બિહારઃ JDU ના નવા ચૂંટાયેલા ધારાસભ્યોએ પોતાના નેતા તરીકે નીતિશ કુમારની કરી પસંદગી
પટનાઃ બિહાર વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ એનડીએ દ્વારા સરકાર રચવા માટે કવાયત તેજ બનાવી છે. દરમિયાન આજે જેડીયુના ધારાસભ્ય દળની બેઠકમાં નીતિશ કુમારને પોતાના નેતા તરીકે પસંદ કર્યાં છે. જ્યારે ભાજપાની બેઠકમાં ધારાસભ્યોએ સમ્રાટ ચૌધરીની પસંદગી કરી છે.
બિહારની રાજનીતિમાં આજે મોટા ફેરફારની ગૂંજ સાંભળવા મળી છે. જનતા દલ યુનાઇટેડ (જેડીયૂ)ના નવા ચૂંટાયેલા ધારાસભ્યોએ બુધવારે સવારે મળેલી બેઠકમાં ફરી એકવાર પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતીશ કુમારને પોતાના વિધાનસભા દળના નેતા તરીકે લર્વસમ્મતિથી પસંદ કર્યા છે. સવારે 11 વાગ્યે મુખ્યમંત્રી આવાસ ખાતે યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો.
જેડીયૂના વરિષ્ઠ નેતા શ્યામ રજકે જણાવ્યું હતું કે “બિહારની પ્રજા ઉત્સાહિત છે, તેઓએ પોતાના નેતા નીતીશ કુમારને જ પસંદ કર્યો છે. મુખ્યમંત્રી પદ માટે પાર્ટીની પ્રથમ અને અંતિમ પસંદગી પણ નીતીશ જ છે.” મંત્રીમંડળની રચના અંગેના પ્રશ્ન પર તેમણે કહ્યું કે તેનો આખરી નિર્ણય નીતીશ કુમાર જ લેશે. આ બેઠક પહેલા જેડીયૂની ધારાસભ્ય મનોરવ દેવે પણ કહ્યું હતું કે આજે બિહાર માટે ખૂબ જ શુભ દિવસ છે. “અમારા સંરક્ષક નીતીશ કુમાર તમામના કલ્યાણ માટે કામ કરે છે,” એમ તેમણે જણાવ્યું હતું.
બીજી તરફ, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોની બેઠક પાર્ટી કાર્યાલય ખાતે યોજાઈ હતી. બેઠકમાં બીજેપીએ સમ્રાટ ચૌધરીને વિધાનસભા દળના નેતા તરીકે પસંદ કર્યો છે, જેના આધારે તેઓ ડેપ્યુટી સીએમ બનશે. વિજય સિંહાને ઉપનેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે, અને તેઓ પણ બીજા ડેપ્યુટી સીએમ બની શકે તેવી ચર્ચા છે. જોકે બીજા ડેપ્યુટી સીએમ પદને લઈને હજુ મંથન ચાલુ છે. બીજેપી ઇચ્છે છે કે બંને ડેપ્યુટી સીએમ પદ તેના પાસે જ રહે.
19 સીટો જીતનાર લોક જનશક્તિ પાર્ટી (ચિરાગ પાસવાન) પણ સરકારમાં યોગ્ય પ્રતિનિધિત્વની માંગ રાખી રહી છે. પાર્ટી એક ડેપ્યુટી સીએમ પદ સહિત ત્રણ મંત્રાલયની માંગ કરી રહી છે. આ મુદ્દે હાલમાં ચર્ચાઓ ચાલી રહી છે અને અંતિમ નિર્ણય આગામી દિવસોમાં આવી શકે છે.


