રાતભરની ઊંઘ બાદ જ્યારે સવારે જાગીએ ત્યારે શરીરને ફરીથી રિચાર્જ કરવા માટે પૌષ્ટિક અને સ્વસ્થ નાસ્તાની સૌથી વધુ જરૂર હોય છે. લાંબો સમય પેટ ખાલી રહ્યા બાદ સવારનો નાસ્તો માત્ર પેટ જ નથી ભરતો, પરંતુ આખો દિવસ શરીરને ઊર્જાવાન અને સક્રિય રાખવાનું કામ પણ કરે છે. આજની દોડધામ ભરેલી જીવનશૈલીમાં નાસ્તો ન કરવો શરીર માટે હાનિકારક સાબિત થઈ શકે છે.
જાણકારોના જણાવ્યા અનુસાર, નાસ્તાને આપણા મેટાબોલિઝમ માટે દરરોજ સવારનો એક મહત્વપૂર્ણ બૂસ્ટર માનવો જોઈએ. જો કોઈ વ્યક્તિ સવારનો નાસ્તો ન કરે, તો શરીર ‘સર્વાઈવલ મોડ’ પર કામ કરવા લાગે છે, જેના કારણે ઊર્જામાં અચાનક ઘટાડો થાય છે અને કામ કરવાની ક્ષમતા તથા પ્રોડક્ટિવિટી પર માઠી અસર પડે છે. તેથી જ નાસ્તામાં હંમેશાં પોષક તત્વોથી ભરપૂર (ન્યુટ્રિઅન્ટ્સ રિચ) ખોરાકનો સમાવેશ કરવો અત્યંત જરૂરી છે.
-
પનીર ભુરજી અને મલ્ટિગ્રેન રોટી
નાસ્તામાં પનીર ભુરજી સાથે મલ્ટિગ્રેન રોટીનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક છે. પનીર પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત હોવાની સાથે-સાથે ભરપૂર માત્રામાં એમિનો એસિડ પણ પ્રદાન કરે છે. આ ખોરાક લાંબા સમય સુધી પેટ ભરેલું હોવાની અનુભૂતિ કરાવે છે અને શરીરને જરૂરી શક્તિ પૂરી પાડે છે.
-
મગની દાળનો પુડલો
શાકાહારીઓ માટે નાસ્તાનો બીજો સૌથી આરોગ્યપ્રદ વિકલ્પ મગની દાળનો પુલડો છે. આનાથી શરીરમાં પ્લાન્ટ-બેઝ્ડ પ્રોટીન પહોંચે છે અને સાથે જ સોલ્યુબલ ફાઇબર પણ મળે છે. આ એક હળવો નાસ્તો હોવા છતાં શરીરમાં ઉર્જાનું સ્તર જાળવી રાખે છે અને પાચનક્રિયાને સુધારીને તેને સરળ બનાવે છે.
-
બેસન અને પનીરનો પુડલો
નાસ્તામાં બેસન અને પનીર બંનેનું મિશ્રણ કરીને બનાવેલો પુડલો પણ ખૂબ જ ગુણકારી છે, કારણ કે તે કોમ્પ્લેક્સ કાર્બ્સ અને ક્વોલિટી પ્રોટીનનું એક ઉત્તમ મિશ્રણ છે. તે ઇન્સ્યુલિન પ્રતિકારક શક્તિ સામે રક્ષણ આપે છે અને આખો દિવસ શરીરનું એનર્જી લેવલ યોગ્ય બનાવી રાખે છે.
-
ફણગાવેલા ચણા અને મગફળીનું સલાડ
સવારના નાસ્તામાં ફણગાવેલા (સ્પ્રાઉટેડ) ચણા અને મગફળીનું સલાડ બનાવીને ખાઈ શકાય છે. આનાથી શરીરને હેલ્ધી ફેટ્સની સાથે-સાથે ભરપૂર માત્રામાં પ્રોટીન પણ પ્રાપ્ત થાય છે. સ્વાદ અને પોષણ વધારવા માટે તેમાં ડુંગળી, ટમેટા, લીલા ધાણા, લીલા મરચાં તેમજ લીંબુનો રસ, કાળા મરી અને સંચળ મિક્સ કરી શકાય છે.
-
ગ્રીક યોગર્ટ અને બેરિઝ
નાસ્તામાં સાદી દહીંના બદલે ગ્રીક યોગર્ટ સાથે બેરિઝ (બેર પ્રકારના ફળો) નું સેવન ખૂબ જ લાભદાયી છે. ગ્રીક યોગર્ટ સામાન્ય દહીં કરતા વધારે માત્રામાં પ્રોટીન આપે છે અને પાચનતંત્ર માટે પણ ખૂબ અનુકૂળ રહે છે. બીજી તરફ, બેરિઝમાં અસંખ્ય એન્ટિઓક્સિડન્ટ્સ રહેલા હોય છે, જે સ્વાસ્થ્ય માટે વરદાનરૂપ સાબિત થાય છે.
સવારના આ પૌષ્ટિક આહારને અપનાવીને તમે તમારા દિવસની શરૂઆત ઉર્જાવાન અને સ્વસ્થ બનાવી શકો છો.


