નવી દિલ્હીઃ કેન્દ્રીય તપાસ સંસ્થા- CBI-એ ઇન્ટરપૉલની મદદથી મુનવ્વર ખાનને કુવૈતથી ભારત પરત લાવવામાં સફળતા મેળવી છે. મુનવ્વર ખાન છેતરપિંડી કેસમાં વૉન્ટેડ હતો. આંતર-રાષ્ટ્રીય પોલીસ સહકાર એકમ, વિદેશ મંત્રાલય અને કુવૈતના NCBના સહકારથી મુનવ્વર ખાનને સફળતાપૂર્વક ભારત પરત લવાયો છે. કુવૈત પોલીસના એક દળે આજે મુનવ્વર ખાનને કુવૈતથી હૈદરાબાદના રાજીવ ગાંધી આંતર-રાષ્ટ્રીય વિમાનનથક પર પહોંચાડ્યો.
પ્રાપ્ત માહિતી અનુસાર મુનવ્વર ખાન કેટલાક લોકો સાથે મળીને બૅન્ક ઑફ બરોડા સાથે છેતરપિંડી કરી કુવૈત ભાગી ગયો હતો, જ્યાં તેને ભાગેડુ જાહેર કરાયો હતો. સીબીઆઈએ તેની ઈન્ટરપોલની મદદથી કસ્ટડી મેળવી છે. આરોપીની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા થઈ છે. સીબીઆઈએ તેના રિમાન્ડ મેળવીને પૂછપરછની કવાયત તેજ બનાવી છે.