લો બોલો, હવે ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટનું નામ બદલીને પોતાના નામ ઉપર રાખ્યું
વોશિંગ્ટન, 30 એપ્રિલ 2026: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર પોતાની આગવી શૈલીમાં કંઈક એવું કર્યું છે જેનાથી રાજદ્વારી અને વૈશ્વિક સ્તરે મોટો વિવાદ સર્જાઈ શકે છે. ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સૌથી વ્યૂહાત્મક ગણાતા ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’નું નામ બદલીને ‘સ્ટ્રેટ ઓફ ટ્રમ્પ’ કરી દીધું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. વાસ્તવમાં, ટ્રમ્પે તેમના પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર એક યુઝરની પોસ્ટ રી-પોસ્ટ કરી હતી, જેમાં હોર્મુઝની તસવીરને ‘સ્ટ્રેટ ઓફ ટ્રમ્પ’ તરીકે દર્શાવવામાં આવી હતી. જોકે, વિવાદ વકરતા હવે તે મૂળ પોસ્ટ જોવા મળી રહી નથી.
હોર્મુઝ સ્ટ્રેટ એ ઈરાન અને ઓમાનની ખાડી વચ્ચે આવેલો વિશ્વનો સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ છે. વિશ્વના કુલ કાચા તેલ અને કુદરતી ગેસનો અંદાજે 20 થી 30 ટકા હિસ્સો આ સાંકડા માર્ગ દ્વારા પરિવહન થાય છે. વર્તમાન પશ્ચિમ એશિયા સંકટ અને ઇઝરાયેલ-ઇરાન સંઘર્ષના કારણે આ વિસ્તાર રણમેદાન બની ગયો છે. અગાઉ ઇરાને આ માર્ગ બંધ કરવાની ધમકી આપી હતી, પરંતુ હવે અમેરિકાએ આ વિસ્તારમાં નાકાબંધી કરી દેતા સ્થિતિ વધુ ગંભીર બની છે.
અમેરિકા અને ઈરાન વચ્ચે ભલે યુદ્ધવિરામની વાતો ચાલતી હોય, પણ ટ્રમ્પ સરકારે હોર્મુઝ પર પોતાની પકડ ઢીલી કરી નથી. ઈરાને સમજૂતી માટે આ દરિયાઈ માર્ગ ખોલવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને ટ્રમ્પે સ્પષ્ટપણે ફગાવી દીધો છે. ટ્રમ્પે આ વ્યૂહરચનાનો બચાવ કરતા જણાવ્યું હતું કે, “નાકાબંધી એ બોમ્બમારો કરવા કરતા પણ વધુ અસરકારક શસ્ત્ર છે. ઈરાન અત્યારે ખરાબ રીતે ફસાયેલું છે અને તેમનો દમ ઘૂંટાઈ રહ્યો છે. આવનારા સમયમાં તેમની સ્થિતિ વધુ નાજુક બનશે.”
ટ્રમ્પ સરકારનું માનવું છે કે હોર્મુઝની નાકાબંધીને કારણે ઈરાન તેલની નિકાસ કરી શકશે નહીં, જેનાથી તેની અર્થવ્યવસ્થા પડી ભાંગશે. ટ્રમ્પનો દાવો છે કે ઈરાનના ઉર્જા કેન્દ્રો બંધ થવાના આરે છે અને ઈરાન સરકાર પરમાણુ કાર્યક્રમ રોકવા માટે મજબૂર બનશે. આ ગતિરોધને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવમાં પણ મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે, જેની અસર ભારત સહિત સમગ્ર વિશ્વ પર પડી શકે છે.


