ઘરેલુ ક્રિકેટમાં પ્લેઇંગ કંડિશન્સમાં BCCIએ કર્યાં પાંચ મોટા ફેરફાર, જાણી જોઈને નો-બૉલ ફેંકનાર બોલર થશે સસ્પેન્ડ
નવી દિલ્હી, 22 જુલાઈ 2026: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા આગામી 2026-27ના ઘરેલુ ક્રિકેટ સિઝનની શરૂઆત પહેલાં મેચની પ્લેઇંગ કંડિશન્સમાં પાંચ મોટા અને મહત્ત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે. પ્રાપ્ત અહેવાલ મુજબ, આ નવા નિયમોમાં સૌથી કડક ફેરફાર જાણી જોઈને ફ્રન્ટ-ફુટ નો-બૉલ કે નોન-લેન્ડિંગ ડિલિવરી ફેંકનાર બોલરો વિરુદ્ધ કરવામાં આવ્યો છે. હવે જો કોઈ બોલર આવું કૃત્ય કરશે તો તેને માત્ર તે પારીમાંથી જ નહીં, પરંતુ સમગ્ર મેચમાંથી જ સસ્પેન્ડ કરી દેવામાં આવશે. બોર્ડ દ્વારા મેરીલેબોન ક્રિકેટ ક્લબની ભલામણોના આધારે આ તમામ નવા નિયમો દેશના તમામ રાજ્ય ક્રિકેટ સંઘોને મોકલી આપવામાં આવ્યા છે.
બીસીસીઆઈના નવા અને કડક નિયમ અનુસાર, જો ઓન-ફિલ્ડ અમ્પાયરોને એમ લાગે કે કોઈ બોલરે જાણી જોઈને ફ્રન્ટ-ફુટનો-બૉલ અથવા નોન-લેન્ડિંગ ડિલિવરી ફેંકી છે, તો તે બોલર તે મેચના બાકીના ભાગમાં ફરી ક્યારેય બોલિંગ કરી શકશે નહીં. અગાઉ આ પ્રકારનો પ્રતિબંધ માત્ર તે જ પારી પૂરતો મર્યાદિત રહેતો હતો. બોર્ડ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ નિયમ લાગુ કરવાનો અંતિમ નિર્ણય મેદાન પર હાજર અમ્પાયરોનો રહેશે.
આ ઉપરાંત બીસીસીઆઈ દ્વારા મેચની પૂર્ણાહુતિ અને સમય સંચાલનને લગતા નિયમમાં પણ મહત્ત્વપૂર્ણ બદલાવ કરવામાં આવ્યો છે. હવેથી દિવસની રમતની આખરી ઓવર ચાલતી હોય અને તે દરમિયાન જો કોઈ વિકેટ પડી જાય, તો પણ અમ્પાયરો તે ઓવર પૂરી કરાવશે. અગાઉના નિયમ મુજબ છેલ્લી ઓવરમાં વિકેટ પડતા જ દિવસની રમતનો અંત માનવામાં આવતો હતો. એમસીસીનું માનવું હતું કે જૂના નિયમને કારણે નવી બેટિંગ જોડીને ક્રિઝ પર આવવાની કે રમવાની પૂરતી તક મળી શકતી નહોતી.
-
અંતિમ પારી હવે ડિક્લેર કે ફોરફિટ નહીં કરી શકાય
નવા નિયમો અંતર્ગત હવે કોઈપણ ટીમ મેચની પોતાની આખરી પારી ડિક્લેર (જાહેર) કે ફોરફિટ કરી શકશે નહીં. એમસીસી અને બીસીસીઆઈનું માનવું છે કે, અગાઉ કેટલીક ટીમો આ નિયમનો દુરુપયોગ કરીને કૃત્રિમ અને મનપસંદ પરિણામો મેળવવાનો પ્રયાસ કરતી હતી, જે ક્રિકેટની ભાવના વિરુદ્ધ હતું. બીજી તરફ, ઘરેલુ વન-ડે ક્રિકેટમાં હવેથી ટીમના મુખ્ય કોચને ડ્રિંક્સ બ્રેક દરમિયાન મેદાન પર જઈને પોતાના ખેલાડીઓ સાથે રણનીતિ અંગે ચર્ચા કરવાની મંજૂરી આપવામાં આવશે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) પણ આગામી સમયમાં આ જ પ્રકારનો નિયમ આંતરરાષ્ટ્રીય સ્તરે લાગુ કરવાની તૈયારી કરી રહી છે.
બીસીસીઆઈએ વિકેટકીપરોની લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાને ધ્યાનમાં રાખીને નિયમમાં પણ રાહત આપી છે. હવેથી વિકેટકીપરના ગ્લુવ્સ માત્ર તે ક્ષણે જ સ્ટમ્પ્સની પાછળ હોવા જરૂરી છે જ્યારે બેટ્સમેન દ્વારા બોલ રમવામાં આવે કે છોડવામાં આવે. અગાઉના નિયમ મુજબ બોલરનો રન-અપ શરૂ થાય ત્યારથી જ વિકેટકીપરે પોતાના ગ્લુવ્સ સ્ટમ્પ્સની પાછળ રાખવા ફરજિયાત હતા. અગાઉ આ કડક નિયમના કારણે અનેક વખત અજાણતાં નો-બૉલ આપવી પડતો હતો અથવા તો શાનદાર સ્ટમ્પિંગને પણ અમાન્ય જાહેર કરવી પડતી હતી.
-
આગામી દુલિપ ટ્રોફીથી લાગુ થશે નવા નિયમો
અહેવાલ મુજબ, બીસીસીઆઈએ તમામ રાજ્યોના ક્રિકેટ એસોસિએશનોને આ નવા નિયમોથી સત્તાવાર રીતે માહિતગાર કરી દીધા છે. બોર્ડ દ્વારા અમ્પાયરો અને મેચ રેફરીઓ માટે વિશેષ જાગૃતિ અને પ્રશિક્ષણ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે. આગામી 2026-27ની ઘરેલુ ક્રિકેટ સિઝનની ભવ્ય શરૂઆત આવતા મહિને રમાનારી પ્રખ્યાત ‘દુલિપ ટ્રોફી’થી થવા જઈ રહી છે અને આ જ ટૂર્નામેન્ટથી ઉપરોક્ત તમામ નવા નિયમો સત્તાવાર રીતે અમલમાં આવી જશે.


