26-બાપુનગર વોર્ડમાં મતગણતરીના આંકડા બાબતે કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો
અમદાવાદ, 30 એપ્રિલ, 2026 – 26-બાપુનગર વોર્ડમાં મતગણતરીના આંકડા બાબતે કોંગ્રેસના ઉમેદવારે વાંધો ઉઠાવીને ચૂંટણી અધિકારી સમક્ષ રજૂઆત કરી છે. કોંગ્રેસના ઉમેદવાર નાગજીભાઈ સાગરભાઈ દેસાઈએ સંબંધિત ચૂંટણી અધિકારીને પત્ર લખીને મત ગણતરી દરમિયાન અને ત્યારબાદ જાહેર કરવામાં આવેલા આંકડામાં વિસંગતી હોવાની રજૂઆત કરી છે.
પત્રમાં શું લખ્યું સાગરભાઈએ?
નમસ્તે,
વિષય :- ગત ૨૮-૦૪-૨૦૨૬ ના રોજ થયેલી બાપુનગર વોર્ડની મતગણતરીમાં આપના તરફથી ચૂક થયેલી છે. તેની તપાસ કરી યોગ્ય અને સત્ય પરિણામ જાહેર કરવા વિનંતી સાથે રજૂઆત…
જય ભારત સાથે જણાવવાનું કે, હાલમાં અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી થયેલી તેમાં આપશ્રી ૨૬- બાપુનગર વોર્ડમાં મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે ફરજ નિભાવતા હતા જેમાં આપનાથી ચૂક થયેલી છે.
(૧) ચાલુ મત ગણતરીમાં મેં આપને રજૂઆત કરેલી કે મારા સામેના હરીફ ભાજપના ઉમેદવાર જયેન્દ્રસિંહ સેંગરને આપે તથા આપના સ્ટાફના અધિકારીઓએ આપે લગાવેલા બોર્ડમાં આપે એમને ૧૭૯૮૮ મત મળેલ એવું લખેલ પછી આપને મેં તાત્કાલિક જાણ કરતા આપે તાત્કાલિક તે મત ઘટાડીને ૧૫૯૮૮ કરેલ જેની સરકારી વિડીયોગ્રાફી આપ ચકાસી શકો છો.
(૨) મતગણતરીના ચોથા રાઉન્ડમાં EVMમાં નીકળતા મતો આપશ્રીએ અને આપના સ્ટાફે પેન કાગળથી હાથથી લખેલા મતોમાં ઘણો તફાવત છે. જે અમારા પરિણામને નુકસાન કરતા છે. તો મારી માંગણી છે કે મત ગણતરીના તા. ૨૮-૦૪-૨૦૨૬ ના તમામ વિડીયો ગ્રાફી તેમજ તમામ બુથના EVM મશીન ચકાસણી માટે સાચવીને રાખવા મારી સમક્ષ તમામ ચકાસણી ફરીથી કરવામાં આવે તેવી મારી માંગણી છે. મને આશા અને વિશ્વાસ છે કે મારી માંગણી આપશ્રી સ્વીકાર કરશો અને આપશ્રીના આદેશની સમય મર્યાદામાં રાહ જોઈશું જો મને આપશ્રી તરફથી સંપૂર્ણ ન્યાય નહિ મળે તો અમોને આગળ ન્યાય હિત માટે કોર્ટ સમક્ષ જવાની ફરજ પડશે.
નોંધ. હું આપની અધિકારી તરીકે રિસ્પેક્ટ કરું છું પણ મારા સામેના ઉમેદવારના દબાણમાં આવીને આપશ્રીએ મારી સામેના ઉમેદવાર જયેન્દ્રસિંહ સેંગરને ચોથા ક્રમે મત ગણતરીમાં ચાલતા ઉમેદવારને બીજા ક્રમે આપે જાહેર કરેલ તે ન્યાય હિતમાં તેમજ લોકશાહીમાં અતિ ગંભીર બાબત કહી શકાય…
(નાગજીભાઈ સાગરભાઈની સહી)
લિ. નાગજીભાઈ સાગરભાઈ દેસાઈ
(ઉમેદવાર, ૨૬-બાપુનગર વોર્ડ, કોંગ્રેસ પક્ષ)



