Homeગુજરાતીદેશ-વિદેશબિહારના ભાગલપુરમાં કરુણાંતિકા: પૂરના પાણીમાં ડૂબી જવાથી 6 બાળકોના મોત

બિહારના ભાગલપુરમાં કરુણાંતિકા: પૂરના પાણીમાં ડૂબી જવાથી 6 બાળકોના મોત

પટના, 21 સપ્ટેમ્બર 2026: બિહારના ભાગલપુર જિલ્લાના સુલ્તાનગંજ પ્રખંડ હેઠળ આવેલા ભીરખુદ પંચાયતના તરેટા ગામે સોમવારે એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. અહીં ગેસ ગોડાઉન નજીક પૂરના પાણીમાં ડૂબી જવાથી 6 બાળકોના અકાળે મોત નીપજ્યા છે. આ બનાવની જાણ થતાં જ સ્થાનિક ગ્રામજનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પાણીમાં બાળકોની શોધખોળ શરૂ કરી દીધી હતી. ત્યારબાદ સુલ્તાનગંજ પોલીસ સ્ટેશન અને અંચલ અધિકારીને ઘટના અંગે જાણ કરવામાં આવી હતી.

ભારે જહેમત બાદ ગ્રામજનોએ તમામ ૬ બાળકોને પાણીમાંથી બહાર કાઢીને તાત્કાલિક સુલ્તાનગંજ રેફરલ હોસ્પિટલ ખસેડ્યા હતા. જોકે, ત્યાં ફરજ પરના તબીબોએ તપાસ બાદ તમામ બાળકોને મૃત જાહેર કર્યા હતા. મૃતકોની ઓળખ રાહુલ કુમાર, વિકાસ કુમાર, જ્યોતિ કુમારી, પૂજા કુમારી, મીનાક્ષી કુમારી અને આયુષ કુમાર તરીકે થઈ છે. આ તમામ બાળકોની ઉંમર આશરે 10 થી 15 વર્ષની વચ્ચે હોવાનું કહેવાય છે અને તેઓ આસપાસના વિષ્ણુ ટોલા અને દુધૈલા વિસ્તારના રહેવાસી હતા.

એકસાથે 6 બાળકોના મોતના સમાચાર વાયુવેગે પ્રસરતા સમગ્ર ગામમાં માતમ છવાઈ ગયો હતો. હોસ્પિટલ પરિસરમાં મૃતક બાળકોના સગા-સંબંધીઓના કરૂણ રુદનથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને તમામ મૃતદેહોનો કબ્જો મેળવી પોસ્ટમોર્ટમ માટે ભાગલપુર મોકલવાની પ્રક્રિયા હાથ ધરી હતી.

ઘટનાની માહિતી મળતા જ સુલ્તાનગંજના અંચલ અધિકારી રમણ કુમાર તથા એનડીએના સ્થાનિક કાર્યકરો રેફરલ હોસ્પિટલ પહોંચ્યા હતા. અધિકારીએ પૂરપીડિત અને શોકગ્રસ્ત પરિવારોને સાંત્વના આપી સરકારી નિયમોનુસાર ઝડપથી આર્થિક સહાય રકમ અપાવવાની ખાતરી આપી હતી.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular