોકોને નવજીવન આપ્યું હતું.
-
NH-51 ધોવાયો: વાહનવ્યવહાર બંધ, વૈકલ્પિક રૂટ જાહેર
કેશોદ અને માંગરોળ પંથકમાં ભારે વરસાદને કારણે નેશનલ હાઈવે-51 પર હુસૈનાબાદ નજીક પૂરના પાણી ફરી વળ્યા છે. રસ્તાને વ્યાપક નુકસાન થતાં જનતાની સુરક્ષા અર્થે આ હાઈવે હાલ પૂરતો સંપૂર્ણ બંધ કરી દેવાયો છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) દ્વારા સોમનાથથી દ્વારકા તરફ જતા વાહનચાલકોને સોમનાથ-જેતપુર-પોરબંદર-દ્વારકા માર્ગનો ઉપયોગ કરવા અનુરોધ કરાયો છે. હાલ NHAIની રાજકોટ ટીમ દ્વારા રસ્તાના સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવાઈ છે. અમદાવાદમાં ગઈકાલ રાતથી જ મેઘરાજાએ એન્ટ્રી કરી લીધી છે. આજે સવારથી જ સમગ્ર શહેરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. શહેરના એસ.જી. હાઈવે, મકરબા, જુહાપુરા અને સરખેજ જેવા વિસ્તારોમાં સવારથી જ વરસાદ શરૂ થઈ ચૂક્યો છે, જેનાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.


