વડોદરા, 14 જુલાઈ, 2026 : Habitual two-wheeler thief caught; 21 theft cases solved. રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં દ્વીચક્રી વાહનોની ચોરી કરતા રિઢા ચોરને શહેર ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધો હતો. પોલીસે આરોપી એવા રિઢા ચોરની પૂછતાછ કરતા 21 ટૂવ્હીલર ચોરીનો ભેદ ઉકેલાયો છે. વાહનચોર રિઢો આરોપી ચોરીના વાહનો અને તેના સ્પેરપાર્ટ્સ ગેરેજ સંચાલકને વેચી દેતો હતો. પોલીસે ગેરેજ સંચાલકની પણ ધરપકડ કરી છે. આરોપી પાસેથી પોલીસે કુલ રૂ.3.95 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
વડોદરા શહેરના હાઇવે, રેલવે સ્ટેશન અને છેવાડાના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસથી દ્વીચક્રી વાહનોના ચોરીના બનાવોમાં વધારો થયો હતો. પોલીસે ‘વિશ્વાસ પ્રોજેક્ટ’ હેઠળના સીસીટીવી ફૂટેજ તેમજ ટેકનિકલ સર્વેલન્સના આધારે એક શંકાસ્પદ આધેડની ઓળખ કરી હતી. ખાસવાડી સ્મશાન રોડ નજીક ચોરીની એક્ટિવા વેચવાની ફિરાકમાં ઉભેલા મુનાવરહુસેન ઉર્ફે મુનાફભાઈ ઉર્ફે છોટુભાઈ મહેમુદમિયાં શેખ (ઉં.વ. 63, રહે. જમાલપુર, અમદાવાદ) ને ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધો હતો. પોલીસે તેની પાસેથી વિવિધ વાહનો લોક ખોલવા માટે રાખેલી 7ડુપ્લિકેટ ચાવીઓ કબજે કરી હતી. તેની પાસેની એક્ટિવા ભરૂચમાંથી ચોરી થઈ હોવાનું બહાર આવ્યું હતું.
પોલીસે આરોપીની કડક પૂછપરછ કરતા આરોપીએ છેલ્લા 7 થી 8 મહિનામાં અમદાવાદ, વડોદરા, ભરૂચ, પેટલાદ, પાટણ, ચાણસ્મા, બાવળા, મહેસાણા અને સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાંથી બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન નજીક પાર્ક કરાયેલા ૨૧થી વધુ ટુ-વ્હીલર વાહનોની ચોરી કર્યાની કબૂલાત કરી હતી. આરોપી અગાઉ પણ ગુજરાતના વિવિધ પોલીસ સ્ટેશનોમાં વાહનચોરીના 16 તથા જુગારના એક ગુના મળી કુલ 17 ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે અને જામીન પર છૂટ્યા બાદ ફરીથી આ પ્રવૃત્તિ શરૂ કરી હતી.
મુનાવરહુસેને ચોરી કરેલા વાહનોમાંથી 3 એક્ટિવા પોતાના ઉપયોગ માટે રાખી હતી, જ્યારે બાકીના વાહનો અમદાવાદના દરીયાપુર વિસ્તારમાં ગેરેજ ચલાવતા ઇમરાન અબ્બાસભાઈ શેખ (ઉં. 40) ને માત્ર રૂ.4,000 થી 5,000 માં વેચી દીધા હતા. પોલીસે ઇમરાનની ધરપકડ કરી તેની પાસેથી ચોરીના વાહનો અને સ્પેરપાર્ટ્સ જપ્ત કર્યા છે.


