વાવાઝોડાનું સંકટઃ ભૂપેન્દ્ર પટેલે સમીક્ષા બેઠક યોજી, દરિયાકાંઠાના 164 ગામના સરપંચોનો કર્યો સંપર્ક
અમદાવાદઃ અરબી સમુદ્રમાં સર્જાયેલુ વાવાઝોડુ રાતના જખૌ નજીક ટકરાય તેવી શકયતાઓ છે, બીજી તરફ વહીવટી તંત્ર સાબદુ બન્યું છે અને દરિયાકાંઠા નજીક આવતા ગામના લોકોને સ્થળાંતર ખસેડવામાં આવ્યાં છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ પરિસ્થિતિ ઉપર સતત નજર રાખી રહ્યાં છે, એટલું જ નહીં કેન્દ્ર સરકાર પણ વાવાઝોડાની શકયતાને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર સાથે સતત સંપર્કમાં છે. દરમિયાન રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સાથે CM ભૂપેન્દ્ર પટેલે બેઠક યોજી હતી. તેમજ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ઈમરજન્સી ઓપરેશન સેન્ટરની મુલાકાત લીધી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની ઉચ્ચ અધિકારીઓ સાથેની બેઠકમાં હવામાન વિભાગના ડાયરેક્ટર હાજર રહ્યા હતા. મુખ્યમંત્રીએ વાવાઝોડું બિપોરજોયની હાલની સ્થિતિનો તાગ મેળવ્યો હતો. બેઠકમાં વાવાઝોડાથી થનારી અસર પર પણ ચર્ચા કરવામાં આવી હતી. તેમજ કંટ્રોલ રૂમમાંથી 24 કલાક સ્થિતિ પર નજર રખાઇ રહી છે. બિપરજોય વાવાઝોડા સંદર્ભે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજીને વાવાઝોડાની સંભવિત અસર થઈ શકે તેવા જિલ્લાઓમાં તંત્ર દ્વારા ચાલી રહેલ આપત્તિ વ્યવસ્થાપનની કામગીરીની સમીક્ષા કરી હતી.
ભૂપેન્દ્ર પટેલે નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર, ફૂડ પેકેટનું આયોજન, વીજ થાંભલાઓ અંગે તકેદારી અને પાણી પૂરવઠાની સ્થિતિ સહિતની કામગીરીની વિગતો મેળવી હતી. વાવાઝોડાના પરિણામે રાજ્યમાં જાનમાલને હાનિ નિવારી શકાય તેવી તકેદારી સાથે તંત્ર કામ કરી રહ્યું છે. ખતરાને પહોંચી વળવા રાજ્ય સરકાર તરફથી તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બિપરજોય વાવાઝોડાની આફતના પગલે કચ્છ સહિતના દરિયાકિનારાના જિલ્લાઓ અને ગામોના સરપંચ સાથે સીએમ ડેશ બોર્ડના માધ્યમથી વાતચીત કરી હતી. મુખ્યમંત્રીએ દ્વારકા, જામનગર, કચ્છ અને ગીર-સોમનાથ જિલ્લાના ગામોના સરપંચ સાથે વાતચીત કરી પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો હતો. દરિયાકિનારાથી 10 કિ.મી. સુધી આવતા 164 ગામનો સંપર્ક કરવામાં આવ્યો હતો.
બિપોરજોય વાવાઝોડાના સંકટ અંગે રાહત કમિશનર આલોક પાંડેએ જણાવ્યું છે કે, આજે રાત્રે વાવાઝોડું લેન્ડફોલ થશે, તે સમયે 115થી 125 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શકયતા છે. વાવાઝોડાના કારણે રાજ્યમાં ભારે વરસાદ થશે. વાવાઝોડાને લઈ પાટણ અને બનાસકાંઠાને સતર્ક રહેવા કહેવાયું છે. અત્યાર સુધી 95 હજાર લોકોનું સ્થળાંતર કરાયું છે.