Homeગુજરાતીદેશ-વિદેશએશિયન ગેમ્સ : ભારતીય મહિલા હોકી ટીમનો ભવ્ય વિજય, ઇન્ડોનેશિયાને 17-1 થી...

એશિયન ગેમ્સ : ભારતીય મહિલા હોકી ટીમનો ભવ્ય વિજય, ઇન્ડોનેશિયાને 17-1 થી હરાવ્યું

નવી દિલ્હી, 21 સપ્ટેમ્બર 2026: એશિયન ગેમ્સ 2026 માં ભારતીય મહિલા હોકી ટીમે પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન જાળવી રાખતા પુલ B ની પોતાની બીજી મેચમાં ઇન્ડોનેશિયાને 17-1 ના વિશાળ અંતરથી પરાજય આપ્યો છે. સોમવારે રમાયેલા આ એકતરફી મુકાબલામાં ભારત તરફથી દીપિકા સેહરાવત અને રુતુજા પિસાલ સ્ટાર પર્ફોર્મર રહી હતી. આ અગાઉ પોતાની પ્રથમ મેચમાં ભારતે ઉઝબેકિસ્તાનને પણ 19-0 થી માત આપી હતી, જેમાં દીપિકાએ રેકોર્ડ 8 ગોલ નોંધાવ્યા હતા. મેચની 8 મી મિનિટે દીપિકાએ પેનલ્ટી કોર્નરને શાનદાર ડ્રેગ-ફ્લિક દ્વારા ગોલમાં ફેરવીને ભારતનું ખાતું ખોલ્યું હતું. ત્યારબાદ સુનીલિતા ટોપ્પો (11મી મિનિટ), લાલરેમસિયામી (13મી મિનિટ) અને રુતુજા પિસાલે (૧૫મી મિનિટ) ગોલ ફટકાર્યા હતા, જેથી પ્રથમ ક્વાર્ટરના અંતે ભારત 4-0 થી આગળ થઈ ગયું હતું.

બીજા ક્વાર્ટરમાં 16 મી મિનિટે લાલરેમસિયામીએ પોતાનો બીજો ગોલ કર્યો હતો, જ્યારે રુતુજાએ 20 મી મિનિટે સ્કોર 6-0 કર્યો હતો. ત્યારબાદ સાક્ષી રાણા (25 મી મિનિટ), દીપિકા (28 મી મિનિટ) અને સુનીલિતાએ (30 મી મિનિટ) પેનલ્ટી કોર્નર દ્વારા ગોલ કરીને હાફ-ટાઇમ સુધી ભારતનો સ્કોર 9-0 કરી દીધો હતો. હાફ-ટાઇમ સુધી બોલ પર ભારતનો કબ્જો 55 ટકા રહ્યો હતો. બીજા હાફમાં પણ ભારતીય ખેલાડીઓનું આક્રમણ ચાલુ રહ્યું હતું. સુકાની સલીમા ટેટે (34 મી મિનિટ), નવનીત (35 મી મિનિટ), ઇશિકા (36 મી મિનિટ), રુતુજા (39 મી મિનિટ) અને દીપિકાએ (40 મી મિનિટ) ગોલ ફટકાર્યા હતા. ઇન્ડોનેશિયા તરફથી 32 મી મિનિટે ઇનેસ અદિયિતાએ એકમાત્ર ગોલ નોંધાવ્યો હતો. મેચના અંતિમ તબક્કામાં નવનીતે (56 મી અને 57 મી મિનિટ) તથા સાક્ષી રાણાએ (57 મી મિનિટ) વધુ ગોલ ઉમેરીને આખરી સ્કોર 17-1 કરી દીધો હતો. સતત બે મોટી જીત સાથે ભારતીય ટીમે પૂલમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular