સિઓલ: દક્ષિણ કોરિયાની એક અદાલતે મહાભિયોગનો સામનો કરી રહેલા રાષ્ટ્રપતિ યૂન સુક યેઓલને અટકાયતમાં લેવા અને તેમની ઓફિસની તપાસ માટે વોરંટ જારી કર્યું છે. તેમ દેશની ભ્રષ્ટાચાર વિરોધી એજન્સીએ જણાવ્યું હતું. ઉચ્ચ કક્ષાના અધિકારીઓ સામે ભ્રષ્ટાચારના કેસોની તપાસ કરતી સંસ્થાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે સિઓલ પશ્ચિમી જિલ્લા અદાલતે આ મહિનાની શરૂઆતમાં લાદવામાં આવેલા ટૂંકા ગાળાના માર્શલ લો સંબંધિત કેસમાં યુન સુક યેઓલ અને રાષ્ટ્રપતિ કાર્યાલયની અટકાયત કરવાનો આદેશ આપ્યો હોવાનું જાણવા મળે છે
એજન્સીએ કહ્યું કે, તે તપાસ કરી રહી છે કે શું 3 ડિસેમ્બરે તેમના દ્વારા લાદવામાં આવેલ ટૂંકા ગાળાનો ‘માર્શલ લો’ બળવા સમાન હતો. દક્ષિણ કોરિયાના કાયદા અમલીકરણ અધિકારીઓએ સોમવારે યુન સુક યોલની અટકાયત કરવા માટે કોર્ટ વોરંટની વિનંતી કરી હતી. યૂન સુક યેઓલના વકીલ યૂન કેપ-ક્યુને અટકાયતના પ્રયાસની નિંદા કરી અને તેને પડકારવા માટે સિઓલ વેસ્ટર્ન ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. તેમણે દલીલ કરી હતી કે વોરંટનો અનુરોધ ગેરકાયદેસર છે.
દક્ષિણ કોરિયામાં ટૂંકા ગાળાના માર્શલ લૉ લાદવાના આદેશ માટે નેશનલ એસેમ્બલીમાં રાષ્ટ્રપતિ યૂન સુક યેઓલ વિરુદ્ધ લાવવામાં આવેલ મહાભિયોગ પ્રસ્તાવ 14 ડિસેમ્બરે પસાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ બંધારણીય અદાલતે તેમને પદ પરથી હટાવવા અથવા તેમની સત્તાઓને પુનઃસ્થાપિત કરવા અંગે ચુકાદો ન આપ્યો ત્યાં સુધી રાષ્ટ્રપતિ તરીકે યુનની સત્તાઓ સ્થગિત કરવામાં આવી હતી.