ઉનાળામાં પણ અંજીર ખાવાથી શરીરને થાય છે અનેક ફાયદા
ઉનાળાની શરૂઆત થતા જ લોકો પોતાના આહારમાં મોટા પાયે ફેરફાર કરતા હોય છે. આ ઋતુમાં શરીર જલ્દી ડિહાઈડ્રેટ થઈ જાય છે અને પાચનતંત્ર પણ સંવેદનશીલ બની જાય છે. ગરમ તાસીર ધરાવતી વસ્તુઓ ખાવાથી પેટની સમસ્યાઓ થવાનો ડર રહેતો હોય છે, જેમાં સૂકા મેવાનો પણ સમાવેશ થાય છે. ખાસ કરીને અંજીરને લઈને લોકોના મનમાં દ્વિધા હોય છે કે શું ગરમીમાં તેનું સેવન ફાયદાકારક છે?
અંજીર ફાઈબર, વિટામિન, મિનરલ્સ અને એન્ટી-ઓક્સિડન્ટ્સથી ભરપૂર હોય છે. તે આયર્ન, મેગ્નેશિયમ અને કેલ્શિયમનો ઉત્તમ સ્ત્રોત છે. તેના સેવનથી પેટ લાંબો સમય ભરેલું લાગે છે અને બ્લડ પ્રેશર પણ નિયંત્રણમાં રહે છે. જોકે, તેની તાસીર ગરમ હોવાને કારણે ઉનાળામાં લોકો તેનાથી દૂર રહેતા હોય છે.
ક્લિનિકલ આયુર્વેદ એક્સપર્ટના જણાવ્યા અનુસાર, અંજીરની તાસીર ભલે ગરમ હોય, પરંતુ ઉનાળામાં પણ તે અત્યંત ફાયદાકારક સાબિત થઈ શકે છે, જો તેને સાચી રીતે ખાવામાં આવે. એક્સપર્ટની સલાહ અનુસાર, “શિયાળામાં તમે અંજીર સીધું ખાઈ શકો છો, પરંતુ ઉનાળામાં અંજીરને રાત્રે પાણીમાં પલાળી રાખવું જોઈએ. આખી રાત પલાળવાથી તેની ગરમ તાસીર બદલાઈ જાય છે અને તે શરીરને ઠંડક સાથે પોષણ આપે છે.”
-
ઉનાળામાં અંજીર ખાવાના અદભૂત ફાયદા
વજન નિયંત્રણમાં મદદરૂપ: અંજીરમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે. તે પેટને લાંબો સમય ભરેલું રાખે છે, જેનાથી બિનજરૂરી ‘ક્રેવિંગ’ અટકે છે અને વજન ઘટાડવામાં મદદ મળે છે.
ઇન્સ્ટન્ટ એનર્જી બૂસ્ટર: ઉનાળામાં ઘણીવાર થાક અને સુસ્તી અનુભવાય છે. રોજ સવારે પલાળેલા અંજીર ખાવાથી તેમાં રહેલી નેચરલ સુગર અને વિટામિન-બી શરીરને આખો દિવસ ઉર્જાવાન રાખે છે.
ચમકતી ત્વચા માટે રામબાણ: અંજીરમાં વિટામિન-સી, ઈ અને એન્ટી-ઓક્સિડન્ટ્સ હોય છે. તે ત્વચાની ડ્રાયનેસ ઘટાડે છે, ત્વચાને અંદરથી ગ્લો આપે છે અને સૂર્યના કિરણોથી થતા નુકસાન સામે રક્ષણ આપે છે.
હૃદયના સ્વાસ્થ્યમાં સુધારો: તેમાં રહેલું પોટેશિયમ અને ફાઈબર કોલેસ્ટ્રોલ ઘટાડવામાં અને બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે, જે હૃદયને સ્વસ્થ રાખે છે.
જો તમે પણ અંજીર ખાવાના શોખીન હોવ, તો ગરમીથી ડરવાની જરૂર નથી. બસ, તેને રાત્રે પલાળીને સવારે ખાવાની આદત પાડો. તેનાથી તમે ગરમીની આડઅસર વગર અંજીરના તમામ સ્વાસ્થ્યવર્ધક ફાયદાઓ મેળવી શકશો.


