નવી દિલ્હી, 30 સપ્ટેમ્બર 2026: રિસર્ચ એન્ડ ઇન્ફોર્મેશન સિસ્ટમ ફોર ડેવલપિંગ કન્ટ્રીઝ (RIS) ના એક નવા અભ્યાસ અનુસાર, નાણાંકીય વર્ષ 2024-25માં 36.92 બિલિયન ડોલરના અંદાજિત આર્થિક યોગદાન સાથે, આયુષ સેવા ક્ષેત્ર ભારતના સૌથી ઝડપથી વિકસતા સેવા ક્ષેત્રોમાંના એક તરીકે ઊભરી આવ્યું છે. નાણાંકીય વર્ષ 2022-23 થી 16.91 ટકા CAGR નોંધાવીને, આ ક્ષેત્ર આરોગ્ય સંભાળ, વેલનેસ, રોજગાર સર્જન અને મેડિકલ વેલ્યુ ટ્રાવેલ દ્વારા ભારતના આર્થિક વિકાસમાં વધુને વધુ યોગદાન આપી રહ્યું છે. આ અભ્યાસ અંદાજ લગાવે છે કે આયુષ સેવા અર્થતંત્ર 2047 સુધીમાં 216–318 બિલિયન ડોલર સુધી વધી શકે છે, જે વિકસિત ભારત @2047 ના વિઝનમાં યોગદાન આપવાની તેની નોંધપાત્ર ક્ષમતાને રેખાંકિત કરે છે. આ અહેવાલ 23 મી સપ્ટેમ્બરે નાગપુરમાં 11માં આયુર્વેદ દિવસની ઉજવણી દરમિયાન ઔપચારિક રીતે બહાર પાડવામાં આવ્યો હતો.
આયુષ મંત્રાલયના કેન્દ્રીય રાજ્ય મંત્રી (સ્વતંત્ર પ્રભારી) અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી પ્રતાપરાવ જાધવે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ તારણો આયુષ ક્ષેત્રની આર્થિક ક્ષમતાને ઓળખવામાં એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન ચિહ્નિત કરે છે. મંત્રીએ જણાવ્યું હતું કે, “આ સીમાચિહ્નરૂપ અભ્યાસના તારણો પુષ્ટિ કરે છે કે આયુષ એ માત્ર એક સાંસ્કૃતિક વારસો નથી પરંતુ ભારતની અર્થવ્યવસ્થાનું એક ગતિશીલ અને ઉચ્ચ-વૃદ્ધિ ધરાવતું એન્જિન છે. આયુષ ક્ષેત્ર આરોગ્ય સંભાળ, વેલનેસ, રોજગાર અને વૈશ્વિક આર્થિક જોડાણમાં વધુને વધુ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા માટે તૈયાર છે, જ્યારે એક સ્વસ્થ અને આત્મનિર્ભર ભારતના આપણા વિઝનમાં યોગદાન આપે છે.”
-
36.92 બિલિયન ડોલરની અર્થવ્યવસ્થા
આયુષ મંત્રાલયના સચિવ વૈદ્ય રાજેશ કોટેચાએ જણાવ્યું હતું કે, “પ્રથમ વખત, તમામ મુખ્ય આયુષ પ્રણાલીઓને આવરી લેતા રાષ્ટ્રીય સ્તરના, સંસ્થા-સ્તરના સર્વેક્ષણ દ્વારા આયુષ સેવા ક્ષેત્રના આર્થિક યોગદાનને માપવામાં આવ્યું છે. આ અહેવાલ ભવિષ્યના રોકાણ, નીતિ આયોજન અને સુધારાઓને માર્ગદર્શન આપવા માટે એક મજબૂત પુરાવા આધાર પૂરો પાડે છે.”
RIS ના ડાયરેક્ટર જનરલ પ્રોફેસર સચિન કુમાર શર્માએ હાઇલાઇટ કર્યું હતું કે, “આ અભ્યાસ ભારતની આયુષ સેવા અર્થવ્યવસ્થાની પુરાવા-આધારિત સમજણ બનાવવામાં એક મહત્વપૂર્ણ પગલું ચિહ્નિત કરે છે. તમામ છ આયુષ પ્રણાલીઓમાં 15,914 સંસ્થાઓના રાષ્ટ્રીય સ્તરના સર્વેક્ષણના આધારે, તારણો દર્શાવે છે કે 36.92 બિલિયન ડોલરની અર્થવ્યવસ્થા, જે વાર્ષિક ધોરણે 17 ટકાની નજીક વધી રહી છે અને 1.76 મિલિયન આજીવિકાને ટેકો આપે છે, તે હવે પેરિફેરલ (ગૌણ) ક્ષેત્ર નથી પરંતુ એક ગતિશીલ, જ્ઞાન-આધારિત સેવા અર્થતંત્ર છે.”
અભ્યાસ અનુસાર, નાણાંકીય વર્ષ 25માં આયુષ સેવા અર્થતંત્ર 36.92 બિલિયન ડોલર અંદાજવામાં આવ્યું હતું, જે નાણાંકીય વર્ષ 23 થી 16.91 ટકાનો કમ્પાઉન્ડ એન્યુઅલ ગ્રોથ રેટ (CAGR) નોંધાવે છે. આ તારણો સુસંગઠિત આરોગ્ય સંભાળ વિતરણ, વેલનેસ સેવાઓ, ગુણવત્તાયુક્ત ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વૈશ્વિક પહોંચ દ્વારા વધુ વિસ્તરણ માટે નોંધપાત્ર ક્ષમતા સાથે, ભારતની સેવા અર્થવ્યવસ્થાના એક મહત્વપૂર્ણ અને ઝડપથી વિકસતા ક્ષેત્ર તરીકે આયુષ સેવાઓના ઉભરવા પર ભાર મૂકે છે.
-
ક્લિનિક્સ અને ડે-કેર સેન્ટરો આયુષ સેવા અર્થતંત્રનો મુખ્ય ભાગ
અભ્યાસ દર્શાવે છે કે ક્લિનિક્સ અને ડે-કેર સેન્ટરો આયુષ સેવા અર્થતંત્રનો મુખ્ય ભાગ બને છે, જે મળીને કુલ ક્ષેત્રીય આવકના 71 ટકાથી વધુ હિસ્સો ધરાવે છે. સ્ટેન્ડઅલોન ક્લિનિક્સે અંદાજિત 16.21 બિલિયન ડોલર જનરેટ કર્યા, જ્યારે ડે-કેર સેન્ટરોએ 10.13 બિલિયન ડોલરનું યોગદાન આપ્યું. આયુર્વેદ સૌથી મોટો વ્યક્તિગત ગણાતો વિભાગ રહ્યો, જેણે 17.73 બિલિયન ડોલર અથવા ક્ષેત્રની કુલ આવકના લગભગ 48 ટકા હિસ્સો ધરાવ્યો.
અહેવાલ આયુષ-આધારિત વેલનેસ વિભાગના વધતા આર્થિક મહત્વને પણ હાઇલાઇટ કરે છે, જેમાં યોગ કેન્દ્રો, સ્પા અને આયુષ-આધારિત સેવાઓ પ્રદાન કરતા રિસોર્ટ્સનો સમાવેશ થાય છે. આ વિભાગે 21.29 ટકા CAGR નોંધાવ્યો હતો, જેમાં યોગ કેન્દ્રોએ બે વર્ષમાં આવકમાં આશરે 75 ટકા વૃદ્ધિ નોંધાવી હતી, જે નિવારક આરોગ્ય (પ્રિવેન્ટિવ હેલ્થ), વેલનેસ અને સર્વગ્રાહી સંભાળ સેવાઓની વધતી માંગને દર્શાવે છે.
અભ્યાસમાં જાણવા મળ્યું છે કે આયુષ સેવા ક્ષેત્ર રોજગારના એક મહત્વપૂર્ણ સ્ત્રોત તરીકે ઉભરી આવ્યું છે. આ ક્ષેત્ર સીધી રીતે 1.76 મિલિયન આજીવિકાને ટેકો આપે છે, જેમાં સ્થાનિક અને સ્ટેન્ડઅલોન ક્લિનિક્સમાં એક મિલિયનથી વધુ નોકરીઓ કેન્દ્રિત છે. એકંદર આયુષ સેવા કાર્યબળમાં મહિલાઓનો હિસ્સો 43 ટકા છે, જેમાંથી વિવિધ સંગઠિત ક્ષેત્રોમાં મહિલાઓની ભાગીદારી 50 ટકાથી વધુ છે. આયુષ-આધારિત સેવાઓ પ્રદાન કરતી વેલનેસ જગ્યાઓ (સ્પા અને રિસોર્ટ્સ) માં મહિલાઓ કાર્યબળના 60 ટકાથી વધુ, શૈક્ષણિક સંસ્થાઓમાં 58 ટકા, ડે-કેર સેન્ટરોમાં 57 ટકા અને હોસ્પિટલોમાં 53 ટકા હિસ્સો ધરાવે છે.
-
મેડિકલ વેલ્યુ ટ્રાવેલમાં આયુષની વધતી જતી ક્ષમતા
અભ્યાસ આગળ મેડિકલ વેલ્યુ ટ્રાવેલ (MVT) માં આયુષની વધતી જતી ક્ષમતા તરફ નિર્દેશ કરે છે. આ ક્ષેત્રે નાણાંકીય વર્ષ 25માં MVT આવકમાં અંદાજિત 1.77 બિલિયન ડોલર ઉત્પન્ન કર્યા છે. જ્યારે આંતરરાષ્ટ્રીય દર્દીઓ દર્દીઓની સંખ્યાના આશરે 5 ટકા જ હિસ્સો ધરાવે છે, તેઓ હોસ્પિટલ-વિભાગની આવકમાં અંદાજિત 15–25 ટકાનું યોગદાન આપે છે. અભ્યાસ નોંધે છે કે પંચકર્મ અને નિવાસી યોગ સહિતના આયુષ ઉપચારાત્મક કાર્યક્રમો દર્દીઓના લાંબા સમય સુધી રોકાણ સાથે જોડાયેલા છે, જેમાં રોકાણની સરેરાશ લંબાઈ 5 થી 11 દિવસ સુધીની હોય છે.
ડિજિટલ દૃશ્યતા અને ગુણવત્તા માન્યતા (એક્રેડિટેશન) પણ આંતરરાષ્ટ્રીય દર્દીઓને આકર્ષવામાં મહત્વપૂર્ણ પરિબળો તરીકે ઉભરી રહ્યા છે. અભ્યાસ અનુસાર, સમર્પિત કાર્યરત વેબસાઇટ ધરાવતી સંસ્થાઓ પાસે આંતરરાષ્ટ્રીય દર્દીઓને આકર્ષવાની સંભાવના 3.6 ગણી વધુ હોય છે, જ્યારે NABH અથવા ISO જેવી માન્યતા પ્રાપ્ત ગુણવત્તા એક્રેડિટેશન આવી સંભાવનાને બમણી કરવા સાથે જોડાયેલી છે.
ભવિષ્ય તરફ જોતાં, ભારત વિકસિત ભારત @2047 તરફ આગળ વધી રહ્યું છે ત્યારે અભ્યાસ આ ક્ષેત્ર માટે નોંધપાત્ર વૃદ્ધિની ક્ષમતાનો અંદાજ આપે છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ક્વોલિટી સિસ્ટમ્સ, સ્કીલ્સ, ડિજિટલ ક્ષમતાઓ અને આંતરરાષ્ટ્રીય બજાર પહોંચ મજબૂત કરવાને આધીન, આયુષ સેવા અર્થતંત્ર નાણાંકીય વર્ષ 25 માં અંદાજિત 36.92 બિલિયન ડોલરથી વધીને 2047 સુધીમાં 216 બિલિયન ડોલર–318 બિલિયન ડોલર થઈ શકે છે.
-
RIS અભ્યાસ વિકસતી આયુષ સેવાઓની સ્થિતિનું પુરાવા-આધારિત મૂલ્યાંકન
અભ્યાસ ચાર સ્તંભો દ્વારા વિશ્લેષણ દ્વારા સમર્થિત વ્યૂહાત્મક માર્ગની રૂપરેખા આપે છે: — આયુષની જ્ઞાન મૂલ્ય શ્રૃંખલા (નોલેજ વેલ્યુ ચેઇન); એન્ટરપ્રાઇઝ અને સંસ્થાકીય ક્ષમતાઓ; વૈશ્વિક સ્પર્ધાત્મકતા અને મેડિકલ વેલ્યુ ટ્રાવેલ; ડિજિટલ ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા ઇનોવેશન. તે વ્યાપક ગુણવત્તા માન્યતા (એક્રેડિટેશન), ડિજિટલ આરોગ્ય રેકોર્ડ્સ, વર્કફોર્સ સ્કીલિંગ, આંતરરાષ્ટ્રીય સજ્જતા અને ઉભરતી તકનીકોના જવાબદાર અપનાવવાની જરૂરિયાત પર પણ ભાર મૂકે છે.
આ તારણો માત્ર એક આરોગ્ય સંભાળ અને વેલનેસ ઇકોસિસ્ટમ તરીકે જ નહીં પરંતુ રોજગાર સર્જન, સાહસિકતા, સેવાઓ આધારિત આર્થિક વિકાસ અને પરંપરાગત અને પૂરક દવામાં ભારતના વધતા વૈશ્વિક જોડાણમાં યોગદાન આપનાર તરીકે આયુષની વિસ્તરતી ભૂમિકાને મજબૂત બનાવે છે. RIS અભ્યાસ વિકસતી આયુષ સેવાઓની સ્થિતિનું પુરાવા-આધારિત મૂલ્યાંકન પૂરું પાડે છે અને આવનારા વર્ષોમાં ભારતની આરોગ્ય સંભાળ, વેલનેસ અને આર્થિક વિકાસની પ્રાથમિકતાઓમાં ક્ષેત્રના યોગદાનને મજબૂત કરવા માટેની તકો ઓળખે છે.


