1. Home
  2. ગુજરાતી
  3. ચૂંટણી પંચ: બંગાળ અને તમિલનાડુમાં રૂ. 1000 કરોડથી વધુની માલમત્તા જપ્ત
ચૂંટણી પંચ: બંગાળ અને તમિલનાડુમાં રૂ. 1000 કરોડથી વધુની માલમત્તા જપ્ત

ચૂંટણી પંચ: બંગાળ અને તમિલનાડુમાં રૂ. 1000 કરોડથી વધુની માલમત્તા જપ્ત

0
Social Share

નવી દિલ્હી, 23 એપ્રિલ 2026: પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ વિધાનસભા ચૂંટણી 2026 માટે મતદાનના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે ચૂંટણી પંચે આ બંને રાજ્યોમાં લોભ-લાલચ વગરના મુક્ત અને ન્યાયી મતદાન માટે કમર કસી છે. 23 એપ્રિલના રોજ યોજાનારા મતદાન પૂર્વે પંચે આ બંને રાજ્યોમાં સંયુક્ત રીતે 1000 કરોડ રૂપિયાથી વધુની રોકડ અને અન્ય ચીજવસ્તુઓ જપ્ત કરી છે.

ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, પશ્ચિમ બંગાળમાં ઈલેક્શન સીઝર મેનેજમેન્ટ સિસ્ટમ સક્રિય થયા બાદથી અત્યાર સુધીમાં 472 કરોડ રૂપિયાથી વધુની મત્તા જપ્ત કરવામાં આવી છે. જેમાં 27 કરોડ રોકડા, દારૂ, ડ્રગ્સ, કિંમતી ધાતુઓ અને મતદારોને વહેંચવા માટેની અન્ય ભેટ-સોગાદોનો સમાવેશ થાય છે. તમિલનાડુમાં 100 કરોડની રોકડ સાથે કુલ 599 કરોડ રૂપિયાથી વધુની જપ્તી કરવામાં આવી છે.

  • બંગાળ અને તમિલનાડુમાં ફ્લાઈંગ સ્ક્વોડ ટીમની કુલ 5011 ટીમો તૈનાત

ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા જળવાઈ રહે તે માટે પંચે બંને રાજ્યોમાં ભારે પોલીસ બંદોબસ્ત અને દેખરેખ ટીમો તૈનાત કરી છે: બંગાળમાં 2728 અને તમિલનાડુમાં 2283 મળી ફ્લાઈંગ સ્ક્વોડ ટીમની કુલ 5011 ટીમો તૈનાત છે, જે કોઈપણ ફરિયાદ મળ્યે 100 મિનિટની અંદર ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી કરે છે. નાકાબંધી અને તપાસ માટે સ્ટેટિક સર્વિલાન્સની 5363 થી વધુ ટીમો (બંગાળમાં 3142 અને તમિલનાડુમાં 2221) સક્રિય કરવામાં આવી છે.

ચૂંટણી પંચે રાજકીય પક્ષો અને સામાન્ય નાગરિકોને અપીલ કરી છે કે જો ક્યાંય પણ આચારસંહિતાનો ભંગ થતો જણાય, તો ઈસીઆઈએનઈટી પ્લેટફોર્મ પર સી-વીગીલ મોડ્યુલ દ્વારા તાત્કાલિક રિપોર્ટ કરવો. આ સાથે જ જિલ્લા સ્તરે ફરિયાદ નિવારણ સમિતિઓ પણ બનાવવામાં આવી છે જેથી સામાન્ય જનતાને બિનજરૂરી મુશ્કેલી ન પડે.

અત્રે ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચે 15 માર્ચ 2026 ના રોજ આસામ, કેરળ, પુડુચેરી, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળ માટે ચૂંટણીની તારીખો જાહેર કરી હતી. જે અંતર્ગત 23 એપ્રિલ 2026ના રોજ તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં મતદાન યોજાનાર છે. પંચે સ્પષ્ટ કર્યું છે કે કોઈપણ પ્રકારની ગેરરીતિ ચલાવી લેવામાં આવશે નહીં.

આ પણ વાંચોઃ ખાનગી શાળાઓની મનમાની પર NHRCની કાર્યવાહી: ખાનગી પ્રકાશકોના પુસ્તકો થોપવા બદલ તમામ રાજ્યોને નોટિસ

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code