1. Home
  2. ગુજરાતી
  3. આસામ : બે વર્ષમાં 1,600 થી વધુ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને દેશનિકાલ કરાયા
આસામ : બે વર્ષમાં 1,600 થી વધુ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને દેશનિકાલ કરાયા

આસામ : બે વર્ષમાં 1,600 થી વધુ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને દેશનિકાલ કરાયા

0
Social Share

ગુવાહાટી, 14 જુલાઈ 2026: આસામ સરકારે રાજ્યમાં ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરનારા બાંગ્લાદેશી નાગરિકો વિરૂદ્ધ મોટું અને કડક પગલું ભર્યું છે. છેલ્લા બે વર્ષમાં 1,600 થી વધુ ગેરકાયદેસર પ્રવાસીઓને પકડીને પરત બાંગ્લાદેશ મોકલી દેવામાં આવ્યા છે. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ વિધાનસભામાં ઓલ ઇન્ડિયા યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (AIUDF) ના ધારાસભ્ય બદરુદ્દીન અજમલના સવાલના જવાબમાં આ સત્તાવાર માહિતી આપી હતી. મુખ્યમંત્રીએ ગૃહમાં જણાવ્યું કે, 1 જુલાઈ 2024 થી 30 જૂન 2025 ની વચ્ચે કુલ 1,679 ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને ઇમિગ્રન્ટ્સ એક્ટ 1950 હેઠળ પરત મોકલવામાં આવ્યા છે. સરમાએ સ્પષ્ટ કર્યું કે રાજ્ય સરકાર કેન્દ્રના નિર્દેશોનું ચુસ્તપણે પાલન કરી રહી છે અને પ્રક્રિયા દરમિયાન માનવ અધિકારોનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવ્યું છે. જે લોકોની અપીલ હજુ કોર્ટમાં પેન્ડિંગ છે, તેમને હાલ પરત મોકલવામાં આવ્યા નથી.

બીજી તરફ, કોંગ્રેસના ધારાસભ્ય નુરુલ ઇસ્લામના અન્ય એક પ્રશ્નના જવાબમાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આસામની મતદાર યાદીમાં હાલ 91,385 ‘ડી-વોટર્સ’ એટલે કે શંકાસ્પદ નાગરિકત્વ ધરાવતા મતદારો છે. આ યાદીમાં સૌથી વધુ 13,719 ડી-વોટર્સ સોનિતપુર જિલ્લામાં છે, જ્યારે બીજા ક્રમે બારપેટા જિલ્લો છે જ્યાં 8,081 ડી-વોટર્સ નોંધાયેલા છે. ચૂંટણી પંચના આદેશથી 1997થી રાજ્યમાં નિયમિત અને શંકાસ્પદ મતદારોને અલગ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. સીએમ સરમાએ માહિતી આપી કે ફોરેનર્સ ટ્રિબ્યુનલ (FT) દ્વારા અત્યાર સુધીમાં 56,728 લોકોને વિદેશી જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે 65,171 લોકોને ભારતીય નાગરિક જાહેર કરાયા છે. આ સિવાય ગુવાહાટી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે 42 લોકોને ભારતીય માન્યા છે, જ્યારે અપીલ કરનારા 831 લોકોને અદાલતે વિદેશી જાહેર કર્યા છે. વર્ષ 1997માં જ્યારે આ પ્રક્રિયા શરૂ થઈ ત્યારે 1,99,596 ડી-વોટર્સ હતા, જેમાંથી અત્યાર સુધીમાં 31,389 લોકોને વિદેશી જાહેર કરીને દેશનિકાલ કરવામાં આવ્યા છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code