1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. આંગણવાડી બહેનો જ્ઞાન સાથે ગમ્મત, ધર્મ અને સંસ્કાર પણ પીરસે છેઃ ભાનુબેન બાબરિયા
આંગણવાડી બહેનો જ્ઞાન સાથે ગમ્મત, ધર્મ અને સંસ્કાર પણ પીરસે છેઃ ભાનુબેન બાબરિયા

આંગણવાડી બહેનો જ્ઞાન સાથે ગમ્મત, ધર્મ અને સંસ્કાર પણ પીરસે છેઃ ભાનુબેન બાબરિયા

0
Social Share

ગાંધીનગરઃ આવતીકાલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી થશે. તેના ભાગરૂપે ગાંધીનગરમાં ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી ખાતે મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી ભાનુબેન બાબરિયાના અધ્યક્ષસ્થાને મહિલા દિવસની રાજ્યવ્યાપી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિવિધ કેટેગરીમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારી મહિલાઓને મંત્રીના હસ્તે સન્માનિત કરવામાં આવી હતી. આ ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. જેમાં ગુજરાત મહિલા વિકાસ પુરસ્કાર એવોર્ડ, આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને માતા યશોદા એવોર્ડ, શિક્ષણની વાતના મુદ્દા પરત્વે વાલીઓ સાથે સંવાદ, ભૂલકા મેળો, પુસ્તકનું વિમોચન જેવા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. 

મંત્રી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિતે મહિલા સન્માન, મહિલા વિકાસ અને  મહિલાઓના વિશ્વાસના આજના આ રાજ્યકક્ષાના કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહાનુભાવો, આગેવાનો, અધિકારીઓ તેમજ ઉપસ્થિત મહિલાઓ અને નાના ભૂલકાઓનું હૃદય પૂર્વક સ્વાગત કરતા આનંદની લાગણી થાય છે. આંગણવાડીના બાળકો દ્વારા આજે સાંસ્કૃતિક કાર્યક્રમ કરી સંપૂર્ણ રામાયણ દર્શન કરાવવામાં આવ્યુ તે માટે આંગણવાડીની બહેનોએ રામાયણના પાત્રો વિશે બાળકોને ઉંડાણ પૂર્વક સમજ આપી છે. મહિલાઓને જીવનમાં ડગલેને પગલે પરિવાર, સમાજ અને અન્ય ઘણા બધા લોકોની કડવી વાતોનો સામનો કરવો પડતો હોય છે. આવા સમયે મહિલાઓ માટે સરકારે સ્વમાનભેર જીવન જીવવા માટે ઘણી યોજનાઓ અમલી બનાવી મહિલાઓના સ્વમાન અને સ્વાભિમાનની ચિંતા કરી છે. 

આગળ તેમણે ઉમેર્યું હતું કે, સ્વમાનના ભોગે ક્યારેય કશું જ સહન ન કરવું. સ્વમાન અને ચરિત્ર સાચવવું એ ખુદ સ્ત્રીના હાથમાં છે. જેના માટે સરકારે અભયમ્ જેવી ઘણી યોજનાઓ અમલી બનાવી છે એટલુજ નહીં પણ સ્ત્રીઓને જરૂરત પડે નિશુલ્ક કાનુની સહાયની પણ સુવિધા ઉપલબ્ધ કરાવી છે. જેના માટે તેઓ અભિનંદનને પાત્ર છે. આંગણવાડી બહેનોને બિરાદાવતા તેમણે ઉમેર્યું હતું કે જ્ઞાન સાથે ગમ્મત અને ગમ્મત સાથે ધર્મ અને સંસ્કાર પણ બહેનો પીરસે છે. જે એક ખુશીની વાત છે. રોજિંદા જીવનમાં સ્ત્રીઓ ઘણા પાત્ર ભજવતી હોય છે. ત્યારે ઘણી વખત એવી પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય છે જેમાં સ્ત્રી શક્તિનું અપમાન થતું હોય છે. આવા સમયે તેમણે ઉપસ્થિત દરેક મહિલાને આગવા અંદાજમાં કહ્યું હતું કે ‘હમ કિસી કો છેડતે નહી, પર હમે જો છેડતા હૈ ઉસે હમ છોડતે નહીં’ 

તો આ પ્રસંગે ગુજરાત મહિલા વિકાસ પુરસ્કાર એવોર્ડ, આંગણવાડી કાર્યકર્તા અને તેડાગર મહિલાઓને માતા યશોદા એવોર્ડ, શિક્ષણની વાતના મુદ્દા પરત્વે વાલીઓ સાથે સંવાદ માટે યોજાયેલા સ્ટોલની પણ મુલાકાત મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રીએ લીધી હતી. સાથે જ તેમણે 181 અભયમ્ મહિલા હેલ્પલાઈનનું ડિજિટલાઈઝેશન એટલે કે, સ્માર્ટ પેપરલેસ સેવાનું લોકાર્પણ કર્યું હતું.આ ઉપરાંત, આ પ્રસંગે ગાંધીનગરના ઈસીડીએસ કમિશનર રણજીતકુમાર સિંઘ, મેયર હિતેષભાઈ મકવાણા, જિલ્લા પંચાયત પ્રમુખ શિલ્પાબેન પટેલ, સહિત મહાનુભાવો, વિભાગના ઉચ્ચ અધિકારીઓ તથા રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં બહેનો પણ ઉપસ્થિત રહ્યા હતા

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code