Site icon Revoi.in

ગાંધીનગરમાં ટ્રેકટર ટ્રોલી પલટીને સ્કૂટર પર પડતા પિતરાઈ ભાઈ-બહેનના મોત

Social Share

ગાંધીનગર, 15 મે 2026: Cousin dies after tractor trolley overturns and falls on scooter શહેરના ન્યૂ વાવોલ વિસ્તારમાં રિલાયન્સ માર્ટ બજાર પાસે પૂરપાટ ઝડપે ટ્રેક્ટર- ટ્રોલી ચાલકે વળાંક પર કાબૂ ગુમાવતા ટ્રેકટરની ટ્રોલી જ્યુપિટર સ્કૂટર પર પલટી ખાતા સ્કૂટર સવાર પિતરાઈ ભાઈ-બહેન ટ્રોલી નીચે દબાઈ ગયા હતા. જેમાં ભાઈનું ઘટનાસ્થળે અને બહેનનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજતા મૃતકોના પરિવારમાં ભારે ગમગીની વ્યાપી ગઈ હતી.

આ બનાવની વિગત એવી છે કે, ગાંધીનગર શહેરના વાવોલની સહજાનંદ શ્યામ સોસાયટીમાં રહેતા ઉર્વેશભાઈ સોનારની 17 વર્ષીય દીકરી વૈષ્ણવીએ તાજેતરમાં જ ધોરણ-12ની પરીક્ષા પાસ કરી હતી. તેનો માસીનો દીકરો 26 વર્ષીય રાહુલ સંજયભાઈ ફોટદાર બે દિવસ અગાઉ જ સુરતથી ગાંધીનગર આવ્યો હતો. આજે બપોરે બંને પિતરાઈ ભાઈ બહેન જ્યુપિટર સ્કૂટર પર કોઈ કામ અર્થે જઈ રહ્યા હતા. દરમિયાન રિલાયન્સ માર્ટ પાસેના વળાંકમાં કોલવડા તરફથી પાણી ભરેલું ટ્રેક્ટર-ટ્રોલી લઈને આવતા ચાલકે ગફલતભરી રીતે વાહન હંકારી મૂકતા તેણે ટ્રેક્ટર પરથી કાબૂ ગુમાવ્યો હતો. અને જોતજોતામાં ટ્રેક્ટરની પાણી ભરેલી ટ્રોલી સીધી જ જ્યુપિટર સ્કૂટર પર પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં જ્યુપિટર સ્કૂટરનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને રાહુલ તથા વૈષ્ણવી બંને પાણીના ભારેખમ વજનની ટ્રોલી નીચે દબાઈ ગયા હતા.

આ અકસ્માતના પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા. અને બચાવની કામગીરી હાથ ધરી હતી. અને ટ્રોલી નીચે ફસાયેલા બન્નેના બહાર કાઢવા ભારે જહેમત ઉઠાવી હતી.પરંતુ ટ્રોલીનું વજન વધુ હોવાથી અંતે ક્રેન બોલાવીને ટેન્કર ઊંચું બંનેને ગંભીર હાલતમાં બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે કમનસીબે રાહુલનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત વૈષ્ણવીને તાત્કાલિક ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડાઈ હતી.જ્યાં ટૂંકી સારવાર બાદ તેણે પણ દમ તોડી દીધો હતો.

આ બનાવની જાણ થતા જ સેક્ટર-7 પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ફરાર ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટનાના પગલે સુરતથી આવેલા પિતરાઈ ભાઈ અને ભણવામાં તેજસ્વી એવી બહેનના અકાળે અવસાનથી સોનાર પરિવાર પર આભ તૂટી પડ્યું છે

Exit mobile version