અમદાવાદ, 30 એપ્રિલ 2026: 35-day summer vacation in primary schools રાજ્યમાં સરકારી અને ગ્રાન્ટેડ અને ખાનગી પ્રથામિક શાળાઓમાં 35 દિવસના ઉનાળાના વેકેશનની જાહેરાત કરવામાં આવી છે. પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓમાં ઉનાળુ વેકેશન અંગે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં તા. 04/05/2026 થી તા. 07/06/2026 સુધી કુલ 35 દિવસ માટે ઉનાળુ વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ 8મી જુનથી થશે.
રાજ્યના પ્રથામિક શિક્ષણ વિભાગે જારી કરેલા પરિપત્ર મુજબ, તમામ પ્રાથમિક શાળાઓમાં 4થી મેથી વેકેશનનો પ્રારંભ થશે. એટલે રવિવારની જાહેર રજા હોવાથી 3જી મેથી વેકેશન શરૂ થશે. અને 7મી જુન સુધી પ્રાથમિક શાળાઓમાં 35 દિવસનું વેકેશન રહેશે. તા. 08/06/2026થી શાળાઓ ફરી શરૂ થશે. આ નિર્ણય રાજ્યના તમામ પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓમાં સમાનતા જળવાઈ રહે તે હેતુથી લેવામાં આવ્યો છે. જિલ્લા શિક્ષણ અધિકારીઓ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓને વેકેશનના આ સમયપત્રકનો કડક અમલ કરાવવા સૂચના આપવામાં આવી છે.
શિક્ષણ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, પ્રાથમિક અને માધ્યમિક બંને પ્રકારની શાળાઓ માટે વેકેશનની તારીખો એકસરખી રાખવામાં આવી છે, જેથી વિદ્યાર્થીઓ અને વાલીઓને આયોજનમાં સરળતા રહે. સાથે જ સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર શાળાઓમાં પણ આ નિયમ લાગુ પડશે.
પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્રમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે શૈક્ષણિક વર્ષ 2026 માટે D.El.Ed. પ્રવેશ પ્રક્રિયા અને અન્ય શૈક્ષણિક કામગીરીને ધ્યાનમાં રાખીને જરૂરી હોય તો સંબંધિત સંસ્થાઓ વિદ્યાર્થીઓ માટે અલગથી નિર્ણય લઈ શકશે. શિક્ષણ વિભાગના આ નિર્ણયથી વિદ્યાર્થીઓને ઉનાળાની ગરમી દરમિયાન રાહત મળશે અને તેઓને આરામ તેમજ અન્ય પ્રવૃત્તિઓ માટે પૂરતો સમય મળશે.

