1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સરકારની અસરકારક કામગીરીને પગલે વાવાઝોડામાં મોટી જાનહાની ટળી
સરકારની અસરકારક કામગીરીને પગલે વાવાઝોડામાં મોટી જાનહાની ટળી

સરકારની અસરકારક કામગીરીને પગલે વાવાઝોડામાં મોટી જાનહાની ટળી

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં અરબી સમુદ્રમાં સર્જાયેલુ બિપરજોય વાવાઝોડુ કચ્છના જખૌ નજીક રાતના ટકરાયા બાદ કચ્છ ઉપરાંત આસપાસના વિસ્તારોમાં વૃક્ષો, વિજળીના થાંભલા ધરાશાયી થવાની સાથે કાચા મકાનોના પતરા ઉડવાની ઘટના બની છે. જો કે, રાહતની વાત એ છે કે, સરકારની અસરકારક કામગીરીને પગલે મોટી જાનહાની ટળી છે. વાવાઝોડામાં 22 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયાનું જાણવા મળે છે. આ ઉપરાંત ભાવનગરમાં પિતા-પુત્રના મોત થયાનું ચર્ચાઈ રહ્યું છે.

અરબી સમુદ્રમાં વાવાઝોડુ સક્રિય થતાની સાથે જ રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકાર એલર્ટ મોડમાં આવી ગઈ હતી. તેમજ રાજ્યના વિવિધ મંત્રીઓને જે ત જિલ્લાઓની જવાબદારી સોંપવામાં આવી હતી. એટલું જ નહીં રાજ્યના મંત્રીઓ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પહોંચી ગયા હતા અને લોકોને જાગૃત કરવાની સાથે સ્થળાંતરની કામગીરીમાં જોડાયાં હતા. એટલું જ નહીં એનડીઆરએફ અને એસડીઆરએફની લગભગ 30 ટીમો તૈનાત કરવાની સાથે મોટા પાયે સ્થળાંતરની કામગીરી શરૂ કરવામાં આવી હતી. એટલું જ નહીં વાવાઝોડુ ત્રાટકે તેના એક દિવસ પહેલા 95 હજાર લોકોનું સ્થળાંતર કરીને સલામત સ્થળે રાખવામાં આવ્યાં હતા.

સરકાર તથા સ્વૈચ્છીક સંગઠનો દ્વારા તેમના જમવા સહિતની સુવિધા પુરી પાડવામાં આવી હતી. આ ઉપરાંત વીજ કંપનીના અધિકારીઓને પણ સાબદા રાખવામાં આવ્યાં હતા. જેથી વાવાઝોડામાં વીજ થાંભલા ધરાશાયી થતા વીજ પુરવઠો ખોરવાય તો તેને રાબેતા મુજબ કરવા માટે સૂચના આપવામાં આવી હતી. એટલું જ નહીં કન્ટ્રોલ રૂમ ઉભા કરવાની સાથે ભૂપેન્દ્ર પટેલ વાવાઝોડાની પરિસ્થિતિ ઉપર સતત નજર રાખી રહ્યાં હતા. આ ઉપરાંત કેન્દ્ર સરકાર પણ ગુજરાત સરકારના સતત સંપર્કમાં હતા અને તમામ પ્રકારની મદદ પુરી પાડવાની તૈયારીઓ દર્શાવી હતી. દરિયાકાંઠા વિસ્તારોમાં પણ લોકોના પ્રવેશ ઉપર પ્રતિબંધ ફરમાવવાની સાથે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. ગુજરાતના મુખ્યમંત્રી ભેપેન્દ્ર પટેલ વાવાઝોડાની પરિસ્થિતિ ઉપર સતત નજર રાખવાની સાથે રાહત કામગીરીમાં જોડાયેલા મંત્રીઓ તથા સૌરાષ્ટ્ર-કચ્છના ઉચ્ચ અધિકારીઓની સતત સંપર્કમાં રહેવાની સાથે અનેક ગામના સરપંચો સાથે વાતચીત કરી હતી. એટલું જ નહીં જનતાને તેઓ સતત અપીલ પણ કરી રહ્યાં હતા.

રાજ્યમાં જખૌ બંદર નજીક વાવાઝોડુ ટકરાવાની સાથે ભારે પવન અને ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે પવનને પગલે વીજળીના થાંભલાઓ, વૃક્ષો ધરાશાયી થવા ઉપરાંત મકાનના છાપરા ઉડવાની ઘટના બની હતી. પરંતુ સરકાર દ્વારા કરાયેલા આગેતરા આયોજનને પગલે મોટી જાનહાની ટળતા વહીવટી તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે, તેમજ વાવાઝોડાની અસર પૂર્ણ થતાની સાથે જ અસરગ્રસ્ત વિસ્તારોમાં વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કરવા સહિતની કામગીરી શરૂ કરવામાં આવી છે, એટલું જ નહીં આગામી સમયમાં પરિસ્થિતિનો તાગ મેળવ્યા બાદ વહીવટી તંત્ર દ્વારા સલામત સ્થળે રાખવામાં આવેલા હજારો લોકોને પરત તેમના ઘરે મોકલી આપવામાં આવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code