1. Home
  2. ગુજરાતી
  3. પશ્ચિમ બંગાળ સરકારનો મોટો નિર્ણય: ધર્મ આધારિત અનામત યોજનાઓ બંધ
પશ્ચિમ બંગાળ સરકારનો મોટો નિર્ણય: ધર્મ આધારિત અનામત યોજનાઓ બંધ

પશ્ચિમ બંગાળ સરકારનો મોટો નિર્ણય: ધર્મ આધારિત અનામત યોજનાઓ બંધ

0
Social Share

કોલકાતા, 20 મે 2026: પશ્ચિમ બંગાળ સરકારે એક મોટો વહીવટી નિર્ણય લેતાં ધર્મ આધારિત વર્ગીકરણ યોજનાઓ સત્તાવાર રીતે બંધ કરી દીધી છે. આ સાથે જ, વર્ષ 2010 પહેલાં રાજ્યની અન્ય પછાત વર્ગ (OBC) ની અનામત યાદીમાં સામેલ 66સમુદાયોને નિયમિત કરવામાં આવ્યા છે. સરકારના આ પગલાથી હવે આ સમુદાયો માટે સરકારી નોકરીઓ અને સેવાઓમાં 7 ટકા ક્વોટા (અનામત) ની પાત્રતા પુનઃ સ્થાપિત થઈ ગઈ છે. રાજ્ય કેબિનેટની બેઠક બાદ પશ્ચિમ બંગાળના સામાજિક કલ્યાણ મંત્રી અગ્નિમિત્રા પોલે પત્રકાર પરિષદમાં આ અંગેની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, કલકત્તા હાઈકોર્ટના આદેશોને ધ્યાનમાં રાખીને સામાજિક ન્યાય અને પારદર્શિતા સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્યથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

મે 2024માં કલકત્તા હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપતાં રાજ્યની તત્કાલીન ઓબીસી યાદીને રદ કરી દીધી હતી. હાઈકોર્ટે વર્ષ 2010 અને 2012 વચ્ચે ઓબીસી યાદીમાં ઉમેરવામાં આવેલા 77 વધારાના સમુદાયોના ઓબીસી દરજ્જા અને પ્રમાણપત્રોને ગેરમાન્ય ઠેરવ્યા હતા. હાઈકોર્ટના આ જ આદેશના પાલન અંતર્ગત રાજ્ય મંત્રીમંડળે વર્તમાન ઓબીસી યાદીમાં આ મોટા ફેરફારો મંજૂર કર્યા છે. નિષ્ણાતોના મતે, પશ્ચિમ બંગાળમાં આગામી સમયમાં યોજાનારી વસ્તી ગણતરી પહેલાં આ ઘટનાક્રમ રાજ્યના સામાજિક-આર્થિક અને જ્ઞાતિગત સમીકરણોને એક નવો વળાંક આપી શકે છે.

રાજ્યના પછાત વર્ગ કલ્યાણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા અનુસાર, જે 66 સમુદાયોને એક જ કેટેગરીમાં રાખવામાં આવ્યા છે, તેઓ હવે સરકારી સેવાઓમાં 7 ટકા અનામતના હકદાર બનશે. આ યાદીમાં 3 મુસ્લિમ સમુદાયોનો પણ સમાવેશ થાય છે. આ નવો નિર્ણય જૂની અનામત પ્રણાલીનું સ્થાન લેશે. અગાઉની વ્યવસ્થામાં ‘અતિ પછાત’ તરીકે ઓળખાતા વર્ગ ‘એ’ માટે 10 ટકા અને ‘પછાત’ તરીકે ઓળખાતા વર્ગ ‘બી’ માટે 7 ટકા અનામતની જોગવાઈ હતી.

હાલની ઓબીસી યાદીમાં જે પરંપરાગત અને સામાજિક સમુદાયોનો સમાવેશ થાય છે તેમાં પરંપરાગત હિન્દુ/સામાજિક જ્ઞાતિઓ કપાલી, કુર્મી, સુદ્રધર, કર્મકાર, સૂત્રધાર, સ્વર્ણકાર, નાપિત (વાણંદ), તાંતી, ધાનુક, કસાઈ, ખંડૈત, તુરહા, દેવંગા અને ગોલાનો સમાવેશ થાય છે. આ યાદીમાં સામેલ ત્રણ મુસ્લિમ જ્ઞાતિઓમાં પહાડિયા, હજ્જામ અને ચૌદુલીનો સમાવેશ થાય છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code