દિલ્લીમાં પ્રદૂષણથી બાળકોને જોખમ,પર્યાવરણ નિષ્ણાંતોએ સ્કૂલ બંધ રાખવા સલાહ આપી
- દિલ્લીમાં પ્રદૂષણનું જોખમ
- બાળકોને વધારે અસર થવાની સંભાવના
- પર્યાવરણ નિષ્ણાંતોએ સ્કૂલ બંધ રાખવા આપી સલાહ
દિલ્હી : રાજધાની દિલ્લીમાં પ્રદૂષણનું સ્તર જોખમી સ્તરથી લઈને અતિજોખમી સ્તર પર પહોંચી ગયું છે. દિલ્લીમાં એમ પણ એર ક્વોલિટિ ઈન્ડેક્ષ જોખમી સ્તર પર રહે છે અને હવે તે વધારે સમય રહેતા પર્યાવરણ નિષ્ણાંતોએ સ્કૂલોને બંધ રાખવાની સલાહ આપી છે. વાયુ પ્રદૂષણની હાલની સ્થિતિને જોઈને પર્યાવરણવિદ દ્વારા જણાવવામાં આવ્યું કે આ સ્વાસ્થ્ય કટોકટી જેવી સ્થિતિ છે. ઉત્તર ભારતમાં વાયુ પ્રદૂષણ એક ગંભીર સમસ્યા છે. તેને ગંભીરતાથી સમજવાની જરૂર છે. તેમણે સૂચન કર્યું કે આવી સ્થિતિમાં દિલ્હી-એનસીઆરની આસપાસની તમામ શાળાઓ બંધ કરી દેવી જોઈએ.”
પર્યાવરણ નિષ્ણાંત દ્વારા આગળ કહેવામાં આવ્યું કે શાળાઓ બંધ કરવા અને વાહનોની અવરજવરને નિયંત્રિત કરવા માટે લોકડાઉન જેવા પગલાંની જરૂર છે. એક રિપોર્ટ અનુસાર પ્રદૂષણને કારણે દિલ્હી-એનસીઆરમાં રહેતા લોકોનું જીવન 9.5 વર્ષ ઘટી જાય છે. તે જ સમયે લંગ કેર ફાઉન્ડેશનનું કહેવું છે કે વાયુ પ્રદૂષણને કારણે દર ત્રીજો બાળક અસ્થમાનો શિકાર છે. રાજધાની દિલ્હીમાં આ દિવસોમાં ધુમ્મસની ગાઢ ચાદર જોવા મળી રહી છે.
સવારના સમયે ઠંડી પણ વધી રહી છે. દિલ્હીમાં આજે સવારે લઘુત્તમ તાપમાન 14.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. તે જ સમયે સતત ત્રીજા દિવસે AQI 433 નોંધાયો હતો. તે જ સમયે કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત હવામાન આગાહી અને સંશોધન ડેટા અનુસાર દિલ્હીના AQIમાં સોમવાર સુધીમાં સુધારો થવાની ધારણા છે.