Homeગુજરાતીદેશ-વિદેશ4 દેશોથી શરૂ થયેલું બ્રિક્સ આજે 21 દેશોનું વિશાળ પરિવાર બન્યું :...

4 દેશોથી શરૂ થયેલું બ્રિક્સ આજે 21 દેશોનું વિશાળ પરિવાર બન્યું : નરેન્દ્ર મોદી

નવી દિલ્હી, 11 સપ્ટેમ્બર 2026: નવી દિલ્હી ખાતે આયોજિત બ્રિક્સ (BRICS) બિઝનેસ ફોરમને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વૈશ્વિક અર્થતંત્ર, વ્યાપાર, ટેક્નોલોજી અને પરસ્પર સહયોગ અંગે એક શક્તિશાળી અને દૂરદર્શી વક્તવ્ય આપ્યું હતું. વડાપ્રધાને પોતાના સંબોધનમાં બ્રિક્સ જૂથની વધતી તાકાત, આર્થિક પ્રભાવ અને ભવિષ્યની રૂપરેખા પર વિશેષ પ્રકાશ પાડ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રિક્સની સફરને યાદ કરતા જણાવ્યું હતું કે આ વૈશ્વિક મંચની શરૂઆત માત્ર 4 દેશોથી થઈ હતી, જે આજે વિસ્તરીને 21 દેશોનું એક શક્તિશાળી પરિવાર બની ચૂક્યું છે.

વૈશ્વિક અર્થવ્યવસ્થામાં બ્રિક્સના પ્રભાવ વિશે વાત કરતા તેમણે રેખાંકિત કર્યું કે, દુનિયાની કુલ જીડીપીમાં બ્રિક્સ દેશોની હિસ્સેદારી આશરે 40 ટકા જેટલી છે. વૈશ્વિક વસ્તીના લગભગ 50 ટકા લોકો આ દેશોમાં વસે છે. વર્તમાન સમયમાં બ્રિક્સ રાષ્ટ્રો વૈશ્વિક સ્તરે ઇનોવેશન (નવાચાર) ના અત્યંત મહત્ત્વપૂર્ણ કેન્દ્રો તરીકે ઉભરી આવ્યા છે.

ભારતના ડિજિટલ અને આર્થિક વિકાસનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ જણાવ્યું કે ભારતે ડિજિટલ ક્ષેત્રે મોટું પરિવર્તન લાવતા રિયલ-ટાઇમ પેમેન્ટમાં એક ક્રાંતિ સર્જી છે. આ સાથે જ ભારત પોતાના હેલ્થ સેક્ટર (આરોગ્ય ક્ષેત્ર) ને પણ મોટા પાયે ટ્રાન્સફોર્મ કરી રહ્યું છે, જેનાથી સામાન્ય માનવીનું જીવન વધુ સરળ બની રહ્યું છે.

  • સુરક્ષિત સમુદ્ર રૂટ અને વૈશ્વિક સમાધાન પર ભાર

વડાપ્રધાને દરિયાઈ વેપાર અને નાગરિકોની સુરક્ષા પર વિશેષ ભાર મૂકતા સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે “જો સમુદ્ર રૂટ સુરક્ષિત હશે, તો જ વેપાર સુરક્ષિત રહેશે.” ભારત હંમેશાં વૈશ્વિક સ્તરે નાગરિકોની સુરક્ષા અને સલામતીને મજબૂત સમર્થન આપતું રહ્યું છે. પોતાના સંબોધનમાં વડાપ્રધાને આહ્વાન કર્યું હતું કે તમામ બ્રિક્સ દેશોએ સાથે મળીને વૈશ્વિક પડકારોના વ્યવહારિક અને સ્થાયી ‘ગ્લોબલ સમાધાન’ શોધવા જોઈએ, જેથી આ સંગઠન સંયુક્તપણે સમગ્ર દુનિયાને પ્રગતિના પંથે આગળ વધારી શકે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular