Homeગુજરાતીદેશ-વિદેશબ્રિક્સ સમિટઃ પીએમ મોદીનું સંબોધન, UNSC સુધારા અને ગ્લોબલ સાઉથ પર આપ્યો...

બ્રિક્સ સમિટઃ પીએમ મોદીનું સંબોધન, UNSC સુધારા અને ગ્લોબલ સાઉથ પર આપ્યો ભાર

નવી દિલ્હી, 12 સપ્ટેમ્બર 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રારંભિક સંબોધન સાથે નવી દિલ્હી ખાતે 18મી બ્રિક્સ શિખર પરિષદનો સત્તાવાર પ્રારંભ થઈ ગયો છે. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ તમામ બ્રિક્સ દેશોના નેતાઓનું સ્વાગત કરતાં આ વખતની બે દિવસીય સમિટને ‘ઐતિહાસિક’ ગણાવી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારતની બ્રિક્સ અધ્યક્ષતા ‘પીપલ સેન્ટ્રિક’ અને ‘હ્યુમેનિટી ફર્સ્ટ’ (માનવતા પ્રથમ) અભિગમ પર આધારિત છે, જેમાં સ્થિતિસ્થાપકતા, નવીનતા (ઇનોવેશન), સહયોગ અને સ્થિરતા મુખ્ય પ્રાથમિકતાઓ રહી છે. આ વૈશ્વિક મંચ પરથી પીએમ મોદીએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં તાત્કાલિક સુધારાની જોરદાર માંગ કરી હતી અને વૈશ્વિક સુધારા માટે એક નિશ્ચિત પ્રસ્તાવ તૈયાર કરવા આહ્વાન કર્યું હતું.

પીએમ મોદીએ જણાવ્યું કે, બ્રિક્સ પોતાની સ્થાપનાના 20મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે, જે એક પરિપક્વતા અને જવાબદારીનો તબક્કો છે. તેમણે આગામી 20 વર્ષ માટે એક નવો અને વિશાળ લક્ષ્યાંક ધરાવતો એજન્ડા તૈયાર કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આ માટે તેમણે ત્રણ મુખ્ય પાસાંઓ રજૂ કર્યા હતા, જે અનુસાર UN સુરક્ષા પરિષદમાં સુધારાને હવે વધુ સમય માટે ટાળી શકાય નહીં. આ વાટાઘાટો સમયબદ્ધ અને ચોક્કસ પરિણામલક્ષી હોવી જોઈએ, વૈશ્વિક સંસ્થાઓમાં પારદર્શિતા વધારવી તેમજ વૈશ્વિક આર્થિક સંસ્થાઓમાં વોટિંગ પાવર, લીડરશિપ અને પોલિસીની પ્રાથમિકતાઓ વર્તમાન આર્થિક વાસ્તવિકતાઓને અનુરૂપ હોવી જોઈએ. જે દેશો વૈશ્વિક આર્થિક વૃદ્ધિને આગળ ધપાવે છે, તેમને આર્થિક નિર્ણય પ્રક્રિયામાં યોગ્ય સ્થાન મળવું જ જોઈએ.

  • ‘ગ્લોબલ સાઉથ’ માટે મજબૂત અવાજ

પીએમ મોદીએ ખેદ વ્યક્ત કરતાં કહ્યું કે, આજે ‘ગ્લોબલ સાઉથ’ (વિકાસશીલ દેશો) વૈશ્વિક કટોકટીઓનો સામનો કરવામાં સૌથી આગળ છે, પરંતુ નિર્ણયો લેવાની પ્રક્રિયામાં સૌથી પાછળ રહી જાય છે. આ પરિસ્થિતિને બદલીને ‘વિશેષાધિકારના પિરામિડ’ને ‘ભાગીદારીના મંચ’માં ફેરવવો પડશે, જ્યાં દરેક દેશનો અવાજ સંભળાય અને માનવતાનો વિકાસ કેન્દ્રસ્થાને હોય. આ ઉપરાંત, તેમણે બ્રિક્સ અધ્યક્ષતા દર વર્ષે બદલાવા છતાં કામગીરીમાં સાતત્ય જળવાઈ રહે તે માટે ‘બ્રિક્સ કંટીન્યુટી અને ઈમ્પ્લીમેન્ટેશન મેકેનિઝમ’ (ટ્રોઇકા મોડેલ) બનાવવાનો પ્રસ્તાવ પણ મૂક્યો હતો.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular