નવી દિલ્હી, 30 સપ્ટેમ્બર 2026: ઉર્જા મંત્રાલય, ભારત સરકાર દ્વારા પેસેન્જર વાહનો માટે કોર્પોરેટ એવરેજ ફ્યુઅલ ઈકોનોમી (CAFE)ના નવા ધોરણો અધીસૂચિત કરવામાં આવ્યા છે, જે 1 એપ્રિલ 2027થી અમલમાં આવશે અને 31 માર્ચ 2032 સુધી લાગુ રહેશે. નવા ધોરણો ભારતમાં વેચાણ માટે ઉત્પાદિત અથવા આયાત કરવામાં આવતા નવા પેસેન્જર વાહનોને લાગુ પડશે.
નવું CAFE માળખું તમામ પાંચ વર્ષ દરમિયાન ઉત્તરોત્તર લક્ષ્યોને કડક બનાવીને ઇંધણ અર્થવ્યવસ્થા/ક્ષમતામાં ક્રમશઃ સુધારા તરફ દોરી જશે. ઇંધણના વપરાશના બેન્ચમાર્કને 2027-28માં 3.996 લિટર/100 કિમીથી ઘટાડીને 2031-32માં 3.3273 લિટર/100 કિમી કરવામાં આવ્યો છે, જે આ સમયગાળા દરમિયાન લગભગ 16.7 ટકાનો સુધારો દર્શાવે છે.
હળવા વાહનો માટે પ્રમાણમાં નરમ લક્ષ્યો અને ભારે વાહનો માટે વધુ ઇંધણ ક્ષમતાની જરૂરિયાતો સાથે, વધુ સંતુલિત, વજન-સંવેદનશીલ અભિગમ પૂરો પાડવા માટે સુધારેલી લક્ષ્ય રેખાને પણ સમતલ કરવામાં આવી છે. સંદર્ભ વજન વર્તમાન ધોરણો હેઠળના 1,082 કિલોગ્રામથી વધારીને નવા CAFE ધોરણો હેઠળ 1,229 કિલોગ્રામ કરવામાં આવ્યું છે, જે લગભગ 13.6 ટકાનો વધારો છે, જે પેસેન્જર વાહન ફ્લીટની વિકસતી વિશેષતાઓને પ્રતિબિંબિત કરે છે.
નવા ધોરણો ઉત્પાદકોને વધુ સ્વચ્છ ટેકનોલોજી, વૈકલ્પિક ઇંધણ અને અન્ય નવીન ઉકેલો અપનાવવા માટે ફ્લેક્સિબિલિટી (લવચીકતા) પૂરી પાડે છે. નવું CAFE માળખું સોલાર રિફ્લેક્ટિવ પેઇન્ટ્સ, એડવાન્સ ગ્લેઝિંગ, સુધારેલી ઇંધણ ક્ષમતા માટે ઉચ્ચ કાર્યક્ષમતા ધરાવતા એર-કંડિશનિંગ જેવી નવી ટેકનોલોજીઓમાં ટેકનોલોજીકલ નવીનતા તથા ભારતની ઊર્જા સુરક્ષા અને ટકાઉપણાંના (સસ્ટેનેબિલિટી) ઉદ્દેશ્યોને પ્રોત્સાહન આપે છે.
પેસેન્જર વાહન વિભાગ ભારતની પરિવહન ઊર્જા માંગમાં નોંધપાત્ર હિસ્સો ધરાવે છે અને અશ્મિભૂત ઇંધણના વપરાશમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર રહે છે. નવું CAFE માળખું ઝડપી ટેકનોલોજીકલ પ્રગતિ, વૈકલ્પિક અને પુનઃપ્રાપ્ય ઇંધણની વધતી ઉપલબ્ધતા, વધતું ઈલેક્ટ્રિફિકેશન અને વિકસતી વૈશ્વિક ઓટોમોટિવ ટેકનોલોજી સાથે સુસંગત છે અને તેને સમર્થન આપે છે.


